Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

મહાનગરપાલીકાની ચૂંટણી લડવા...

કોંગ્રેસમાં ટિકીટ વાંચ્છુઓનો રાફડોઃ સેન્સ પ્રક્રિયામાં આજે પ્રથમ દિવસે ૧૦૩ની દાવેદારી

પ્રદેશ નિરિક્ષકો શૈલેષ પરમાર, નરેશભાઇ રાવલ, અમીબેન યાજ્ઞિક સમક્ષ ટેકેદારો સાથે વોર્ડ નં. ૧ થી ૯ નાં કાર્યકરોએ દાવેદારી નોંધાવીઃ વર્તમાન કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા-અતુલ રાજાણી ત્થા ગત વર્ષનાં ઉમેદવાર રાજદિપસિંહ જાડેજા સહિતનાં આગેવાનોએ સેન્સ આપી

રાજકોટ તા. ૧૬ :.. આગામી ટૂંક સમયમાં મ.ન.પા.ની ચૂંટણી યોજાનાર છે. ત્યારે   શહેર કોંગ્રેસ દ્વારા આજે અને આવતીકાલે એમ બે દિવસ માટે વોર્ડ નં. ૧ થી ૧૮ નાં ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા કોંગ્રેસ કાર્યાલય, ઢેબર રોડ ખાતે શરૂ થયેલ જેમાં આજે પ્રથમ દિવસે ૧૦૩ જેટલા ટીકિટ વાંચ્છુઓ ઉમટી પડયા હતાં.

કોંગ્રેસનાં વર્તુળોનાં જણાવ્યા મુજબ આજે  સવારે પ્રદેશ નિરીક્ષકો શૈલેષ પરમાર, નરેશભાઇ રાવલ ત્થા  અમીબેન યાજ્ઞિક સમક્ષ ગત ટર્મનાં કોર્પોરેટરો ઉપરાંત ગત ટર્મનાં ઉમેદવારો અને નવા દાવેદારોએ પોતાની વિગતો રજૂ કરી અને ટીકીટ માટે દાવેદારી કરી હતી.

સુત્રોનાં જણાવ્યા મુજબ વોર્ડ નં. ૧ માં ૧૬, વોર્ડ નં. ર માં ૧ર, વોર્ડ નં. ૩ માં ૧પ, વોર્ડ નં. ૪ માં રર, વોર્ડ નં. પ માં ૧ર, વોર્ડ નં. ૬ માં ૧ર, વોર્ડ નં. ૭ માં ૧૦, વોર્ડ નં. ૮ માં ૮, અને વોર્ડ નં. ૯ માં ૧૬ એમ કુલ ૧૦૩ કાર્યકરોએ દાવેદારી નોંધાવી હતી.

નોંધનીય છે કે આજે જે કોંગી આગેવાનોએ દાવેદારી નોંધાવેલ તેમાં વોર્ડ નં. ર માંથી ચૂંટણી લડવા માટે વોર્ડ નં. ૩ નાં પૂર્વ કોર્પોરેટર અતુલ રાજાણી ત્થા ગત વર્ષે વોર્ડ નં. ૧૦ માંથી ચૂંટણી લડનાર રાજદિપસિંહ જાડેજા ત્થા વોર્ડ નં. ૩ માંથી પૂર્વ કોર્પોરેટર અને પ્રદેશ મહીલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ નિરીક્ષકો સમક્ષ સેન્સ આપી હતી.

સેન્સ પ્રક્રિયા વખતે શહેર પ્રમુખ અશોક ડાંગર, પ્રદેશ મંત્રી મહેશ રાજપૂત, પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા ત્થા કાર્યકર વિરલ ભટ્ટ વગેરેએ વ્યવસ્થા સંભાળી હતી.

(4:03 pm IST)