Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ગીતા વિદ્યાલયના અધિષ્‍ઠાતા

પૂ.મનહરલાલજી મહારાજની કાલે ૨૧મી પુણ્‍યતિથિઃ રાજકોટમાં ભજન સંધ્‍યા

રાજકોટઃ ગુજરાતભરના ગીતા વિદ્યાલયોના અધિષ્‍ઠાતા બ્રહ્મલીન ભાગવતાચાર્ય પૂ.શ્રી મનહરલાલજી મહારાજની કાલે તા.૧૬ને ગુરુવારના ૨૧મી પુણ્‍યતિથિ છે. પૂ. મનહરલાલજી મહારાજે આજથી ૭૦ વર્ષો પુર્વે છોટીકાશી જામનગરમાં અને ૫૭ વર્ષો પૂર્વે રાજકોટમાં ગીતા વિદ્યાલયની સ્‍થાપના કરી અને નાના બાળકોને સંસ્‍કૃત શ્‍લોકોની અંતાક્ષરી રમતા કર્યા. બાળકો દ્વારા ગીતા  જયંતિની ઉજવણીનો પ્રારંભ કરાવ્‍યો. તેમજ હજારો બાળકોને ભગવદ્દગીતા, રામાયણ તથા સંસ્‍કૃતસ્ત્રોતોનું અધ્‍યયન કરાવીને સંસ્‍કાર સિંચન કર્યું. આજથી ૭૧ વર્ષો પૂર્વે જામનગરમાંથી ગુંજતો થયેલો ભગવદ્દગીતાનો નાદ આજે ગીતા વિદ્યાલય સ્‍વરૂપે ગૂંજી રહ્યો છે.
તેઓએ જામનગરમાં એક જ માસ(કારતક માસમાં)માં એક જ શહેર (જામનગર) માં બે અષ્‍ટોત્તરશત સતત (૧૦૮) શ્રીમદ્દ ભાગવત સપ્તાહનો વિક્રમજનક ઇતિહાસ સજર્યો છે. તેઓની પ્રેરણાથી રાજકોટની ભાગોળે રતનપર ખાતે રામચરિતમાનસ મંદિરનું નિર્માણ થયું છે. નર્મદાકાંઠે નારેશ્વરમાં દાદાજી કૃષ્‍ણશંકર શાષાીના હસ્‍તે શ્રેષ્‍ઠ ભાગવતચાર્ય તરીકે શ્રી મનહરલાલજી મહારાજનું બહુમાન થયુ હતું.
અમરેલી જિલ્લાના ધારી મુકામે તેમણે સુપ્રસિદ્ધ યાત્રાધામ જીવનમુકતેશ્વર મહાદેવ આશ્રમનો જીર્ણોદ્ધાર કરીને પ્રવાસન સ્‍થળ તરીકે વિકસાવેલ છે. ૧૦૦૦ ઉપરાંત ભાગવત સપ્તાહ દ્વારા અનેક સ્‍થળોએ સ્‍કુલ, દવાખાનું, ગૌશાળા, મંદિરના નિર્માણમાં મહારાજશ્રીએ સહયોગ આપ્‍યો હતો.
તેઓએ પ્રકટાવેલો સેવાનો દિપ આજે પણ સૌરાષ્‍ટ્રભરમાં ગીતા વિદ્યાલય સ્‍વરૂપે ગુંજીરહ્યો છે. જેમાં બાળસંસ્‍કાર કેન્‍દ્ર, ઉનાળુ છાશકેન્‍દ્ર, વાચનાલય, જ્ઞાનયજ્ઞ, નિઃશુલ્‍ક નિદાનકેમ્‍પ,  રાહત દરે નોટબુક વિતરણ, ગીતા પ્રચાર, સંસ્‍કૃત પ્રચાર, ભગવદ્દગીતાના સામૂહિક પાઠ, માતૃભાષામાં શિક્ષણનું અભિયાન, સતસાહિત્‍યનું વિતરણ વગેરે અનેક સેવાકીય પ્રવૃતિઓ થઇ રહી છે. તેઓની પૂણ્‍યતિથિ નિમિત્તે જામનગર ગીતા વિદ્યાલયમાં બાળકોને સ્‍કુલબેગ, ચોપડા, કંપાસ, લંચબોકસનું વિતરણ તથા રાજકોટ ગીતા વિદ્યાલયમાં સાંજે ૫.૩૦થી ૭.૩૦ ભકિતસંગીતની ભજનસંધ્‍યાનું આયોજન કરેલ છે. તેમ ગીતા વિદ્યાલય પરિવારની યાદીમાં જણાવાયું છે. સમસ્‍ત ગીતા વિદ્યાલય પરિવાર પૂ.શ્રી મનહરલાલજી મહારાજને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવેછે.

 

(4:30 pm IST)