Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા જ્ઞાન સંકલ્પ યોજનાનો શનિવારે દીક્ષાંત સમારોહ

આર્થિક રીતે જરૂરીયાતમંદ પરિવારના ૨૦ બાળકોને પસંદ કરી ધો.૯થી ૧૨ સુધીના અભ્યાસનો તમામ ખર્ચ સંસ્થા ભોગવશે : પૂ.ભાઈજી રમેશભાઈ ઓઝા અને સી.આર.પાટીલ સહિતના આગેવાનોની હાજરીઃ કશ્યપભાઈ શુકલ- દર્શિતભાઈ જાની

રાજકોટ,તા.૧૫: શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી 'જ્ઞાન સંકલ્પ યોજના' અંતર્ગત પ્રતિવર્ષ ધોરણ ૯થી આર્થિક જરૂરિયાતમંદ પરિવારના તેજસ્વી ૨૦ બાળકો પસંદ કરી તેમને રાજકોટ શહેરની ખ્યાતનામ શાળાઓમાં અભ્યાસ માટે ધોરણ ૧૨ સુધીની સંપૂર્ણ જવાબદારી સાથે મોકલાય છે. આ સમગ્ર પ્રકલ્ય કેળવણીકાર શ્રી ગિજુભાઈ ભરાડ તથા શ્રી ગુલાબભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ બ્રહ્મસમાજના અગ્રણી શ્રી કશ્યપભાઈ શુકલ પ્રમુખશ્રી દર્શિત જાની તથા સમગ્ર આયોજન કમિટીની આગેવાનીમાં ચાલી રહ્યો હોવાનું જણાવાયું છે.

ચાલુ વર્ષે પસંદ કરાયેલ બાળકોને દીક્ષાંત સમારોહ આગામી તા.૨૦ નવેમ્બરને શનિવારે હેમુગઢવી નાટયગૃહ ખાતે બપોરે ૩:૩૦થી યોજેલ છે. આ પ્રસંગે ભારતવર્ષના પ્રખર ભાગવતાચાર્ય પૂજય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા સમારોહ અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેવાના છે. સમારોહમાં ઉદ્ઘાટક તરીકે ગુજરાત રાજય ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ, ગુજરાત રાજય  ભાજપ પ્રદેશ મહામંત્રી તથા સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, રાજયસભાના સાંસદશ્રી રામભાઈ મોકરિયા તેમજ અતિથિ વિશેષ તરીકે ઉદ્યોગજગતના શ્રી મનીષભાઈ મદેકા (રોલેક્ષ ઈન્ડ પ્રા.લિ.), શ્રી સુરેશભાઈ નંદવાણા (ભવાની ઈન્ડ પ્રા.લિ.), શ્રી મૌલેશભાઈ ઉકાણી (બાન લેબ પ્રા.લી.) તથા પ્રકલ્પ સાથે જોડાયેલ શાળાઓના સંચાલકો જેમાં શ્રી જતીનભાઈ ભરાડ (ભરાડ સ્કૂલ), શ્રી પ્રવિણાબેન જાની (મુરલીધર સ્કૂલ), શ્રી નિરેનભાઈ જાની (ઈનોવેટિવ સ્કૂલ), શ્રી દીપકભાઈ જોશી (સિસ્ટર નિવેદિતા સ્કૂલ), શ્રી સુદીપભાઈ મહેતા (શકિત સ્કૂલ), શ્રી રાજુભાઈ ભટ્ટ (હોલીસેન્ટ સ્કૂલ), શ્રી પુષ્કરભાઈ રાવલ (તપોવન સ્કૂલ) વગેરે ઉપસ્થિત રહેશે.

કોઈપણ સમાજનો વિકાસ કરવો હોય તો તેમાં શિક્ષણ ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. આથી છેવાડાના આર્થિક જરૂરિયાતમંદ પરિવારના તેજસ્વી બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તેવા શુભ આશયથી આ પ્રકલ્પ છેલ્લા ત્રણ વર્ષથી શ્રી સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટની એક સમર્પિત ટીમ દ્વારા હાથ ધરાયો છે. જેમાં પ્રતિ વર્ષ ૨૦ બાળકો પસંદ કરી ઉત્તમ શિક્ષણની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી  હોવાનું જણાવાયું છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે બ્રહ્મઅગ્રણીથી કશ્યપભાઈ શુકલ તથા શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ- રાજકોટના પ્રમુખ શ્રી દર્શિતભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ સમસ્ત બ્રહ્મ સમાજના હોદ્દેદારો દીપકભાઈ પંડયા, કમલેશભાઈ ત્રિવેદી, અતુલભાઈ વ્યાસ, જનાર્દનભાઈ આચાર્ય, નલીનભાઈ જોશી, દક્ષેશભાઈ પંડયા, જીગ્નેશભાઈ ઉપાધ્યાય, પ્રશાંતભાઈ જોશી, જયેશભાઈ જાની, નીલમબેન ભટ્ટ, સુરભીબેન આચાર્ય, ધાત્રીબેન ભટ્ટ, ભાવનાબેન જોશી, શોભનાબેન પંડયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

વધુ વિગત માટે મો.૯૮૭૯૦ ૦૯૩૯૨, મો.૯૮૨૪૨ ૯૧૭૭૭ ઉપર સંપર્ક કરી શકાય છે.(૩૦.૧૨)

જ્ઞાન સંકલ્પ યોજનાનું ચોથુ વર્ષ, ભુદેવોના બાળકોનો તમામ ખર્ચ સંસ્થા ઉઠાવશે

રાજકોટઃ શ્રી સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનો સર્વશ્રી કશ્યપભાઈ શુકલ અને દર્શિતભાઈ જાનીએ જણાવ્યું હતું કે સંસ્થાના જ્ઞાન સંકલ્પ યોજનાનું આ ચોથુ વર્ષ છે. ધો.૯માં પ્રવેશ મેળવનાર બ્રહ્મસમાજના આર્થિક રીતે નબળા વર્ગના પરિવારના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવે છે. જેમાં દર વર્ષે અંદાજે ૩૦૦ વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે. આ પરીક્ષામાં ગુણવતાના આધારે ૨૦ બાળકોની પસંદગી કરવામાં આવતી હોય છે.

આ વર્ષે આ દીક્ષાંત સમારોહમાં પસંદગી પામનાર તમામ ૨૦ બાળકો સફેદ ડ્રેસકોડમાં હાજર રહેશે. શાસ્ત્રોકતવિધિ સાથે વાતાવરણને પવિત્ર બનાવાશે.

શ્રી શુકલ અને શ્રી જાનીએ જણાવેલ કે આ તમામ બાળકોની ભણતરની ધો.૯  થી ૧૨ સુધીની તમામ જવાબદારી સંસ્થા ભોગવશે. એટલું જ નહી બાળક જે શાળામાં અભ્યાસ કરતો હોય તેમાં સંસ્થાવતી નિમણુંક પામેલ કાઉન્સીલર પુરતું ધ્યાન આપશે.

(4:30 pm IST)