Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ૧પમાં નાણાપંચની ગ્રાન્ટમાંથી ૧૭ કરોડના વિકાસ કામો માટે ઠરાવ

નાણા ફાળવણીમાં સંતુલન જાળવવા અને વરસાદ સબંધી કામો ઝડપથી કરવા વિપક્ષી નેતા અર્જુન ખાટરિયાની રજૂઆતઃ કોઇને અન્યાય નહિ કરવાની ભૂપત બોદરની હૈયા ધારણા

રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા આજે બપોરે ભૂપત બોદરની અધ્યક્ષતામાં મળેલ. જેમાં ઉપપ્રમુખ સવિતાબેન સવાણી, ડી. ડી. ઓ. દેવ ચૌધરી, ડે. ડી. ડી. ઓ. નિર્ભય ગોંડલીયા, અને મિતુલ પટેલ તથા સભ્યો ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧પ : જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા આજે બપોરે પ્રમુખ ભૂપત બોદરની અધ્યક્ષતામાં મળેલ. જેમાં ૧પ માં નાણાપંચની ૧૦ ટકા લેખે મળવાપાત્ર ગ્રાન્ટમાંથી જિલ્લામાં ૧૬.૯પ કરોડના કામો કરવા માટે સર્વાનુમતે ઠરાવ કરાયેલ. આ ઠરાવ મંજૂરી માટે વિકાસ કમિશનરને મોકલાશે. સભામાં અન્ય કોઇ એજન્ડા ન હોવાથી ર૦ મીનીટમાં સભા પૂર્ણ થઇ હતી.

પીવાના પાણી અને સફાઇ માટે વપરાતા નાણા ટાઇડ ગ્રાન્ટ તરીકે અને બાકીના કામો માટે વપરાતા નાણા અનટાઇડ ગ્રાન્ટ તરીકે ઓળખાય છે. પીવાના પાણીને લગતા કામો માટે ૪પ૯.પ૦ લાખ, સ્વચ્છતાને લગતા કામો માટે ૪૬૬.૧૦ લાખ અને આંગણવાડી, કોઝવે, કમ્પાઉન્ડ વોલ, સીસી ટીવી કેમેરા, પંચાયત ભવન નિર્માણ વગેરે માટે ૭૭૭ લાખ મળી કુલ ૧૭૦૦ લાખ જેટલી રકમ વાપરવા ઠરાવ કરાયો હતો. હાલ પેટા ચૂંટણીની આચારસંહિતા અમલમાં હોવાથી લાભાર્થી વિસ્તારો અને કામોની વધુ વિગત જાહેર કરાયેલ નહિં.

વિપક્ષી નેતા અર્જુન ખાટરિયાએ લોધીકા, ગોંડલ, ઉપલેટા, ધોરાજી વગેરે વિસ્તારોમાં ભારે વરસાદથી થયેલ નુકશાન બાદ સહાય સહિતનું કામ ઝડપથી કરવા તેમજ ૧પ મી નાણાપંચની ગ્રાન્ટ રાજકીય ભેદભાવ વિના સંતુલિત રીતે ફાળવવા રજૂઆત કરેલ. તેને પ્રમુખ ભૂપત બોદરે હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. 

(4:05 pm IST)