Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

કોવિડ-૧૯ની ઈફેકટઃ આર્થિક સંકટ ઉભુ થતા ૩૦૪ લાભાર્થીઓએ રૂડાને ફલેટ સરન્‍ડર કરી દીધા

એફોર્ડેબલ હાઉસીંગ સ્‍કીમ હેઠળ રૂડાએ બાંધેલા કુલ ૩૯૦ જેટલા ફલેટ હાલ વેચાયા વિનાના પડયા છે

રાજકોટ, તા. ૧૬ :. એફોર્ડેબલ હાઉસીંગ સ્‍કીમ હેઠળ રૂડા દ્વારા રાજકોટમાં બનાવવામાં આવેલા ફલેટના અનેક લાભાર્થીઓએ અત્‍યાર સુધીમાં ૩૦૪ જેટલા ફલેટ વિવિધ કારણોસર સરન્‍ડર કરી દીધા છે. આ સાથે રૂડામાં અત્‍યારે ૬૯૪ જેટલા વેચાયા વિનાના ફલેટ હોવાનું જાહેર કરવામાં આવ્‍યુ છે.

ચેતનકુમાર કંડોલીયા કે જેઓ સિવીલ એન્‍જીનીયર છે તેમને રૂડા દ્વારા ઓગષ્‍ટ ૨૦૨૦માં ફલેટ ફાળવવામાં આવ્‍યો હતો, પરંતુ કોરોનાકાળમાં તેમની નોકરી જતા તેમણે ફલેટ સરન્‍ડર કરી દીધો હતો. આવુ જ રીક્ષા ડ્રાઈવર અલ્‍તાફ જીવરાણીનું છે. તેમને વનબીએચકેનો ફલેટ લાગ્‍યો હતો પરંતુ તેમણે પણ આર્થિક કટોકટીને કારણે આ ફલેટ સરન્‍ડર કરી દીધો છે. આવુ જ સ્‍ટેશનરીના વેપારી દિપક મોદીનું થયુ છે. તેમણે પણ ૩બીએચકેનો ફલેટ આર્થિક તંગીને કારણે સરન્‍ડર કરી દીધો છે.

રૂડાના અધિકારીઓના જણાવ્‍યા પ્રમાણે ઉપરના ત્રણેય લાભાર્થીઓએ નાણાકીય કટોકટીને કારણે પોતાના ફલેટ સરન્‍ડર કરી દીધા છે. મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ૩૧ ઓગષ્‍ટ ૨૦૨૦ના રોજ જે લોકોને ઘર ફાળવ્‍યા હતા તેમાથી ૩૦૪ લાભાર્થીઓએ ઘર સરન્‍ડર કરી દીધા છે અને હાલ ૩૯૦ વેચાયા વિનાના મકાન-ફલેટ પડયા છે.

રૂડાના સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે અમારી પાસે હાલ ૬૯૪ વેચાયા વિનાના ફલેટ છે. અમે આ માટે ત્રીજી વખત અરજીઓ આમંત્રીત કરી છે. એટલુ જ નહિ અગાઉ કરતા ડીપોઝીટ પણ ચોથા ભાગની કરી નાખી છે.

રૂડાએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરના ૮ જેટલા વિસ્‍તારોમાં રૂા. ૪૦૬ કરોડના ખર્ચે ૨૪૮૩ એફોર્ડેબલ મકાનોનું બાંધકામ ૨૦૧૯માં શરૂ કર્યુ હતું. સરકારની સબસીડી બાદ ૧બીએચકેનો ફલેટ ઈડબલ્‍યુએસ માટે રૂા. ૩ લાખ, ઈડબલ્‍યુએસ-૨ માટે ૨બીએચકેનો ફલેટ ૫.૫૦ લાખ, એલઆઈજી માટે ૨બીએચકેનો ફલેટ રૂા. ૧૨ લાખ અને એમઆઈજી માટે ૩બીએચકેનો ફલેટ રૂા. ૨૪ લાખની કિંમતે આપવાનુ આયોજન કર્યુ હતું. શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર રૂડાએ વધુ ૧૨૮ ફલેટ બનાવ્‍યા છે. રૂડાએ માર્ચમાં અરજીઓ આમંત્રિત કરી હતી પરંતુ લોકડાઉનને કારણે પ્રોસેસ અટકી ગઈ હતી. ફરી જૂન, જુલાઈમાં અરજીઓ આમંત્રીત કરવામાં આવી હતી. જો કે ૨૪૩૮ ફલેટ માટે રૂડાને ૨૩૭૬ અરજીઓ મળી હતી.

અરજીઓની ચકાસણી બાદ ૨૧૭૬ ફલેટ ફાળવવામાં આવ્‍યા હતા અને ૩૮૬ ફલેટ વેચાયા વિના રહ્યા હતા તેમ રૂડાના અધિકારી ચેતન ગણાત્રાએ ઈન્‍ડીયન એકસપ્રેસને આપેલી મુલાકાતમાં જણાવ્‍યુ હતું. ૧૫૦ ફૂટ રીંગ રોડ પરના ૪ ફલેટ પણ વેચાયા વિનાના છે આ સાથે હાલ ૩૯૦ ફલેટ ઘરજમાઈ બન્‍યા છે.

જો કે રૂડાએ સરન્‍ડર થયેલા ૩૦૪ લાભાર્થીઓના ફલેટની ફાળવણીની તમામ તૈયારીઓ પુરી કરવાનું શરૂ કર્યુ છે.

(10:34 am IST)