Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

પુરવઠા નિગમના અધિકારી-કોન્ટ્રાકટર વચ્ચે બઘડાટી દુકાનો ઉપર નવેમ્બરનો માલ નહી પહોંચતા મોટો બખેડો

જથ્થો ઓછો અને મગફળી ખરીદી ચાલુ હોય દુકાનો ઉપર માલ ન પહોંચ્યોઃ મગફળી ખરીદી ધીમી કરી દેવાઇ : હજુ ૩૫ ટકા સસ્તા અનાજની દુકાનો ઉપર માલ પહોંચ્યોઃ ટ્રાન્સપોર્ટર કોન્ટ્રાકટરને ફટકારતી નોટીસ : કેરોસીનના ભાવો હજુ ફાઇનલ નથી થયાઃ કલેકટર રજા ઉપર હોય હવે કાલે નિર્ણય

રાજકોટ, તા., ૧૫: નવેમ્બર મહિનાનો રાજકોટ શહેર-જીલ્લાના ર લાખ ૮૪ હજાર બીપીએલ-અંત્યોદય કાર્ડ હોલ્ડરોને આવતીકાલથી રાહત દરે ઘઉં-ચોખા-તુવેરદાળ-ખાંડ-મીઠુનું વિતરણ શરૂ કરવાનું હતું. આ માટે સસ્તા અનાજના દુકાનદારોએ પરમીટ પણ કઢાવી લીધી છે. પરંતુ ખાટલે મોટી ખોટ તમામ રાજકોટ શહેર-જીલ્લાની ૭ર૦માંથી માંડ ૩પ ટકા દુકાનો ઉપર નવેમ્બર માસનો માલ પહોંચતા મોટો દેકારો મચી ગયો છે. પ થી ૭ દિવસ વિતરણ મોડુ થાય તેવા સંજોગો ઉભા થયા છે. માંડ ર૦૦ દુકાનો ઉપર માલ પહોંચ્યો હોય વિતરણ ખોરવાઇ ગયું છે. અધુરામાં પુરૂ જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટરને મોડા લીફટીંગ અંગે તાજેતરમાં નોટીસ ફટકારાઇ હતી. તેમાં હવે સમયસર માલ નહિ અપાતા અને દિવાળીના દિવસોથી જ ડિલીવરી ખોરંભે પડતા ગઇકાલે પુરવઠા નિગમના ગોડાઉન ખાતે અધિકારીઓ અને કોન્ટ્રાકટર વચ્ચે ભારે બઘડાટી બોલીગઇ હતી. ઉગ્ર અને શાબ્દીક ટપાટપી થતા મજુરો એકઠા થઇ ગયા હતા. વાતાવરણમાં ભારે ગરમાવો આવ્યો હતો. આ ઘટના અંગે ડીએસઓ શ્રી માંગુડા દ્વારા આજે વિગતો મંગાવાઇ છે.

દરમિયાન ડીએસઓ શ્રી માંગુડાએ 'અકિલા'ને જણાવ્યું હતું કે નવેમ્બર માસનો વિતરણ કરવાનો જથ્થો ૩પ ટકા દુકાનો ઉપર પહોંચ્યો છે. એમા મુખ્ય કારણ મગફળી ખરીદી ચાલુ હોય, ગોડાઉન મેનેજર અને મામલતદાર બંને ત્યાં રોકાયેલા હોય, આથી થોડુ ધીમુ થયું છે. પરંતુ અમે હવે મગફળી ખરીદી ર થી ૪ દિવસ માટે થોડી ધીમી કરી છે. દુકાનો ઉપર આજથી જ ઝડપી માલ પહોંચાડાશે અને ર થી ૪ દિવસમાં તમામ દુકાનો ઉપર માલ પહોંચતા વિતરણ શરૂ કરી દેવાશે. જયાં જથ્થો પહોંચ્યો છે. ત્યાં વિતરણ શરૂ કરી દેવાયું છે. અત્રે એ પણ નોંધનીય છે કે પુરવઠા નિગમના ગોડાઉનમાં અપુરતો જથ્થો હોવાને કારણે પણ દુકાનો ઉપર વિતરણ થઇ શકયું નથી. ગઇકાલની ઘટના અંગે પુરવઠા કચેરીમાં પણ ભારે ચર્ચા ઉપડી હતી.

(4:58 pm IST)