Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

ગો-ડીઝીટ જનરલ ઇન્સ્યુરન્સ કંપની સામે ૩ લાખ ૩૭ હજારની વળતરની ફરીયાદ

કારનો અકસ્માત વિમો નહિ ચુકવતા ગ્રાહક કમિશનમાં ઘટ

રાજકોટ, તા.૧૬: રાજકોટના અશોકભાઇ શીવાભાઇ વેકરીયા દ્વારા રાજકોટ જીલ્લા સામે તકરાર નીવારણ કમીશન સમક્ષ નામાંકીત ગો ડીજીટ જનરલ ઇન્સ્યુરન્સ લી. સામે ઓન ડેમેજ કલેઇમની કાયદેસરની મળવાપાત્ર રકમ ન ચુકવવા બદલ વીમા કંપની ગો ડીજીટ સામે રૂ.૩,૩૭,૬૦૦/ (અંકે રૂપીયા ત્રણ લાખ સાડત્રીસ હજાર છસો પુરા)ની ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે રાજકોટ શહેરના કોઠારીયા રોડ વીસ્તારમાં રહેતા અશોકભાઇ શીવાભાઇ વેકરીયાએ પોતાની માલીકીની હુન્ડાઇ વર્ના કાર નં.જીજે-૦૧-કેએલ-૬૧૮૧ માટે ગો ડીજીટ જનરલ ઇન્સ્યુરન્સ લી.પાસેથી વર્ષ જુન-૨૦૧૯ થી જુન-૨૦૨૦ના સમયગાળા માટે વીમા પોલીસી ખરીદ કરવામાં આવેલ અને વાર્ષીક આશરે રૂ.૧૧,૬૩૫/ (અંકે રૂપીયા અગીયાર હજાર છસો પાત્રીસ પુરા)નું પ્રીમીયમની રકમ વીમા કંપનીને ચુકવવામાં આવેલ હતી. ફરીયાદી તા.૧૭-૧૦-૨૦૧૯ના રોજ મોટા મહીકાથી રીબડા થઇને રાજકોટ આવવા નીકળેલ હતા ત્યારે રાત્રીના આશરે ૧૦ વાગ્યેના સમયે મોટા મહીકા ગામથી થોડે દુર પહોંચ્યા ત્યારે રોડ પર આગળ જતા આઇસર વાહન દ્વારા અચાનક ફુલ બ્રેક મારતા ફરીયાદીની કાર આઇસર વાહન પાછળ ભટકાયેલ હતી આથી ફરીયાદી દ્વારા તેમના મીત્રને મદદ માટે બોલાવી તેમની સાથે રાજકોટ પરત ફરેલ હતા.

ફરીયાદી દ્વારા ગો ડીજીટ જનરલ ઇન્સ્યુરન્સ લી.ને અકસ્માત અંગે જાણ કરેલ તેમજ કારને ટોઇંગ કરાવીને રાજકોટના ઓરેકલ ઓટો ખાતે લઇ ગયેલ હતા ત્યારબાદ વીમા કંપનીના સર્વેયર દ્વારા કારનો સર્વે કરી આશરે રૂપીયા નવ લાખ સતાણુ હાજરની નુકશાની થયા અંગેનું કર્વોટેશન આપવામાં આવેલ અને ગો ડીજીટ જનરલ ઇન્સ્યુરન્સ લી.કંપનીની કર્મચારી દ્વારા કોઇ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ ન હતી પરંતુ લોકડાઉનના સમયગાળામાં ગો ડીજીટ જનરલ ઇન્સ્યુરન્સ લી.દ્વારા ફરીયાદીના વોટસએપમાં તા.૨૦-૪-૨૦૨૦ના રોજ જરૂરી દસ્તાવેજો રજુ કરવા જણાવેલ ત્યારબાદ ગો ડીજીટ જનરલ ઇન્સ્યુરન્સ લી. દ્વારા તા.૨૯-૪-૨૦૨૦ના રોજ ટુંકા ગાળામાં ફરીયાદીનો કલેઇમ રદ કરવામાં આવેલ હતો.

ફરીયાદીનો કલેઇમ રદ થતા ફરીયાદી દ્વારા તેમના એડવોકેટ કૃષ્ણ પટેલ મારફત રાજકોટના જીલ્લા ગ્રાહક તકરાર નીવારણ કમીશન સમક્ષ ગ્રાહક સુરક્ષા કાયદા અન્વયે ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે અને વીમા કંપની ગો ડીજીટ જનરલ ઇન્સ્યુરન્સ લી.પાસેથી કાયદેસરની મળવાપાત્ર રકમ તેમજ માનસીક ત્રાસ તથા ખર્ચની રકમ મળી કુલ રકમ રૂ.૩,૩૭,૬૦૦/ (અંકે રૂપીયા ત્રણ લાખ સાડત્રીસ હજાર છસો પુરા)નું વળતર મેળવવા માટે ફરીયાદ કરેલ છે.

આ કામમાં ફરીયાદી વતી રાજકોટના ધારાશાસ્ત્રી કૃષ્ણ પટેલ, સંજય ચોથાણી, બ્રિજેશ ચૌહાણ, વિપુલ રામાણી, અશોક સાસકીયા તથા અશ્વીન હીરપરા રોકાયેલ છે.

(2:55 pm IST)