Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

રાજકોટ સહિત રાજ્યભરમાં કાલથી એસટી કર્મચારીઓની લડત : ૨૦મીએ આવેદન : ૨૨મીની મધરાતથી હડતાલ

કાલથી ત્રણ દિવસ કાળીપટ્ટી ધારણ કરી ફરજ બજાવશે : ૨૧ - ૨૨મીએ ઉગ્ર દેખાવો

રાજકોટ તા. ૧૫ : ગુજરાત રાજ્ય એસટી બોર્ડના વર્ગ-૩ અને ૪ ના કર્મચારીઓનો પ્રશ્નોનો આજ સુધી કોઇ ઉકેલ નહી આવતા ત્રણ યુનિયનો સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કસ ફેડરેશન, એસટી કર્મચારી મહામંડળ અને એસટી મજદૂર સંઘની બનેલી સંકલન સમિતિએ મેનેજમેન્ટને લડત અને હડતાલ અંગે નોટીસ ફટકારી લડતની તૈયારી આપી દીધી છે.

યુનિયન આગેવાનો કહેવા મુજબ ૨૦૧૯ થી ૨૦૨૧ સુધીની ૧૬ ટકાની મોંઘવારી ભથ્થાની બાકી રકમ, વર્ગ-૪ના કર્મચારીઓને બે વર્ષનું બોનસ, ૭માં પગારપંચના છેલ્લા હપ્તાનું એરીયર્સ, ચડત રજાનું રોકડમાં રૂપાંતર, કંડકટર, ડ્રાઇવરની બઢતીમાં ત્રિપલ સિનિયર પરીક્ષા રદ્દ કરવા સહિતની માંગણીઓ અંગે કોઇ  હકારાત્મક વલણ નહી અપનાવાતા આખરે લડતનો બૂંગીયો ફુંકાયો છે.

લડત મુજબ કાલથી કાળીપટ્ટી ધારણ કરી ફરજ બજાવવી, તા. ૨૦મીએ કલેકટરને આવેદન, તા. ૨૧-૨૨ના દેખાવો અને તા. ૨૩થી બેમુદતી હડતાલનો પ્રારંભ કરાશે, તા. ૨૨મીના મધરાતથી ચક્કાજામ કરી હડતાલ શરૂ કરી દેવાશે, યુનિયનોની નોટીસથી હાલ મેનેજમેન્ટ ઉંચું-નીચું થઇ ગયું છે, ગુરૂ - શુક્રવારથી મંત્રણાનો દોર શરૂ થાય તેવી શકયતા અધિકારી વર્તુળો દાખવી રહ્યા છે.

(3:19 pm IST)