Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

મજૂરો કોન્ટ્રાકટર પાસે પૈસા લેવા ગયા'તાઃ ત્યાંથી ઝૂપડા તરફ આવતી વખતે બનાવ

હીરાસર એરપોર્ટ પાસે કારની ઠોકરે ચડી જતાં બે કુટુંબી ભાઇના મોતઃ કાકાને ઇજાઃ બંને મૃતકની પત્નિઓ સગર્ભા

મુળ મધ્યપ્રદેશના હરિશ પાલ (ઉ.૨૫) અને પ્રકાશ પાલ (ઉ.૩૦)એ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ કાકા દેવચંદ્રનો નજીવી ઇજા સાથે બચાવઃ ત્રણેય એરપોર્ટની બાઉન્ડ્રી બનાવવાની મજૂરી કરતા'તા

રાજકોટ તા. ૧૫: હીરાસર એરપોર્ટની સાઇટ પર મજૂરી કરતાં અને નજીકમાં જ ઝૂપડા બાંધીને રહેતાં મુળ મધ્યપ્રદેશના બે કુટુંબી ભાઇઓ અને તેના કાકા નજીકમાં કોન્ટ્રાકટરની ઓફિસે પૈસા લેવા ગયા હોઇ ત્યાંથી પરત પોતાના ઝૂપડા તરફ પગપાળા જઇ રહ્યા હતાં ત્યારે રસ્તામાં એક કારના ચાલકે ત્રણેયને ઉલાળી દેતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ બંને ભાઇઓના મોત નિપજ્યા હતાં. જ્યારે કાકાનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. કરૂણતા એ છે કે મૃતક બંને ભાઇઓની પત્નિઓ હાલ સગર્ભા છે.

જાણવા મળ્યા મુજબ મુળ મધ્યપ્રદેશના વતની હરિશ રમેશભાઇ પાલ (ઉ.વ.૨૫) અને તેનો મોટા બાપુનો દિકરો પ્રકાશ રાયસીંગ પાલ (ઉ.વ.૩૦) તથા કુટુંબી કાકા દેવચંદ્ર માંગેલાલ પાલ (ઉ.વ.૩૮) સાંજે સાડા આઠેક વાગ્યે હીરાસર એરપોર્ટની સાઇટ પાસે પોતાના ઝૂપડા હોઇ ત્યાંથી નજીકમાં કોન્ટ્રાકટરની ઓફિસે પૈસા લેવા ગયા હતાં. પરંતુ કોન્ટ્રાકટર ન હોઇ ત્રણેય પરત ઝૂપડા તરફ આવી રહ્યા હતાં ત્યારે રસ્તામાં કારની ઠોકરે ચડી જતાં ત્રણેયને ઇજાઓ થઇ હતી.

અકસ્માત સર્જી ચાલક કાર મુકી ભાગી ગયો હતો. ઘાયલ હરિશ, પ્રકાશ અને દેવચંદ્રને રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ અહિ બંને ભાઇઓએ દમ તોડી દીધો હતો. કાકા દેવચંદ્રને પ્રાથમિક સારવાર બાદ રજા અપાઇ હતી. મૃતક બંને ભાઇઓ બે મહિનાથી હીરાસર એરપોર્ટની સાઇટ પર બાઉન્ડ્રી બનાવવાના કામમાં મજૂરી કરતાં હતાં. પ્રકાશને બે પુત્રી અને એક પુત્ર છે. હાલમાં તેની પત્નિ વર્ષા સગર્ભા છે. જ્યારે હરિશનની પત્નિ રમીલા પણ સગર્ભા છે. આ બનાવથી મજૂર પરિવારોમાં કલ્પાંત સર્જાયો હતો. રાજકોટમાં પોસ્ટ મોર્ટમ બાદ બંને મૃતદેહ વતન લઇ જવાયા હતાં. એરપોર્ટ રોડ પોલીસ મથકના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી. 

(3:36 pm IST)