Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

આતુરતા અને હાડમારીનો હવે અંત ઢુકડો ૨૧મીએ વિજયભાઇ આમ્રપાલી બ્રિજ ખુલ્લો મુકશે

નાના મૌવા ચોક - કે.કે.વી. ચોક - જડુસ ચોક અને રામાપીર ચોકના બ્રિજના ખાતમુહૂર્તો સહિત અંદાજે ૫૦૦ કરોડના વિકાસકામોને મુખ્યમંત્રી લીલીઝંડી આપશે

રાજકોટ તા. ૧૫ : શહેરમાં હવે ટુંક સમયમાં નવા ૪ ઓવરબ્રીજ કુલ ૨૩૯.૩૮ કરોડના ખર્ચે નિર્માણ થનાર છે. જેના ટેન્ડરો આજે વહીવટદાર શ્રી અગ્રવાલને મળેલી સ્ટેન્ડીંગ કમિટિની સત્તાની રૂએ મંજુર કરી દેવાયા છે અને હવે આગામી તા. ૨૧ને ગુરૂવારે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે આમ્રપાલી બ્રીજનું લોકાર્પણ તથા અન્ય ચાર બ્રીજના ખાતમુહુર્ત થશે તેમ શ્રી અગ્રવાલે જાહેર કર્યું હતું.

શ્રી અગ્રવાલના જણાવ્યા મુજબ કે.કે.વી.ચોક, સેકન્ડ લેવલ બ્રીજ, જડુસ ચોકડી, નાના મોવા ચોક અને રામાપીર ચોકડી માટે મહેસાણાની રણજીત બિલ્ડકોન કંપનીએ ૪૦% ઉંચા ભાવે કોન્ટ્રાકટની ઓફર થયેલ આથી આ કોન્ટ્રાકટર સાથે ટેન્ડર મૂલ્યાંકન કમિટિએ નેગોશિએશન કરી અને ૦.૫૦ થી લઇ ૧.૨૫ ટકા સુધી ભાવો ઓછા કરાવતા કુલ ૨ કરોડ જેટલી રકમ કોન્ટ્રાકટરે ઓછી કરતા આ ચારેય બ્રીજનું કામ રણજીત બિલ્ડકોનને આપવા નિર્ણય લેવાયો છે. હવે આ અંગેની દરખાસ્ત સ્ટેન્ડીંગમાં મંજુર થતાં તુરંત જ ખાતમુહૂર્ત થશે.

આ અંગે મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે વિસ્તૃત માહિતી આપતા જણાવેલ કે, શહેરમાં વસ્તી અને વાહનોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરળ પરિવહનના ઉદેશને પરિપૂર્ણ કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજય સરકારશ્રીના સહયોગથી નાનામવા સર્કલ, રામાપીર સર્કલ, કે.કે.વી. ચોક,કાલાવડ રોડ જડુસ પાસે ઓવરબ્રીજ બનાવવાના ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા. આ વખત ેકાલાવડ રોડ પરનાં બે તથા ૧૫૦ ફુટ રોડ પરનાં બે બ્રિજનાં સંયુકત ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા.

વધુમાં શ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે, ટેન્ડરની મુદ્દત પૂર્ણ થયા બાદ એલવન કંપની સાથે નેગોશિએશન કર્યું હતું. ચારેય બ્રીજ માટે ૪૦ ટકા ઓન આવ્યા હતા. જેમાં કેકેવી ચોકમાં ૦.૫૦ ટકા અને જડુસ, નાનામવા તથા રામાપીર ચોકડીએ થનાર બ્રીજના ૧.૨૫ ટકા ઓછા કરવામાં આવ્યા હતા. આ સાથે કુલ રૂ. ૨ કરોડ જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. શહેરના કાલાવડ રોડ પર બે અને ૧૫૦ ફુટ રીંગ રોડ પર બે થનાર બ્રીજની વિગતો આ મુજબ છે.

ઉકત બંને બ્રિજનું કામ કુલ ૮૧.૩ કરોડમાં રણજીત બિલ્ડકોનને આપવામાં આવ્યું છે. તથા નાના મૌવા - રામાપીર ચોકડીના બંને બ્રિજનું કામ પણ રણજીત બિલ્ડકોનને ૧૫૮ કરોડના ખર્ચે આપવામાં આવ્યું છે.

આમ્રપાલી અંડરબ્રીજની સાથોસાથ જિલ્લા ગાર્ડનમાં નવનિર્મિત પાણીનો ટાંકો, પમ્પીંગ સ્ટેશન સહિતના હેડવર્કસનું તેમજ કોઠારીયા વાવડીમાં પાણી વિતરણ માટે બનાવાયેલ નવા હેડવર્કસનું લોકાર્પણ પણ મુખ્યમંત્રીશ્રી હસ્તે જ થાય તે માટે તૈયારીઓ થઇ રહી છે. જયારે ૧૫૦ રીંગ રોડ પર નાનામૌવા સર્કલ, કેકેવી ચોકમાં ડબલ ડેકર ફલાયઓવર બ્રીજ અને જડુસ ચોકડીએ તથા રામાપીર ચોકડીએ ફલાય ઓવરબ્રીજ આ ચારેય બ્રીજના ખાતમુહૂર્તો તથા સ્માર્ટ સીટીના ૧૦ જેટલા રસ્તાઓ વગેરે અંદાજીત ૫૦૦ કરોડના વિકાસકામોના ખાતમુહુર્તો પણ આ સાથે જ મુખ્યમંત્રીશ્રીના હસ્તે થશે. આ ઉપરાંત MIG, EWS તથા સ્માર્ટ ઘરના ખાલી ૪૧૧ આવાસોના ડ્રો કરવામાં આવશે.(૨૧.૧૮)

૪ બ્રિજનો ખર્ચ ગ્રાન્ટથી વધી જતાં સરકાર પાસે વધારાના રૂપિયા મંગાયા

૧૫૦ ફુટ રીંગ રોડ પર નાનામૌવા રોડ, કાલાવડ રોડ, કેકેવી ચોક, રામાપીર ચોક અને જડ્ડુસ ચોકના બ્રિજ માટે રાજ્ય સરકારે ૨૩૦ કરોડ જેટલી ગ્રાન્ટ આપી હતી પરંતુ આ બ્રિજના કામો ઉંચા ભાવે મંજુર થતાં હવે ૧૦ થી ૧૨ કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવા અન્ય બ્રિજના હેડ હેઠળની ગ્રાન્ટમાંથી હેડ ફેરવવા માટે સરકારની મંજુરી મંગાયાનું અધિકારીશ્રીએ જણાવ્યું હતું.

(3:18 pm IST)