Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

રાજકોટ જીલ્લામાં ૮૭ ટીમો દ્વારા નુકશાની અંગે સર્વે શરૃઃ લોધીકામાં ૨૫૦૦ હેકટર પાકને ભારે નુકશાન

સાંજ સુધીમાં કરોડોના નુકશાન અંગે ફાઈનલ થશેઃ ટીડીઓ-તલાટી-ગ્રામસેવકની ટીમો કામે લાગી.. : ૧૮ પશુના મોતઃ એક બાળક સહિત ૪ માનવ મૃત્યુઃ ૪ મીસીંગ અંગે ચાલતી શોધખોળ

રાજકોટ, તા. ૧૫ :. રાજકોટ શહેર-જીલ્લામાં ભારે વરસાદ-પૂરને કારણે ભારે તારાજી, નુકશાન, ખેતરોમાં ધોવાણ, પશુ મૃત્યુ, માનવ મૃત્યુ સહિત કરોડોનું નુકશાન થયું છે. દરમિયાન આજથી રાજકોટ જીલ્લામાં કલેકટરની સૂચના બાદ જીલ્લા પંચાયત, આર એન્ડ બી, પંચાયત, ઈરીગેશન, ટીડીઓ, તલાટી, ગ્રામસેવકની કુલ ૮૭ ટીમો મારફત જીલ્લા પંચાયત દ્વારા નુકશાની અંગે સર્વે શરૂ કરી દેવાયો છે. કુલ ૮૭ ટીમો ગામડા ખુંદી રહી છે અને ૨ દિવસની અંદર રીપોર્ટ આપી દેશે. કલેકટર કચેરીના અધિકારી સૂત્રોના ઉમેર્યા પ્રમાણે સાંજ સુધીમાં કરોડોના નુકશાન અંગે ફાઈનલ આંકડો આવી શકે છે.

દરમિયાન અન્ય અધિકારી સૂત્રોએ ઉમેર્યુ હતુ કે, ખાસ કરીને લોધીકા, ઉપલેટા, ધોરાજી, ગોંડલ પંથકમાં ભારે તારાજી છે. તેમાં પણ લોધીકામાં ૧૦ હજાર હેકટરમાંથી ૨૫૦૦ હેકટર પાકને ભારે નુકશાન થયુ છે. જો કે આ આંકડો વધી શકે છે.

લોધીકા અને અન્ય તાલુકામાંથી થઈને પ્રાથમિક વિગતો મુજબ કુલ ૧૮ પશુના મોત છે, એક પશુ દીઠ ૩૦ હજારની સહાય મળે છે, જ્યારે એક બાળક સહિત ૪ના મોત છે અને ૪ ગૂમ છે, જેમની શોધખોળ ચાલી રહી છે.

(3:32 pm IST)