Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

શિક્ષણને ગાંધીજીના સિધ્ધાંતોથી આનંદપૂર્ણ બનાવી શકાયઃ વિશાલ ભાદાણી

શિક્ષણમાં જયાં સુધી આનંદ ભળતો નથી ત્યાં સુધી શિક્ષણ આનંદાયક બનતું નથીઃ ડો.નિદત બારોટ * રાષ્ટ્રીયશાળામાં પરિસંવાદ

રાજકોટઃ શહેરની પી.ડી.માલવીયા બી.એડ.કોલેજ, જે.જે. કુંડલીયા બી.એડ. કોલેજ, આઈ.એલ.ટી. બી.એડ.કોલેજ, મીનાબેન કુંડલીયા બી.એડ.કોલેજ, આર.ડી. ગારડી બી.એડ.કોલેજ અને ટી.એન.રાવ બી.એડ.કોલેજના તાલીમાર્થીઓ અને અધ્યાપકો સહિત ૪૫૦થી વધુ શિક્ષણપ્રેમીઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીયશાળા દ્વારા ગાંધી વંદનાના ભાગરૂપે 'સન્સ્ટેબલ હેપીનેસ ઈન એજયુકેશન' વિષય પર સંવાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે લોકભારતી સણોસરાથી પ્રાધ્યાપક વિશાલ ભાદાણી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મહેમાનોએ દિપ પ્રાગટયથી કરી હતી.

દિપ પ્રાગટયમાં રાષ્ટ્રીયશાળાના મેનેજિંગ શ્રી જીતુભાઈ ભટ્ટ, શ્રી ધામી, રાષ્ટ્રીયશાળા શિક્ષણ સમિતિના ચેરમેન અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શિક્ષણ વિદ્યાશાખાના ડીન ડો.નિદત બારોટે જણાવ્યું હતું કે શિક્ષણની અંદર જયાં સુધી આનંદ ભળતો નથી ત્યાં સુધી શિક્ષણ આનંદદાયક બનતું નથી અને માટે આજનો આ વિષય પસંદ કરવામાં આવ્યો છે. તેઓએ ડો.વિશાલ ભાદાણીનો પરિચય આપતા જણાવ્યું હતું કે શ્રી વિશાલભાઈએ સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી ઈંગ્લીશ વિષયમાં ડોકટરેટની પદવી મેળવી છે. તેઓએ ગાંધીયન વિચારધારાને આધુનિક શિક્ષણ સાથે જોડીને શિક્ષણમાં આનંદ આવી શકે તે પ્રકારની શિક્ષણ વ્યવસ્થા લોકભારતી સણોસરામાં ઉભી કરવાનો પ્રયત્ન કર્યો છે.

કાર્યક્રમના આયોજક અને રાષ્ટ્રીયશાળાનાં મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જીતુભાઈ ભટ્ટે પ્રસ્તુત સમયમાં યુવા પેઢી પૂજય મહાત્માં ગાંધીએ આપેલા આદર્શો પર ચાલીને જીંદગીમાં ધારી સફળતા મેળવી શકે તેવો વિશ્વાસ વ્યકત કરતા જણાવ્યું હતું કે આજના યુવાનોને મહાત્મા ગાંધીના પુસ્તકો વાંચવાની જરૂર છે. તેઓએ વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો કે દરેક વિદ્યાર્થીએ મહાત્મા ગાંધીના જીવન પર આધારિત સત્યનાં પ્રયોગો, ફ્રિડમ એટ મીડનાઈટ સહિતના પુસ્તકોનો અભ્યાસ કરીને ગાંધી મુલ્યોને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ.

કાર્યક્રમના મુખ્ય વકતા શ્રી વિશાલભાઈ ભાદાણીએ પોતાની વાત શરૂ કરતા પૂર્વે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે વ્યકિતને સુખ શેમાંથી મળે છે. વિશ્વમાં થયેલ સંશોધનોને આધારે તેઓએ વિદ્યાર્થીઓને જાણ કરી કે સારી ઉંઘ, લોકોની વચ્ચે રહેવાની આદત, વ્યકિતમાં આધ્યાત્મિકતા હોવી, વ્યકિત કસરત બાજ હોય અને બીજાને મદદ કરવાની ભાવના ધરાવતો હોય તે વ્યકિત સુખી જીવન જીવે છે. વિષયને વ્યાખ્યાયિત કરતા તેઓએ જણાવ્યું હતું કે લોકો, પ્રકૃતિ કે ભવિષ્યની પેઢીઓનું શોષણ કર્યા વગર વ્યકિત, સુમદાય, સમાજ અને વિશ્વના સુખમાં વૃધ્ધિ કરે તેને Sustainable happiness કહેવાય. પોતાની હળવી વાત શૈલીમાં તેઓએ બી.એડ.ના તાલિમાર્થીઓને પ્રશ્ન કર્યો હતો કે શું શિક્ષણ ઉકેલ છે કે પોતે જ સમસ્યાઓનું મૂળ છે ? જો સમાજમાં ફેલાયેલી આતંકવાદ, ભ્રાષ્ટાચાર, દુરાચાર, શિક્ષિત લોકો કરતા હોય ત્યારે એ પ્રશ્ન ચોકકસ ઉપસ્થિત થાય કે શિક્ષણની મદદથી આ સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે લાવી શકાશે.

શ્રી વિશાલભાઈએ જીવનકેન્દ્રી આનંદ આપતું અને સમૂહના વિકાસ માટેના શિક્ષણની વ્યવસ્થા હોવી જોઈએ અને તેની માટે ભાવિ શિક્ષક પેઢી આગળ આવે તેવો અનુરોધ કર્યો હતો. મહાત્મા ગાંધીએ આપેલી નથી. તાલીમ ઉપર લોકભારતી સણોસરામાં કઈ રીતે કાર્ય થાય છે તેની વિસ્તૃતા માહિતી વિદ્યાર્થીઓને આપી હતી.

આવનાર દિવસમાં બી.એડ. કોલેજના અદ્યાપકો લોકભારતી સણોસરાની મુલાકાત લઈને નવી પેઢીમાં મહાત્મા ગાંધીના વિચારોનું સિંચન કરે તેવી શુભકામના પાઠવી હતી. કાર્યક્રમની પૂર્ણાહૂતી રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી.

(3:20 pm IST)