Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

રાજકોટ તમામ ક્ષેત્રે ઝડપભેર પ્રગતિ કરે છે : વિનોદ મોરડીયા

મ.ન.પા.ના રૂ. ૯.૪૦ કરોડના ખર્ચે જુદા-જુદા વિકાસ કામોનું શહેરી વિકાસ મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયુ

રાજકોટ,તા.૧૫:  મહાનગરપાલિકા દ્વારા વાવડી વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા કુલ રૂ.૯.૪૦ કરોડના વિકાસ કામોનું તા. ૧૪/૧૧/૨૦૨૧ના રોજ રાજયના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી વિનોદભાઈ મોરડીયા(રા.ક.)ના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહયા હતા.

રાજયના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના માન. મંત્રી શ્રી વિનોદભાઈ મોરડીયાએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં કહ્યું હતું કે, સૌરાષ્ટ્રની રાજધાની સમું રાજકોટ શહેર ખુબ જ ઝડપથી વિકસી રહયું છે. રાજય સરકારમાં મંત્રી બન્યા બાદ મારો પ્રથમ પ્રવાસ રાજકોટમાં વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવા માટે આયોજિત થયો તેનો મને ખુબ આનંદ છે. ભાજપની સરકાર રાજયના નાના માં નાના અને છેવાડાના માનવીને પણ મૂળભૂત પ્રાથમિક સુવિધાઓ મળી રહે તેની સતતપણે ચિંતા કરી રહી છે. પૈસાના વાંકે રાજયમાં કોઈ વિકાસ કામો અટકશે નહીં. સરકાર વિકાસ પ્રક્રિયાને આગળ ધપાવવા માટે ખુબ જ સક્રિય છે.

રાજકોટ 'રંગીલું શહેર' તરીકે જાણીતું છે. આ શહેર તમામ ક્ષેત્રે ખુબ ઝડપભેર પ્રગતિ કરી રહ્યું છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના કાર્યકાળમાં અનેક ટીપી સ્કીમ મંજુર થઇ છે અને તેમાં રાજકોટના વિકાસને આગળ ધપાવનાર ટીપી સ્કીમોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે મેયર ડો. પ્રદિપ ડવે તેમના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં અને વિદેશમાં પણ જેમની કીર્તિ પ્રસરેલી છે તેવા ઉદ્યોગોના હબ સમા રાજકોટમાં વાવડી વિસ્તારના ઇન્ડસ્ટ્રીયલ એરિયા તથા અન્ય વિસ્તારોને પણ આવરી લેતા જુદાજુદા પાંચ મુખ્ય માર્ગોના વિકાસ કામોનું ખાતમુહૂર્ત થઇ રહ્યું છે. વાવડી વિસ્તાર રાજકોટનું અને સૌરાષ્ટ્ર પ્રદેશનું વિકાસ એન્જીન બની રહ્યું છે. વાવડી વિસ્તારની સાથોસાથ શહેરના સર્વાંગી વિકાસ માટે વિઘ્નરૂપ તમામ પ્રશ્નો ઉકેલવા તંત્ર પુરેપુરી કાળજી લેશે અને બાકી રહેલા કામો પણ સત્વરે હાથ પર લેવામાં આવશે.

આ પ્રસંગે રાજયસભા સાંસદ રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ડો.ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ,ઙ્ગ લાખાભાઈ સાગઠીયા,ઙ્ગ ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ,વાઇસ ચેરમેન બીપીનભાઈ બેરા, ડેપ્યુટી કમિશનરો આશિષ કુમાર, ચેતન નંદાણી, એ. આર.સિંહ, મ્યુનિસિપલ સેક્રેટરી ડો.એચ. પી. રૂપારેલીઆ, સિટી એન્જી. કે. એસ. ગોહેલ, બી.ડી.જીવાણી, આસી. કમિશનર એચ. કે. કગથરા, એચ.આર. પટેલ, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર,પી.એ.ટુ કમિશનર એન.કે.રામાનુજ, ડાયરેકટર પાકર્સ એન્ડ ગાર્ડન્સ એલ.જે.ચૌહાણ, આસિ.મેનેજર અમિત ચોલેરા વોર્ડ નં.૧૨ના કોર્પોરેટરો મગનભાઈ સોરઠીયા, શ્રીમતી મિતલબેન લાઠીયા અને શ્રીમતી અસ્મિતાબેન દેલવાડિયા, વોર્ડ પ્રમુખ રસિકભાઈ કાવઠીયા તથા મહામંત્રી દશરથસિંહ જાડેજા, મનસુખભાઇ વેકરીયા,શહેર ભાજપ વ્યાપાર સેલ કન્વીનર નરશીભાઈ કાકડિયા તથા યોગરાજસિંહ જાડેજા, ધર્મેશભાઈ ડોડીયા, કિરણબેન હરસોડા, કંચનબેન સિદ્ઘપુરા તથા વાવડી ઇન્ડસ્ટ્રીયલ ઝોન એસોસિએશનના પ્રમુખ હસુભાઈ સોરઠીયા, ઉપપ્રમુખ દિનેશભાઈ, મંત્રી ધર્મેશભાઈ વાડોદરીયા તથા હોદેદારોએ, તેમજ શાપર – વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસો.ના પ્રમુખ કિશોરભાઈ ટીલાળા તથા ટીમ, હડમતાળા ઇન્ડસ્ટ્રીયલ એસો.ના રમેશભાઈ અને પ્રવિણભાઈ, તિરૂપતી ઇન્ડસ્ટ્રીઝ એસો., લદ્યુ ઉદ્યોગ ભારતી પ્રમુખ જયભાઈ માવાણી,લોઠડા પડવલા એસો.ના પ્રમુખ જયંતિભાઈ સરધારા, ફાલ્કન ગ્રુપના ધીરૂભાઈ સુવાગીયા અને કમલભાઈ એન. સોજીત્રા, કિચ ગ્રુપના ચીનુભાઈ હપાણી, પ્રશાંત કાસ્ટિંગના શંભુભાઈ પરસાણા, ક્રિષ્ના પાર્કના સુરેશભાઈ કણસાગરા, સુપર પોલીકાસ્ટ પ્રા.લિ.ના શૈલેષભાઈ, રોલેક્ષ રિંગ લિ.ના મનીષભાઈ, વાવડીના વનરાજસિંહ જાડેજા, વાવડી ઇન્ડસ્ટ્રીઝ એસો.ના કારોબારી સભ્યો વિ. દ્વારા રાજયના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના માન.મંત્રી શ્રી વિનોદભાઈ મોરડીયા (રા.ક)નું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓનું વાવડી ઇન્ડસ્ટ્રીઝ એસો.ના હોદેદારો દ્વારા મોમેન્ટો આપી, સન્માન કરવામાં આવ્યું હતું.

રાજયના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી વિનોદભાઈ મોરડીયા(રા.ક)ના વરદ હસ્તે રૂ.૯.૪૦ કરોડના ખર્ચે જે કામોના ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે તેમાં, વોર્ડ નં.૧રમાં વાવડી વિસ્તારના રસુલપરા, કાંગશીયાળી રોડને પેવર કાર્પેટ કરવાનું કામ રૂ.૨.૭૩ કરોડના ખર્ચે, ગોંડલ રોડ ક્રિષ્ના પાર્ક થી વાવડી ગેઇટ તરફના ૧૮.૦૦ મી. ટી.પી. રોડને પેવર કાર્પેટ કરવાનું કામ રૂ.૨.૫૪ કરોડના ખર્ચે, ફાલ્કન પંપ રોડ થી સત્યનારાયણ વે બ્રીજ તરફના રસ્તાને પેવર કાર્પેટ કરવાનું કામ રૂ.૧.૧૨ કરોડના ખર્ચે, વાવડી વિસ્તારમાં ગોપાલ હોટલ થી ગોંડલ રોડને જોડતા રસ્તાને પેવર કાર્પેટ કરવાનું કામ રૂ. ૨.૦૫ કરોડના ખર્ચે તેમજ ગોંડલ રોડ ટાટા શો-રૂમ થી પુનમ ડમ્પર તરફના ૧૫.૦૦ મી. ડી.પી. રોડને રૂ. ૦.૯૬ કરોડના ખર્ચે પેવર કાર્પેટ કરવાના કામનો સમાવેશ થાય છે. કાર્યક્રમને અંતે આભાર વિધિ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલે કરી હતી.

(5:00 pm IST)