Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

હરીપર ગામ પાસેથી પકડાયેલ લાખોના દારૂના ગુનામાં આરોપીની જામીન અરજી રદ

'ચાર્જશીટ' બાદ પણ આરોપીને જામીન આપી શકાય તેમ નથી : કોર્ટ

રાજકોટ,તા. ૧૬: અત્રે હરીપર ગામ પાસેથી રૂ. ૧૩ લાખ ૬૦ હજારના દારૂ પકડવાના ગુન્હામાં ચાર્જશીટ બાદ પણ આરોપીની જામીન અરજી રદ કરવાનો સેસન્સ કોર્ટે હુકમ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે રાજકોટ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ અમલદારો દ્વારા તા. ૨૭/૭/૨૦૨૦ના રોજ કલાક ૧:૧૫ વાગ્યે સરધારથી હરીપર જવાના રસ્તે હરીપર ગામ બાદ વિહાભાઇ કુવાડીયાની વાડી પાસેના ખરાબામાં રેડ કરેલ અને ત્યાંથી એક ટેન્કર તેમજ અલગ અલ કારો તેમજ મોટર સાયકલ સહિત ભારતીય બનાવટની દારૂનો જથ્થો કુલ ૩,૪૦૦ બોટલ જેની કિંમત રૂ. ૧૩,૬૦,૦૦૦ જેવી થાય છે તે કબ્જે કરેલ અને તે ગુન્હામાં નાસતા ફરતા આરોપી મોહિત દિનેશભાઇ ઉર્ફે દેવશી વાઘેલા, રહે. લક્ષ્મીવાડી શેરી નં. ૨૦, 'મેલડી કૃપા' રાજકોટ વાળાની ધરપકડ કરવામાં આવેલ હતી.

રાજકોટ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ અમલાદારો દ્વારા મોહિત દિનેશભાઇ ઉર્ફે દેવશી વાઘેલાની ધરપકડ કરવામાં આવતા તેઓ દ્વારા રાજકોટના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સમક્ષ જામીન અરજી કરી પોતાને જામીન ઉપર મુકત કરવા અરજી કરેલ હતી જે અરજી રાજકોટના એડીશ્નલ સેશન્સ જજ બી.બી. જાદવ દ્વારા અરજદાર મોહિત દિનેશભાઇ ઉર્ફે દેવશી વાઘેલાને જામીન ઉપર છુટવાની અરજી રદ કરેલ છે.

આ કામે કોર્ટ દ્વારા આરોપીની જામીન અરજી રદ કરતા પોતાના હુકમમાં નોંધેલ છે કે જે આરોપીને ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન ઉપર મુકત કરવામાં આવેલ છે તે આરોપીનો તેમજ હાલના આરોપીનો અલગ રોજ હોય તેમજ આરોપીની સામે રેકર્ડના આધારે પ્રથમ દર્શનીય સંડોવણી થતી હોય તેમજ ફકત ચાર્જશીટ થવા માત્રથી આરોપીને જામીન મુકત થવાનો અધિકાર પ્રાપ્ત થઇ જતો નથી તેવુ પણ કોર્ટ દ્વારા પોતાના ચુકાદામાં નોંધવામાં આવેલ છે. આમ ઉપરના તમામ સંજોગો જોતા કોર્ટ દ્વારા આરોપીની જામીન અરજી રદ કરવાનો હુકમ કરેલ છે. આ કામે સરકાર તરફે સ્પે. પબ્લીક પ્રોસીકયુટર કમલેશ ડોડીયા દ્વારા દલીલો કરવામાં આવેલ હતી.

(2:54 pm IST)