Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

રાજકોટ-સૌરાષ્ટ્રને મળેલ સૌથી મૂલ્યવાન ભેટ : એઇમ્સ

પીએમ-સીએમ તરફથી મંજૂર થયેલ એઇમ્સને કારણે સ્વાસ્થ્ય ક્ષેત્રે જ નહીં, આર્થિક ક્ષેત્રે પણ ક્રાંતિ આવશેઃ ૨૦૦ એકરમાં બનશે આરોગ્ય સંકૂલઃ સૌરાષ્ટ્ર કચ્છના દર્દીઓને મળશે આધુનિક સારવાર

રાજકોટ, તા.૧૫: વડાપ્રધાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તથા રાજયનાં વિકાસવાદી અને પ્રગતિપંથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આમ તો રાજકોટને અનેક ભેટ આપી છે, પરંતુ તેમાંથી એઇમ્સનું મહત્વ અદકેરું છે. કારણ કે, એઇમ્સ થકી આખા સૌરાષ્ટ્રને અનેક ફાયદા થવાનાં છે.

ગુજરાતની સૌ પ્રથમ ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સીસ - એઈમ્સનું ઈ-ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દિલ્હીથી કરવામાં આવ્યું હતું. આ સમયે જયાં એઈમ્સનું નિર્માણ થનાર છે તે રાજકોટ નજીકનાં સ્થળ પર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટના જામનગર રોડ પર પરાપીપળીયા અને ખંઢેરીની ૨૦૦ એકર જમીનમાં નિર્માણ પામનારી રાજયની પ્રથમ એઈમ્સ પાછળ અંદાજીત ૧૧૯૫ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. ૨ વર્ષનાં સમયગાળામાં એઈમ્સનું લોકાર્પણ કરવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ગુજરાત-રાજકોટને આજ સુધીની શ્રેષ્ઠત્ત્।મ ભેટ એટલે એઈમ્સ હોવાનું મનાય છે. માત્ર રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત આખાને સૌ પ્રથમ એઈમ્સની ભેટ મળતા તમામ ક્ષેત્રે ઘણો મોટો ફાયદો થશે.

રાજકોટમાં એઈમ્સનાં નિર્માણથી ગુજરાતના દર્દીઓને સારવાર લેવા માટે અન્ય રાજયોમાં જવું નહીં પડે. અહીં તેમને શ્રેષ્ઠ સારવાર મળી રહેશે. કોઈપણ ગંભીર રોગના દર્દીઓને રાજકોટ એઈમ્સમાં જ સારામાં સારી સારવાર ઉપલબ્ધ થશે. જેથી અન્ય કોઈ એઈમ્સ કે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જવાની જરૂર નહીં પડે. સાથે જ એઈમ્સમાં દર્દીઓને રાજય અને કેંદ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પણ આપવામાં આવશે. દવા તેમજ સર્જરીની અનેક વસ્તુઓ કેંદ્રના નિયત દરે દર્દીઓને ઉપલ્બધ થતાં નજીવા ખર્ચે દર્દીઓ સારવાર કરાવી શકશે. રાજકોટ એઈમ્સમાં ટ્રોમા, જનરલ સર્જરી, હૃદય, ગાયનેક, ટીબી, કિડની, મગજ સહિતના વિવિધ અંગોના ગંભીર રોગોની સારવાર ઉપલ્બધ થશે.

એઈમ્સને કારણે માત્ર રાજકોટ જ નહીં પણ આખા સૌરાષ્ટ્ર-કચ્છના ૧૦થી વધુ જિલ્લાઓને છેક અમદાવાદ સુધી લંબાવવું નહીં પડે અને તેમને તમામ પ્રકારની રાહત થશે તેમજ જે સર્જરી સૌરાષ્ટ્રની સરકારી હોસ્પિટલમાં નથી તે એઈમ્સમાં થતા ખાનગી હોસ્પિટલમાં થતા મોટાખર્ચમાં દ્યણો ફાયદો થશે. નવી મેડિકલ કોલેજને કારણે નવા તબીબોની સંખ્યા વધશે.

નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૪માં પ્રધાનમંત્રી પદનો કાર્યભાર સંભાળ્યા બાદ નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને એઈમ્સ આપવામાં આવશે એવી જાહેરાત કરી હતી. આજે રાજકોટમાં એઈમ્સનું ખાતમુહૂર્ત કરી મોદીજીએ એમનું વચન સુપેરે પાળ્યું છે.

એઇમ્સ આપશે આમૂલ પરિવર્તન

કેન્દ્ર સરકારે સૌરાષ્ટ્ર-રાજકોટનાં લોકોને ઘરઆંગણે વૈશ્વિક સ્તરની આરોગ્ય સવલતો મળી રહે તે હેતુસર આશરે ૧૨૦૦ કરોડના ખર્ચે અંદાજીત ૧૦૦૦ પથારીની સુવિધા ધરાવતી અત્યાધુનિક એઈમ્સ રાજકોટના ખંઢેરી ગામ પાસે સ્થાપવાની મંજૂરી આપ્યા બાદ તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ખંઢેરી પાસે એઈમ્સનું નિર્માણ થતા મળતા રાજકોટની માધાપર ચોકડીથી લઈ છેક જામનગર સુધીની રોડટચ જમીનનાં ભાવ ઉચકાવવાનાં એંધાણ છે. સૌરાષ્ટ્રની આર્થિક નગરી ગણાતા રાજકોટમાં રીયલ એસ્ટેટ માર્કેટ છેલ્લા ઘણા સમયથી સ્થિર હતું ત્યારે રાજકોટ નજીક ખંઢેરી ગામ પાસે એઈમ્સને મંજૂરી મળતા રાજકોટની ભાગોળે આવેલી માધાપર ચોકડીથી લઈ ખીરસરા, ઈશ્વરીયા, ન્યારા, પડધરી, ધ્રોલ આસપાસની રોડટચ જમીનનાં ભાવોમાં વધારો આવશે. રાજકોટને એઈમ્સ ફાળવાતા માધાપર ચોકડી આસપાસનાં અને મોરબી રોડનાં જમીન-મકાન માર્કેટમાં તેજી આવશે.

જયાં એઈમ્સ નિર્માણ પામશે એ જામનગર રોડ પર આવેલું ખંઢેરી ગામ અને એ આખો રોડટચ વિસ્તાર અત્યંત ઝડપી વિકાસ પામી વિસ્તરી રહ્યો છે. ત્યારે ખંઢેરી ગામનાં રેલ્વે સ્ટેશનને પણ પુનઃ ધમધમતું કરવાની વાત સામે આવી રહી છે. વળી, નજીકના ભવિષ્યમાં ત્યાં પાસેથી જ રીગરોડ ૩ પણ નીકળવાનો છે જે નારણકા, પરાપીપળીયા, ન્યારા, વાજડીગઢ, વેજાગામ, હરીપર પાળ, વાજડી વડ, ઢોલરા, પારડી, ખોખડદર, વડાળી, ઠેબચડા, ખેરડી, તરદ્યડિયા, માલિયાસણ, ધમલપર, નાકરાવાડી, રાજગઢ, ગૌરીદળ, આણંદપર, ઈશ્વરિયા, વાગુદડ, હરીપર, તરવડા, રાવકી, લોઠડા, કસ્તુરબાધામ, પીપળીયા અને નાગલપર સહિતના ૨૯ ગામોમાંથી પસાર થશે. આથી લોકો અહીં આસાની આવી-જઈ શકશે અને ટ્રાન્સપોટેશન માર્કેટને પણ વેગ મળશે.

એઇમ્સ એટલે રોજગારની નવી તકો

રાજકોટમાં બનનારી એઈમ્સ સ્વાસ્થ્ય સુવિધા તો આપશે જ સાથોસાથ રોજગારી સર્જનમાં પણ અગત્યની ભૂમિકા ભજવશે. રાજકોટમાં નવી એઈમ્સની સ્થાપના બાદ વિવિધ ફેકલ્ટી અને નોન ફેકલ્ટી પદો પર લગભગ ૫૦૦૦થી વધુ લોકોને પ્રત્યક્ષ રોજગારી અને ૨૫,૦૦૦થી વધુ લોકોને અપ્રત્યક્ષ રોજગારી મળશે. એઈમ્સની સાથે શોપિંગ સેન્ટર, કેન્ટીન, હોટેલ, રેસ્ટોરન્ટ જેવી સુવિધાઓ અને સેવાઓને કારણે આસપાસનાં ક્ષેત્રમાં પરોક્ષ રીતે રોજગારી ઉત્પન્ન થશે. રાજકોટની ભાગોળે એઈમ્સ નિર્માણ શરૂ થતા ખંઢેરી અને આસપાસના ગામો માટે ધંધો-રોજગારનાં દ્વાર ખૂલવાના છે. એઈમ્સના કારણે રોજગારીની વિપુલ તકોનું નિર્માણ થશે ઉપરાંત મેડિકલ અને સર્જિકલની નવી ઈન્ડસ્ટ્રીઝને વેગ મળશે. ખંઢેરીથી આસપાસનાં ૫૦ કિમીના વિસ્તારમાં જમીનનો ભાવ વધવાની શકયતા ઉપરાંત ટ્રાન્સપોર્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ તથા રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રીઝ સહિતની તમામ ઔદ્યોગિક ક્ષેત્રને એક નવો વેગ એઈમ્સની સ્થાપનાથી મળશે.

(3:17 pm IST)