Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

ગ્રીનલેન્ડ ચોકડીએ ટ્રાન્સપોર્ટની ઓફિસના કબાટમાંથી દારૂ મળ્યોઃ સંચાલકની ધરપકડ

ટ્રાન્સપોર્ટર ભરત પટેલનના હસ્તકનો ૭૩૩૦નો દારૂ ક્રાઇમ બ્રાંચે જપ્ત કર્યો

રાજકોટ તા. ૧૬: નાના મવા રોડ રાજનગર ચોકમાં રહેતાં અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતાં ભરત મુળજીભાઇ વસોયા (ઉ.વ.૫૮)ને ક્રાઇમ બ્રાંચની ટીમે ગ્રીનલેન્ડ ચોકડીએ આવેલી તેની જય કિસાન નામની ટ્રાન્સપોર્ટની ઓફિસેથી રૂ. ૭૩૩૦ના વિદેશી દારૂ સાથે પકડી લીધો હતો. ટ્રાન્સપોર્ટની ઓફિસના કબાટમાંથી પોલીસને બ્લેન્ડર્સ પ્રાઇડની બે લિટરની, મેકડોવેલ રમની ૭૫૦ મીલીની-૦૧, ઓલ્ડ મોન્ક રમની ૭૫૦ મીલીની ૦૧ અને અન્ટીકવીટી બ્લુની ૭૫૦ મીલીની ૦૨ બોટલ મળી હતી.

ઓફિસમાં દારૂ હોવાની બાતમી એએસઆઇ જયેશભાઇ નિમાવત, ચેતનસિંહ ચુડાસમા અને મહેન્દ્રસિંહ જાડેજાને મળતાં દરોડો પાડવામાં આવ્યો હતો અને ટ્રાન્સપોર્ટરની ધરપકડ કરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓ, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ વી. જે. જાડેજા, જયેશભાઇ, ચેતનસિંહ, મહેન્દ્રસિંહ, હિતેન્દ્રસિંહ ઝાલા, ભરતસિંહ પરમાર, સ્નેહ ભાદરકા સહિતે આ કામગીરી કરી હતી. પીવા માટે આ બોટલો છુટક છુટક મંગાવીને રાખ્યાનું રટણ કરાયું હતું.

(2:56 pm IST)