Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

પૂ. રણછોડદાસબાપુનું સેવામય જીવન પ્રેરક : મોદીજી

રાજકોટ તા. ૧૫ : કરોડો ભકતોના આદર્શ સદ્ગુરૂદેવ રણછોડદાસજી મહારાજની કૃપાથી ધમધમતા રાજકોટના સદ્ગુરૂ સદન ટ્રસ્ટ અને પૂ. રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા વારાણસી - બનારસ ખાતે નેત્રયજ્ઞ મહાશિબિર યોજાઇ છે. આ મંગલ અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આયોજક સંસ્થાને વિશેષ પત્ર પાઠવીને અભિનંદન - શુભેચ્છા આપ્યા હતા.

મોદીજીએ પત્રમાં જણાવ્યું છે કે, પૂ. રણછોડદાસબાપુનું જીવન સેવા અને સમર્પણભાવથી છલકતુ હતું. પૂ. બાપુના સેવકોએ આ ભાવને જાળવીને સેવાકાર્ય વિકસાવ્યું છે અને માનવ સેવાના સિધ્ધાંતો જીવનમાં ઉતાર્યા છે તે બિરદાવવા લાયક છે.

મોદીજીએ પત્રમાં લખ્યું છે કે, નેત્રયજ્ઞ મહાશિબિરના આયોજનને જાણીને ખૂબ પ્રસન્નતા અનુભવું છે. આપણી સંસ્કૃતિમાં 'વ્યશેમ દેવહિતં યદાયુઃ'ના ભાવ સાથે પરોપકારની કામના કરવામાં આવી છે. પૂ. રણછોડદાસજીની સંસ્થા દ્વારા લોકોને આંખોનું તેજ આપવાનો પ્રયાસ સેવાભાવને સમૃધ્ધ કરે છે.

મોદીજી આગળ લખે છે, સામૂહિક શકિત નવી ઉર્જા આપે છે. ભારતના ખાનગી ક્ષેત્રે અને સામાજિક સંગઠનોએ દેશની આરોગ્ય સેવાઓને મજબૂત કરવામાં યોગદાન આપ્યું છે. આઝાદીના અમૃતકાળમાં આત્મનિર્ભર અને ભવ્ય ભારતના સંકલ્પ સિધ્ધ કરવા દેશ આગળ વધી રહ્યો છે. દરેક ક્ષેત્રના લોકો દ્વારા રાષ્ટ્ર પ્રથમ, સદૈવ પ્રથમનો વિચાર પ્રસ્થાપિત કરવા પ્રયાસ જરૂરી છે.

      મોદીજી લખે છે કે, મોતિયાના ઓપરેશનો અનેક જરૂરીયાતમંદ લોકો માટે વરદાન સાબિત થશે. નર સેવા નારાયણ સેવા છે. મોતિયાના ઓપરેશનની મહાશિબિરમાં જોડાયેલા પૂ. રણછોડદાસબાપુ ચેરીટેબલ હોસ્પિટલના તબીબો તથા સહયોગી સ્ટાફ અને લાભાર્થીઓને હું અભિનંદન આપું છું, તેમ મોદીજીએ પત્રના અંતમાં જણાવ્યું છે.

પ.પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ (શ્રી સદ્ગુરૂ સદન ટ્રસ્ટ) તથા શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ દ્વારા બનારસ (વારાણસી, કાશી)ના ગરીબ તથા જરૂરીયાતમંદ લોકોના કલ્યાણ માટે નિઃશુલ્ક ૧,૦૮,૦૦૦ મોતિયાના ઓપરેશનની સૌથી મોટી વિશાળ નેત્રયજ્ઞનું શિબિરનું મહાઆયોજન કરવામાં આવેલ છે.

(2:58 pm IST)