Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

તપસમ્રાટ પૂ. રતિલાલજી મ.સા.ની ૧૦૯મી જન્મ જયંતિએ સામૂહિક વર્ષીતપ આરાધનાનું આયોજન

બૃહદ સ્થા. જૈન સંઘોના સહયોગથી અને સદર સ્થા. જૈન સંઘ પ્રેરિત એવમ્ ગોંડલ સંપ્રદાયના સદાનંદી પૂ. સુમતિબાઇ મ.સ.ઠા. ૬ની પ્રેરણાથી

રાજકોટ તા. ૧૫ : ગોંડલગચ્છ ના પૂ. જય–માણેક–પ્રાણ ગુરુદેવશ્રીના પટ્ટધર અને પ્રિય શિષ્યરત્ન અનન્ય અવધૂત સમા જિનશાસનના મહાપ્રભાવક તપસમ્રાટ તપસ્વી પ.પૂ. ગુરુદેવશ્રી રતિલાલજી મહારાજ સાહેબની આવી રહેલ ૧૦૯મી જન્મજયંતિના અપૂર્વ અવસરે સામૂહિક વર્ષીતપ આરાધનાનું ભવ્ય અને દિવ્ય આયોજન બૃહદ રાજકોટના સ્થા. જૈન સંઘોના સહયોગ અને શ્રી સદર સ્થા. જૈન સંઘ–રાજકોટ પ્રેરિત થઈ જવા રહેલ છે.

તાજેતરમાં શ્રી મહાવીરનગર સ્થા. જૈન સંઘમાં ચાતુર્માસ કલ્પ અર્થે બિરાજમાન તપસમ્રાટ પૂ. ગુરુદેવશ્રી રતિલાલજી મ.સા. ઘ્યાન સાધક પૂ.ગુરુદેવશ્રી હસમુખમુનિ મ.સા. ના આજ્ઞાનુવર્તિની એવમ્ વિશાળ પરિવારધાક પૂ. મુકતત–લીલમ ગુરુણીના સુશિષ્યા બા.બ્ર.પૂ. સુમતિબાઈ મ.ઠા. ૬ ના પ્રભાવશાળી સાનિઘ્યમાં સમસ્ત રાજકોટના સ્થા. જૈન સંઘો, મહિલા મંડળોની આ આયોજન ઉપલક્ષ મિટીંગ બોલાવવામાં આવેલ હતી. આ મિટીંગમાં સદાનંદી પૂ. સુમતિબાઈ મ. ના સુશિષ્યા પ્રવચન પ્રભાવક બા.બ્ર.પૂ. ડો. અમિતાબાઈ મ. એ આયોજન અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવેલ કે આપણા સૌના હૃદયમાં વસેલા પૂ. ગુરુવર્યની જન્મજયંતિ આવી રહેલ છે ત્યારે તેમને જ મનગમતા આત્મપ્રદેશે વસેલા એવા ઋષભદેવ પરમાત્માની પરંપરા સમા વર્ષીતપની આરાધના કરવાનો અને ગુરુત્રુણ અદા કરવાનો અવસર એટલે વર્ષીતપ.

શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠ, શ્રી સ્થા. જૈન મોટા સંઘના નવનિયુકતત પ્રમુખ હરેશભાઈ વોરા, શ્રી મનહરપ્લોટ સ્થા. જૈન સંઘના પ્રમુખ ડોલરભાઈ કોઠારી યજમાન બન્ને સંઘ શ્રી સદર સ્થા. જૈન સંઘના નવનિયુકતત પ્રમુખ કિશોરભાઈ દોશી અને શ્રી મહાવીરનગર સ્થા. જૈન સંઘ ના નવનિયુકતત પ્રમુખ પ્રતાપભાઈ વોરા એ પોતાના વિચારો વ્યકતત કરી સદાનંદી પૂ. સુમતિબાઈ મ. એ તપસમ્રાટ પૂ. ગુરુદેવશ્રીની જન્મજયંતિના સુઅવસરે ઉપવાસના વર્ષીતપની આરાધના કરાવવાની ભાવનાને સહર્ષ વધાવી લીધેલ હતી. તેમજ મોટી સંખ્યામાં હાજર રહેલા સંઘો તથા મહિલા મંડળોએ પણ આયોજન અંગે પોતાની સંપૂર્ણ સહમતી હર્ષ હર્ષના નાદથી ઝીલી પ્રેરણા કરેલ હતી. શ્રી સદર સંઘના પ્રમુખ કિશોરભાઈ અને સુશ્રાવિકાજી સ્મિતાબેન દોશીએ સજોડે વર્ષીતપની શ્રૃંખલામાં જોડાવવા પહેલ કરી હતી. વર્ષીતપની શ્રૃંખલામાં બાલ વર્ષીતપ એકાસણાં ની આરાધનામાં ૧પ વર્ષ સુધીના બાળકો બાલીકાઓ જોડાઈ શકશે.

શ્રી મહાવીરનગર જૈન સંઘના પાવન પ્રાંગણે તા. ૧૭ રવીવારના વ્યાખ્યાન સમયે તપસ્વીઓને ભરવાના ફોર્મ ના વધામણા કરવામાં આવશે તેમજ ત્યારબાદ તપસમ્રાટ તીર્થધામ સમાધિ મઘ્યે પૂ. ગુરુચરણમાં અર્પણ કરવામાં આવશે.

સામૂહિક વર્ષીતપ આરાધનાનો મંગલ પ્રારંભ શ્રી મહાવીરનગર સ્થા. જૈન સંઘના પાવન પ્રાંગણેથી તા. ૯–૧૧ (જ્ઞાન પાંચમ) મંગળવારના સવારે ૯:૧પ કલાકે પ્રવચન બાદ સામૂહિક પ્રત્યાયાન ગુરુણીમૈયા પૂ. સદાનંદી સુમતિબાઈ મ. ના શ્રી મુખેથી કરાવવામાં આવશે. સામૂહિક વર્ષીતપ આરાધના માત્ર ઉપવાસની છે. વર્ષાન્તે તપસ્વીઓના સમૂહ પારણાનો અલભ્ય લાભ લેનાર ઈથોપીયા રાજકોટના ધર્મવત્સલા બેનશ્રી સુશીલાબેન ઈન્દુભાઈ બદાણી પરિવાર તરફથી થશે. જયારે વિવિધ દાતાઓ તરફથી તપની અનુમોદનાર્થે તપસ્વીઓનું અદકેરુ બહુમાન થશે. રાજકોટના દરેક સંઘમાંથી ફોર્મ સત્વરે મેળવીને વર્ષીતપની શૃંખલામાં જોડાઈ જવા સમસ્ત રાજકોટ સ્થા. જૈનના પ્રમુખ, મંત્રીશ્રીએ આમંત્રણ આપેલ છે.

'અકિલા' કાર્યાલયની મુલાકાત દરમિયાન શ્રી સદર સ્થા. જૈન સંઘના પ્રમુખ કિશોરભાઇ દોશી, શ્રી મનહર પ્લોટ સ્થા. જૈન સંઘના પ્રમુખ ડોલરભાઇ કોઠારી, મંત્રી મધુભાઇ શાહ, સહમંત્રી જગદીશભાઇ કોઠારી, હિતેશભાઇ દોશી તથા પ્રદિપભાઇ મહેતાએ વિગતો વર્ણવી હતી.(૨૧.૩૨)

આવા હતા તપસમ્રાટ પૂજય ગુરુદેવ

એક એવા ગુરુદેવ જે સર્વને પ્રિય જેમને સર્વપ્રિય પ્રજ્ઞા અને પ્રતિભા સરલતા અને સાત્વિકતા, વિમલતા અને વાત્સલ્યતા આચારની ઉંડાઈ અને વિચારની ઉંચાઈ આ બે કિનારે વ્હેતી પાવન જીવન સરિતા એટલે તપસમ્રાટ પૂજય ગુરુદેવનું આદર્શ સંયમ જીવન.

પૂ. ગુરુદેવના જીવનમાં નવમાં આંકની વિશેષતા હતી નવ વર્ષ મૌન, ૧૯ વર્ષ સુધી ઉપવાસના એકાંતરા વર્ષીતપ, ૧૯ વર્ષ પાણીનો ત્યાગ પારણાના દિવસે માત્ર છાશની પરાશ, છઠ્ઠના ત્રણ ત્રણ વર્ષીતપ ૩૬ મહિને પારણું કર્યું. ૩ + ૬ = ૯ નો આંક ૯૯૯ આયંબિલ ૯ વર્ષ મકાઈ સિવાય અનાજનો ત્યાગ, ૧૪પ સંયમના દાન અને આત્માઓને સંસાર સાગરથી તારી પોતાના શિષ્ય તરીકે દીક્ષાના દાન આપ્યા. આ રીતે ૯ ના અખંડ આંક થી જીવનને અમર બનાવ્યું હતું. ઈ.સ. ૧૯૯ર નવેમ્બરથી આજીવન મૌન આરાધના જેઓને ૧૯ આગમ કંઠસ્થ હતા. પૂ. ગુરુ ભગવંતે ગુજરાત, મહારાષ્ટ્ર, મઘ્યપ્રદેશ, ઓરિસ્સા, બિહાર, બંગાળમાં વિચરણ કરેલ છે.

જતુ કરવું, ગમ ખાવો, વાદ–વિવાદ કે દલીલ ન કરવા જે થાય તે સારા માટે કોઈપણ જીવની ટીકા કે નિંદા ન કરવી તે પૂ. ગુરૂદેવશ્રીના જીવનનું આચરિત સુત્ર હતા. ૧૯૯ર માં રાજકોટ માં પૂ. ભાગ્યવંતાબાઈ મ. ને પ૯ દિવસની અનશન આરાધના કરાવેલ.

સંકલન : ડોલરભાઈ વી. કોઠારી

(3:17 pm IST)