Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ચૂંટણી ટાણે જ પાણીના ધાંધિયા : ફરિયાદો નિવારવા ટાસ્ક ફોર્સ

સેન્ટ્રલ ઝોનમાં નવી ડી.આઇ. પાઇપ લાઇન નંખાયા બાદ પાણીની ફરિયાદો વધી : જૂની પાઇપ લાઇનવાળા વિસ્તારમાં પણ ગંદુ અને ઓછું પાણી મળતું હોવાની બુમરાડ : ડે.કમિશનરના નેજા તળે વ્યવસ્થિત પાણી વિતરણ માટે ટીમની રચના

રાજકોટ તા. ૧૫ : મ.ન.પા.ની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ છે ત્યારે ભાજપ - કોંગ્રેસ - આપના ઉમેદવારો પાણીના મુદ્દે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આવા ખરા ટાણે'જ તંત્રની બેદરકારી છતી થઇ રહી હોય તેમ શહેરના અનેક વિસ્તારોમાં પાણીના ધાંધીયા શરૂ થતાં તંત્રવાહકોમાં જબરી દોડધામ મચી છે અને પાણીની આ ફરિયાદો નિવારવા ખાસ ટાસ્ક ફોર્સની રચના કરી છે.

છેલ્લા ૧ મહિનાથી સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં. ૧૪માં કેવડાવાડી, ગુંદાવાડી, મીલપરા વગેરે વિસ્તારમાં નવુ ડી.આઇ. પાઇપલાઇનનું નેટવર્ક શરૂ કરાયું છે. જેમાં ટેસ્ટીંગ દરમિયાન પાણીની લાઇનો તૂટવાના તથા ગમે-તે સમયે પાણી વિતરણ થવું, અત્યંત ઓછા ફોર્સથી પાણી મળવું, નવી ડી.આઇ. પાઇપ લાઇનનું કનેકશન મેળવવામાં મુશ્કેલી સહિતની ફરિયાદોનો ધોધ વછુટયો છે.

આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં જુની પાઇપ લાઇનો તૂટવાથી ઓચિંતો જાહેર કર્યા વગરનો પાણીકાપ ઝીંકી દેવાની ફરિયાદો પણ રોજીંદી બની છે.

હજુ બે દિવસ અગાઉ જ ન્યુ રાજકોટના વોર્ડ નં. ૧, ૯, ૨ સહિતના વિસ્તારોમાં પાણીની લાઇન તૂટવાના કિસ્સામાં તંત્રએ કયાંક પાણીકાપ ઝીંકી દેવાયો હતો તો કયાંક ૪ થી ૫ કલાક મોડુ અને ઓછા ફોર્સથી પાણી અપાતા વિસ્તારવાસીઓમાં જબરો દેકારો બોલી ગયો હતો.

આમ, ચૂંટણી વખતે જ પાણીના ધાંધિયા શરૂ થતાં ચિંતીત બનેલા તંત્રવાહકોએ તાત્કાલિક અસરથી પાણીની ફરિયાદોનો ઝડપી નિકાલ કરવા માટે ડે.કમિશનરના નેજા તળે ઇજનેરોના ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સ પાણી અંગે મળતી લાઇન લીકેજ, ગંદુ પાણી, ઓછો ફોર્સ, ભૂતિયા, નળ કનેકશનો, ડાયરેકટ પમ્પીંગ સહિતની ફરિયાદોનો ઝડપી ઉકેલ લાવવા પ્રયાસો કરી રહેલ છે.

(3:17 pm IST)