Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

મકરંદ દવેના જન્મ શતાબ્દિ વર્ષના પ્રારંભે વિશેષ

નાથાભાઇ જોશીએ મકરંદ દવેને અલૌકિક અનુભૂતિ કરાવી હતી

હું શકિતપાતમાં માનતો નથી તેવું કહેનાર મકરંદભાઇને દરિયાનો ઘુઘવાટ સંભળાવવા લાગ્યો હતો

મેઘધનુષ્યના તો ફોટો પણ પાડી શકાય. આખું આકાશ કેમેરાના લેન્સમાં કેવી રીતે ઝીલાય? મકરંદ દવેનું વ્યકિતત્વ પણ એવું જ વિશાળ. તેઓ કંઈક બોલે તો ફૂલોનો વરસાદ થતો હોય એવું લાગે અને મૌન રહે તો લાગે કે અસીમ સાગર ઘૂઘવી રહ્યો છે. દૈહિક જ નહીં આધ્યાત્મિક ઊંચાઈ પણ એવી કે એના છાંયડામાં બીજાંના જીવન ઉછરી શકયાં. મકરંદ દવે ફકત કાન દઈને નહીં, ધ્યાન દઈને સાંભળવાના કવિ હતા-છે.

જીવનનો પ્રવાહ વિશાળ પણ ખરો અને વેગવાન પણ રહ્યો. કેવડી મોટી રેન્જ! ગોંડલમાં વજેશંકર દવે અને વ્રજકુંવરબહેનના ઘરે એમનો જન્મ. છ ભાઈ બહેનો હતા. પ્રાથમિક શિક્ષણ પણ ત્યાં જ. ૧૯૪૦માં મેટ્રિક સુધીનું ભણીને રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં એડમિશન લીધું. અમૃત ઘાયલ, મનુભાઈ ત્રિવેદી-સરોદ, મનુભાઈ પટેલ સાથે પરિચય થયો કવિતાનો રસ વધુ ઘેરો બન્યો. ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં જોડાયા, લાઠીનો માર ખાધો અને ભણતર અઘૂરું રહ્યું ગોંડલ પરત ગયા. કુમારમાં નોકરી, ઝવેરચંદ મેઘાણી સાથે ઉર્મિ-નવરચનામાં કામ કર્યું. ૧૯૫૧માં પ્રથમ કાવ્યસંગ્રહ તરણાનું પ્રકાશન.

૧૯૬૬માં સૌરાષ્ટ્ર છોડીને મુંબઇ ગયા. ત્યાં કુંદનિકાબહેન કાપડિયાની સાથે પરિચય થયો અને એ પણ માનવીય પ્રયાસ નહોતો, ઈશ્વરીય વ્યવસ્થા જ હતી. મકરંદભાઈની કેટલીક કાવ્યપંકિતઓ કુંદનિકાબહેનના સહજ ઉદગારોમાંથી આવી છે અને કુંદનિકાબહેનની અનેક વાર્તાઓમાં મકરંદભાઈના સ્વપ્નની વાતો વણાઈ છે. ૧૯૬૯માં બન્ને લગ્ન સંસ્કારથી જોડાયા. ૧૯૮૫માં મુંબઈ છોડ્યું અને પ્રકૃતિની નજીક, વનવાસીઓની સાથે નંદિગ્રામમાં વસ્યા. ત્યાં તો શબ્દની પણ સાધના થઈ અને લોકજીવનની પણ આરાધના.

પિતાજી સ્વામીનારાય સંપ્રદાયના અનુયાયી. એમણે અંત સમયે કહ્યું હતું, મારી પાસે કંઈ નથી, તને ત્રણ વસ્તુ આપીને જાઉં છું, જ્ઞાન, ભકિત અને વૈરાગ્ય. જીવની જેમ સાચવજે.  પુર્વજ માવજીભાઈ અને મૂળજીભાઈ તો સહજાનંદ સ્વામીને પણ મળ્યા હતા એવો ઉલ્લેખ ભકતમણિ ગ્રંથમાં મળે છે. સવારમાં ન્હાઈને પિતાજી શ્લોક ગાતા હોય. જુના એક કવિ કહાન ચકુ ગાંધીએ સંસ્કૃત છંદો શીખવ્યા અને કવિતા લખવાનો શોખ મકરંદભાઈમાં પણ જાગ્યો.

પરમ શકિત સાથેના અનુસંધાનના અનુભવ એમને પહેલેથી હતા. પોતાના ઘરની પાસે જુઈની વેલ હતી ત્યાં તેઓ અચાનક ચાલ્યા જતા. કોઈએ શોધવા નીકળવું પડતું. નજીકની આમલીને કલાકો સુધી જોયા કરતા. એમના પિતાજી સાથેનો આ સંવાદ વાંચોઃ બાપુજી હમણાં તમારી આસપાસ આવી ત્યારે મહેક મહેક કેમ લાગે છે? બસ મારે જવાનો સમય થયો છે. તો તમારી કંઈ ઈચ્છા, મારે સ્વામી ધર્મજીવનદાસજીને મળવું છે. એ તો બધે હરતા-ફરતા હોય એમને કયાં શોધીશું? પિતાજી કહે, તેં પૂછ્યું એટલે મેં કહ્યું, આ કયાં ચિંતાનો વિષય છે? બીજા દિવસે મકરંદભાઈના ઘરે સ્વામી ધર્મજીવનદાસજીની પધરામણી થઈ.

રાણપુરમાં ઉર્મિ નવરચનામાં ઝવેરચંદ મેઘાણીની સાથે જયાં કામ ચાલતુ ત્યાં દરરોજ ભભૂતિયો એક બાવો નીકળતો. કમ્મરે એની રંગરંગના દોરડાં, ચીપિયો વગાડે અને બોલતો જાય આલ્લેક....મકરંદભાઈ તો કામ છોડીને બહાર નીકળે અને એને જોતા રહે. આવું ઘણા દિવસ ચાલ્યું એકવાર મકરંદભાઈ બાવાને જોઈને પરત ફર્યા ત્યાં પાછળ મેઘાણી ઊભા હતા. પૂછ્યું, કેમ બાવો બહુ ગમે છે?

મકરંદભાઈએ આ પ્રસંગ પછી બાવા માટે કાવ્ય લખ્યુઃ

આવે ભભૂતગર બાવો અલ્યા

એના ટોકરા રણઝણ વાગે,

ઓલીપાની શેરીએથી આલેક જગાવતો

આવીને ઝટ લોટ માંગે.

મેઘાણીભાઈ કહે, બાવો કંઈ લોટ માંગવા થોડો આવે છે? લોટનું તો બહાનું છે એ તો આપણને જગાડવા આવે છે. બાવો કવિતામાં બરાબર ઊઠ્યો નથી. રાતે જાગીને મકરંદભાઈએ સુધારો કર્યો.

આવે ભભૂતગર બાવો અલ્યા,

 એના ટોકરા રણઝણ વાગે,

ઓલીપાની શેરીએથી આલેક જગાવતો

આવે હલકતે રાગે....

રાજકોટથી પ્રકાશિત જયહિન્દ દૈનિકમાં જોડાયા, ધર્મપૂર્તિ પરમાર્થનું સંપાદન પણ કર્યું. સંગીત નાટ્ય અકાદમી માટે ભગવાન બુદ્ઘ નૃત્ય નાટિકા લખી એ જ વર્ષમાં શેણી વિજાણંદ નૃત્યનાટિકાનું પણ પ્રકાશન થયું. વાંચનયાત્રા પણ સમૃદ્ઘ થતી ગઈ. રામકૃષ્ણ કથામૃત, શેલીની કવિતાઓ, અબ્રાહમ મેસ્લો, રુથ બેનેડિકટ, માર્ટિન બ્યૂબર, આર્નોલ્ડ ટોયન્બીને ભરપૂર વાંચ્યા. વૈદિક મંત્રો, બૌદ્ઘ સિદ્ઘો, નાથસંપ્રદાય, નિર્ગુણ-સગુણ ધારાના સંતો વિશે વાંચ્યું. રવીન્દ્રનાથ ટાગોરની તો એ સપ્તાહ કરતા એટલા એમને વાંચ્યા છે. મીર તકી મીર, ગાલિબને પણ આકંઠ પીધા.

બચુભાઈ રાવત, મેઘાણીભાઈ, હરિવલ્લભ ભાયાણી, પોતાના બનેવી બાબુભાઈ વૈદ્ય જેવા સાક્ષરો સાથે પરિચયનો પરિઘ પણ વિશાળ બનતો ગયો. જેમની સાથે પરભવનો અનુબંધ હતો એવા, જેમને ભાવિકો તો મા અંબાનું સ્વરુપ માને છે તે નાથાભાઈ જોશીના પરિચયે જીવનને ઊઘાડ, દિશા અને વેગ બધું આપ્યું. એક દિવસ જયહિન્દમાં નોકરી પૂર્ણ કરીને મકરંદભાઈ ઘરે પહોંચ્યા. રાત્રે બે વાગ્યે અચાનક નાભિમાંથી અવાજ આવ્યો હરિબોલ....પહેલાં તો નોંધ ન લીધી પછી તો દિવસના સમયે પણ એવું થવા લાગ્યું. અંદરથી અવાજ આવ્યો, ગોંડલ જાઓ....પણ મકરંદભાઈ મક્કમ. નોકરી છોડીને કેમ જવું? જયહિંદમાં એવી સ્થિતિ સર્જાઈ કે આખા તંત્રીવિભાગે રાજીનામું આપી દીધું. મકરંદભાઈએ પોતાના માતાને કહ્યું, મારે ગિરનાર જવું છે. કોઈ યોગી મળે તો મને સમજાવશે. સવારે જવાનું હતું. એક અલૌકિક અનુભૂતિ થઈ, મકરંદભાઈના સ્વર્ગીય બાપુજીએ એમને દર્શન આપ્યાં. કહ્યુઃ તારે જૂનાગઢ નથી જવાનું, જૂનાગઢ અહીં આવશે.

બીજા દિવસે એમના મિત્ર ગુણવંતભાઈએ કહ્યું, જૂનાગઢથી કૃષ્ણના ભકત નાથાભાઈ આવ્યા છે, મળવું છે? મકરંદભાઈ ગયા મળવા, કહ્યું મારે એક પ્રશ્ન પૂછવો છે. નાથાભાઈ કહે, આજે ઘણા લોકો છે કાલે આવો. બીજા દિવસે સવારે મળ્યા. નાથાભાઈએ કહ્યું, તમે કંઈ ન કહેતા હું કહુઃ હરિબોલ...થી માંડીને જે કંઈ તમારી અનુભૂતિ છે એ સાચી છે. ભગવાનની આ કૃપા છે એનો તમે સ્વીકાર કરો. આ સંબંધ પછી તો વધુ ગાઢ બન્યો.

નાથાભાઈ સાથે શકિતપાતના વિષય પર ચર્ચા કરતાં મકરંદભાઈએ કહ્યુઃ હું શકિતપાતમાં નથી માનતો. થોડી દલીલ થઈ. નાથાભાઈ ઊભા થઈને એમની નજીક ગયા. માથે હાથ મૂકયો. ત્યારે તો કંઈ ન થયું પરંતુ સાંજે  મકરંદભાઈને દરીયા જેવો ઘૂઘવતો અવાજ સંભળાયો, પોતે એમાં ડૂબ્યા. અંદર જાય તો આનંદ, બહાર નીકળે તો પ્રેમ....તરત નાથાભાઈને મળવા દોડ્યા. એમણે કહ્યું હવે શંકા ન કરતા તમને શકિતનો અનુભવ કરાવ્યો......જેને આવા અનુભવો થયા હોય એ પછી તો લખી જ શકે ને,

સાયાંજી કોઈ ઘટમાં ગહેકે ઘેરું,

બાવાજી, મુને ચડે સમુંદર લેરું.....

સુરેશ દલાલે લખ્યું હતુઃ મકરંદની કવિતાના આંતરપિંડને પામવા માટે સહજ, આનંદ અને માંગલ્ય આ ત્રણ શબ્દો કામ આવે. એમનો શબ્દ ઝવેરચંદ મેઘાણીની સાથે જોડાયેલો છે અને એના ભાવનો તંતુ  રવીન્દ્રનાથ ટાગોરની સાથે છે. તરણાં, જયભેરી, ઝબૂક વીજળી ઝબૂક, ગોરજ, સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ, હવાબારી સહિતના સંગ્રહોમાં ગીતો, ગઝલો એમણે આપ્યાં. જે એમની વિદાય પછી કોઈ ઘટમાં ગહેકે ઘેરુંના ત્રણ ભાગમાં સંપાદિત-સંગ્રહિત થયાં.

ગમતું મળે તો ઓલ્યા ગૂંજે ન ભરીએ

ગમતાંનો કરીએ ગુલાલ...

રચના મકરંદભાઈની ઓળખ બની ગઈ અને ગુજરાતી ભાષાનું એ પ્રતિનિધિત્વ કરતી કવિતાઓમાં સ્થાન ધરાવે છે. મુંબઇના વસવાટ દરમિયાન જે ગૂંગળામણ અનુભવાઈ એ આવી રીતે વ્યકત થઈ-

હાલ્યને વાલમ, કયાંક જતાં રંઈ,

કયાંક જતાં રંઈ ખુલ્લે મારગ

પેટિયું આપણું ભરશું વાલમ, રોટલા ભેળી પાતળી રાબે

ગરકાંઠાના ગામડે મારું મન રંગાયું હે ય રગેરગ.....

આ શેરમાં પરમાત્મા પ્રત્યેનું આકર્ષણ તો જુઓ....

હજારો વાર તારા મયકદાથી છૂટવા ચાહું

છતાં તારા ભણી લઈ જાય છે મરા કદમ સાકી

અને ઇશ્વર માટેની એમની અપાર શ્રદ્ઘા

પગલું માંડું હું અવકાશમાં જોઉં નીચે હરિવરનો હાથ

અજંપાની સદા સૂની ડેલીએ ગાતો આવે અદીઠો સંગાથ....

પોતાના મુકતકોને મકરંદભાઈ આગમાં ઊઘડેલાં પુષ્પો તરીકે ઓળખાવે છે. વિચાર, દર્શન અને અધ્યાત્મનો સંગમ છે એમની કવિતામાં અને એમાં પ્રેમનો, ભકિતનો, સૌંદર્યનો રંગ પણ છે.  ભજન, સંતસાહિત્યની એમણે મીમાંસા કરી ચિરંતના, ગર્ભદીપ, બ્રહ્મવીણા જેવા અધ્યાત્મદર્શનના ગ્રંથોમાં એમનું ચિંતન, અભ્યાસ અને અનુભૂતિ બધું જ સમાવિષ્ટ છે.

એડગર રાસિ બરોઝની નવલકથા ટારઝન ઓફ ધી એપ્સનો અનુવાદ મકરંદભાઈએ ટારઝન જંગલનો રાજા નામે કર્યો હતો. ગુરુનાનક વાણીનો સુંદર અનુવાદ એમણે આપ્યો. પ્રતિરુપ એમના દ્વારા થયેલા સંસ્કૃત, બંગાળી,પંજાબી અને ઈંગ્લીશ સ્તવનો તથા કાવ્યોનો અનુવાદ છે. દાંપત્ય યોગ એમનું પોતાનું પુસ્તક. એનો અનુવાદ એમણે કર્યો The Yoga of Marriage નામથી.

કવિતામાં તો રસવર્ષા છે જ, મકરંદભાઈના પત્રો પણ ઘટક ઘટક પીધા કરીએ એવા જ. જાણીતા સાક્ષરા હિમાંશી શેલતે સ્વામી અને સાંઈ પુસ્તકમાં સ્વામી આનંદ સાથેના મકરંદ દવેના કેટલાક પત્રો સમાવ્યા છે. સ્વામી આનંદ ૫ ઓકટોબર ૧૯૬૭ના પત્રમાં લખે છેઃ તમારામાં Mystic તત્વ મેં મૂળથી જ હંમેશા જોયું છે. હું Mystisismમાં માનતો નથી તેમ જ સમજું છું પણ તમારા જેવા earnst souls જેમને હું સંત,ફકીર,ઓલિયા દરવેશની હરોળના ગણું છું તેમનામાં એવા Mystic અનુભવો કે મનોદશાની નફરત મેં કદી નથી સેવી.....

મકરંદના પાયલાગણ.....દાદાના આશીર્વાદ એ બે સંબોધનની વચ્ચે સાહિત્ય, ધર્મ, જીવન દર્શન એ બધું વિશિષ્ટ રીતે વેરાયેલું પડ્યું છે. આ પત્રોમાં દાદુ દયાળ પણ છે અને રામકૃષ્ણ પરમહંસના શિષ્ય સ્વામી તુરિયાનંદ પણ છે. નાનક મેઘાણી, વિખ્યાત નૃત્યકાર ઉદયશંકરના સંદર્ભ છે. નરહરિ પરીખ, શિક્ષાવિદ નાનાભાઈ ભટ્ટ, સૂફી સંત લતીફ કે સૌરાષ્ટ્રના અગ્રણી જેઠાલાલ જોશીના પણ સંદર્ભ છે. સ્વામીને લખેલા પત્રોમાં મકરંદભાઈએ હૈયું ખોલ્યું,નિચોવ્યું છે.

એવો જ એક પત્રસંચય એટલે મરમ જાણે મકરંદા. સંપાદન કર્યું છે જાણીતા ભજન સંશોધક નિરંજન રાજયગુરુએ. પોતાના બાળપણથી મકરંદભાઈના ખોળામાં ઉછરેલા નિરંજનભાઈએ લખેલા પત્રોના મકરંદભાઈએ વિસ્તૃત જવાબો આપ્યા છે. નિરંજન રાજયગુરુ, પ્રો.નાથાલાલ ગોહિલ અને મનોજ રાવલે મકરંદી પરંપરાને આગળ ધપાવવા, એને જાળવવાનો ભેખ લીધો છે. આ ત્રણેયના મુખે મકરંદ દવેની વાત સાંભળીએ કે એમના સંપાદન,પત્રો વાંચીએ ત્યારે પ્રતીતિ થાય કે આ સૂની સૂની રાત મહીં, કોઈ ઢોલક હજુ બજાવે છે. (૨૧.૪૫)

: આલેખન :

જ્વલંત છાયા

(ચિત્રલેખાની શ્રેણી શતાયુ સ્મરણમાં પ્રકાશિત થયેલો લેખ સોશ્યલ મિડીયામાંથી સાભાર)

મો. ૯૯૦૯૯ ૨૮૩૮૭

(5:17 pm IST)