Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

રવિ ફાસ્ટનર્સ દ્વારા લેણી રકમ વસુલવા થયેલ દાવો મંજુરઃ કોર્ટનો મહત્વનો ચુકાદો

રાજકોટ તા. ૧પઃ રાજકોટના રહીશ રવિ ફાસ્ટનર્સ એલ.એલ.પી.ના ભાગીદાર હરીભાઇ આંબાભાઇ મોણપરા, રહે. ર૧૪-જે. પી. ટાવર, ટાગોર રોડ, રાજકોટનાએ આ કામના પ્રતિવાદી કે. લાલ એન્ડ કાું. તથા તેમના ભાગીદારો સામે રાજકોટની સ્મોલ કોઝ કોર્ટમાં પોતાની કાયદેસરની બીલ પેટેની રકમ મેળવવા લેણી રકમનો દાવો દાખલ કરેલ હતો.

જે કોર્ટે બન્ને પક્ષકારોના પુરાવા તથા રજુઆતોને ધ્યાને લઇને અને મંજુર કરેલ છે.

આ કેસની હકીકત એવા પ્રકારની છે કે રાજકોટના રહીશ આ કામના પ્રતિવાદી નં. ૧ ભાગીદારી પેઢી છે તથા પ્રતિવાદી નં. ર ભાગીદારી પેઢીના ભાગીદાર છે. આ કામના પ્રતિવાદી નં. ૧ કે. લાલ તીરૂપતી ઓટો સ્પેર્સ પ્રા. લી.ના નામથી ફોર્જીંગ બોલ્ટ તથા અન્ય પાર્ટસનું વેચાણ કરવાનું કામકાજ કરતા હોયઅ ને વાદી હરીભાઇ આંબાભાઇ મોણપરા બોલ્ટ તથા અન્ય પાર્ટસનું ઉત્પાદન કરી વેચાણ કરવાનું કામકાજ કરીએ છીએ. આમ વાદી તથા પ્રતિવાદી વચ્ચે વ્યાપારીક સબંધોથી જોડાયેલા છે.

તમામ બીલો વાળો માલ મળી ગયા બાદ ટર્મસ એન્ડ કન્ડીશન મુજબ તમોએ પેમેન્ટ ચુકતે આપેલ નથી જેથી ના છુટકે આ કામના વાદીએ કાયદાની જોગવાઇ મુજબ લીગલ નોટીસ મોકલેલ અને ત્યારબાદ તેમની કાયદેસરની બાકી લેણી રકમ રૂ. ૩,૬૮,૩૭૮/- વસુલ મળવા અંગે તેમના એડવોકેટ રાકેશ ટી. કોઠિયા મારફતે રાજકોટની સ્મોલ કોર્ટમાં લેણી રકમનો દાવો દાખલ કરેલ હતો.

ત્યારબાદ આ કામના પ્રતિવાદી કોર્ટમાં હાજર થયેલ અને બન્ને પક્ષકારોની રજુઆત તથા વાદીના એડવોકેટ દ્વારા કરવામાં આવેલ દલીલ તથા પુરાવાઓને ધ્યાને લઇ આ કામના વાદીનો લેણી રકમનો દાવો કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલ છે. અને આ કામના પ્રતિવાદીને લેણી રકમ રૂ. ૩,૬૮,૩૭૮/- રકમ રૂપિયા ૬.પ% વ્યાજ સાથે રકમ ચુકવવી તેવો હુકમ કરેલ છે.

આ કામમાં વાદી કંપનીના ભાગીદાર હરીભાઇ મોણપરા વતી એડવોકેટ રાકેશ ટી. કોઠીયા, એન. આર. કોઠીયા, નિશાંત ગૌસ્વામી રોકાયા હતાં. 

(3:28 pm IST)