Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

ઢોરને ખાડામાંથી કાઢવા ફેંકેલી લાકડી લેવાના પ્રયાસમાં ૧૪ વર્ષના સાહિલનું ડૂબી જતાં મોત

કાળીપાટનો બનાવઃ લાડકવાયાના મોતથી પરિવારમાં ગમગીનીઃ બનાવ નજરે જોનારા બે ટાબરીયા ગભરાઇને ભાગી ગયા'તાઃ ફાયર બ્રિગેડે મૃતદેહ શોધ્યો

રાજકોટ તા. ૧૫: ભરપુર વરસાદને કારણે સર્વત્ર નદીનાળા છલકાઇ ગયા છે. તળાવો, ગામમાં આવેલા પાણીના ખાડા પણ છલોછલ થઇ ગયા છે ત્યારે લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. કાળીપાટ ગામમાં ગઇકાલે ૧૪ વર્ષના ટાબરીયા સાહિલ ધર્મેશભાઇ લુણકીયાનું પાણી ભરેલા ખાડામાં ડૂબી જતાં મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ છે. ખાડામાં ઢોર બેઠા હોઇ તેને બહાર કાઢવા તેણે લાકડીનો ઘા કર્યો હતો. ઢોર નીકળી ગયા બાદ પોતાની લાકડી લેવા તે પાણીમાં ઉતરતાં ડૂબી ગયો હોવાનું બહાર આવ્યું હતું.

જાણવા મળ્યા મુજબ ત્રંબાના કાળીપાટ ગામે હનુમાનજીના મંદિર પાસે રહેતાં ધર્મેશભાઇ લુણકીયા (અનુ. જાતિ)નો પુત્ર સાહિલ (ઉ.વ.૧૪) તથા અન્ય બે છોકરા ગઇકાલે બપોર બાદ ગામના ભાવનગર રોડ પર વાડીની બાજુમાં પાણીના ખાડા પાસે રમતાં હતાં. આ વખતે સાહિલે પાણી ભરેલા ખાડામાં ઢોર બેઠા હોઇ તેને બહાર કાઢવા પોતાની પાસે રહેલી લાકડીનો ઘા કર્યો હતો.

ઢોર તો બહાર આવી ગયા હતાં પણ લાકડી પાણીના વ્હેણમાં દૂર જતી રહી હતી. સાહિલ આ લાકડી લેવા માટે પાણીમાં ઉતર્યો ત્યારે ડૂબવા માંડ્યો હતો. આ જોઇ સાથેના બે ટાબરીયા ગભરાઇને ભાગી ગયા હતાં. એ પછી ભરતભાઇ નામના વ્યકિત પસાર થતાં તેણે છોકરાને ડૂબેલો જોતાં પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરતાં પીએસઆઇ એમ. જે. રાઠોડે ફાયર બ્રિગેડ અને ૧૦૮ને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે સાહિલને બેભાન હાલતમાં બહાર કાઢ્યો હતો. જેને ૧૦૮ના ઇએમટી દિવ્યાબેને મૃત જાહેર કરતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો. આજીડેમના એએસઆઇ વી. બી. સુખાનંદી અને કિરીટભાઇ રામાવતે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. મૃત્યુ પામનાર સાહિલ બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. તેના પિતા કારખાનામાં મજૂરી કરે છે. 

(3:27 pm IST)