Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

રાત્રીના ૧૨ સુધી બહાર રહી શકશોઃ એ પછી પોલીસ કર્ફયુનું કડક પાલન કરાવશે

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામુ રિન્‍યુ કર્યુ

રાજકોટ તા. ૧૬: કોરોના મહામારી અંતર્ગત રાજ્‍યના અમુક શહેરોમાં રાત્રી કર્ફયુ અમલી બનાવાયો છે. ગઇકાલે કર્ફયુની અગાઉની મુદ્દત પુરી થતાં ફરીથી રાજ્‍ય સરકારના ગૃહ મંત્રાલયે આગામી ૨૮મી સુધી રાત્રી કર્ફયુ લંબાવ્‍યો છે. જો કે અગાઉ રાતે ૧૧ થી સવારના ૬ સુધી કર્ફયુની મુદ્દત હતી. તેમાં છુટછાટ આપી હવે રાત્રીના ૧૨ થી સવારના ૬નો સમય નક્કી કરાયો છે. આથી શહેરીજનો હવે રાતના બાર વાગ્‍યા સુધી ઘર બહાર રહી શકશે. એ પછી  જો કારણ વગર કોઇ બહાર મળશે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે જાહેરનામુ રીન્‍યુ કરી આ કાયદાનો અમલ કરવા શહેરીજનોને અપીલ કરી છે. જાહેરનામાનો ભંગ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી અગાઉની જેમ જ કરવામાં આવશે. જેમને કર્ફયુમાંથી મુક્‍તિ અપાઇ છે એ તમામને આ જાહેરનામુ લાગુ પડતું નથી.

(11:50 am IST)