Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

નાના મવા રોડ પર રોયલ એલેન્ઝાના પહેલા માળે બ્યુટી પાર્લરમાં તોડફોડથી ૨૮ લાખનું નુકસાનઃ ભાડૂઆત યુવતિની ફરિયાદ

લોકડાઉનમાં પાર્લર બંધ રહેતાં ત્રણ માસનું ભાડુ ચડત થતાં હોલના માલિક વિકંલ પરસાણાએ અપમાનિત કર્યાનો આરોપઃ એટ્રોસીટી : પહેલા ૧ાા લાખના માસિક ભાડાથી ત્રણ વર્ષનો કરાર કર્યો'તોઃ પછી ૨ લાખના ભાડાનો બે વર્ષ માટે નવો કરાર કર્યો'તોઃ માલિકે પાર્લર બંધ કરાવી પોતાના તાળા લગાવી દીધા અને અંદરથી ડોકયુમેન્ટ પણ લઇ લીધાની ફરિયાદઃ માલવીયાનગર પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૬: નાના મવા રોડ પર આવેલા કોમ્પલેક્ષમાં ભાડાથી બ્યુટી પાર્લર ચલાવતી યુવતિ લોકડાઉનમાં પાર્લર બંધ હોઇ ત્રણ મહિનાનું ભાડુ ન ચુકવી શકતાં જગ્યાના માલિકે પાર્લર બંધ કરાવી પોતાના તાળા લગાવી દઇ તેમજ પાર્લર સંચાલિકાએ અંદર ફીટ કરાવેલા ફર્નિચર, પ્લમ્બીંગ, લાઇટીંગ, પીઓપીમાં તોડફોડ કરી ૨૮ લાખનું નુકસાન કરતાં તેમજ સંચાલિકાને અપમાનીત કરી ગાળો દેતાં એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

આ બારામાં માલવીયાનગર પોલીસે રાજકોટના કુવાડવા તાબેના સાયપર ગામે  ડો. આંબેડકર હોલની બાજુમાં રહેતાં અને બ્યુટી પાર્લરનું કામ કરતાં સેજલબેન પંકજભાઇ ચાવડા (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી વિંકલ હસમુખભાઇ પરસાણા (રહે. રાજકોટ) વિરૂધ્ધ આઇપીસી ૪૨૭, ૫૦૪ તથા એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.

સેજલબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા પતિથી સાત મહિનાથી અલગ રહુ છું. હાલમાં સાયપર માતા-પિતા-ભાઇ-બહેનો સાથે રહુ છું. વર્ષ ૨૦૧૯માં મેં રાજકોટના નાના મવા રોડ પર રોયલ એલેન્ઝા નામના બિલ્ડીંગમાં પહેલા માળે આવેલો હોલ મેં હસમુખભાઇ પરસાણા પાસેથી રૂ. ૧ાા લાખના માસિક ભાડાથી ત્રણ વર્ષ માટે રાખ્યો હતો. આ માટે અમે ત્રણ વર્ષના નોટરાઇઝ ભાડા કરાર પણ કરાવ્યા હતાં. આ હોલમાં મેં મેઝીક સિઝરના નામે બ્યુટી પાર્લર ચાલુ કર્યુ હતું.

લાંબા સમયનો ભાડા કરાર હોવાથી મેં આ હોલમાં ફર્નિચર, પીઓપી તથા લાઇટી ફિટીંગ અને પ્લમ્બીંગ કામ કરાવતાં કુલ રૂ. ૨૮ લાખનો ખર્ચ થયો હતો. હું સમયસર ભાડુ ચુકવતી હતી. જુન-૨૦૨૦માં જગ્યાના માલિક હસમુખભાઇએ મને કહેલું કે મેં બધુ મારા દિકરાના નામે કરી દીધું છે. જેથી હવે ભાડા કરારમાં ફેરફાર કરવાનો છે. મારા દિકરા વિંકલ પરસાણા સાથે ફરીથી તમારે નવો ભાડા કરાર કરાવવો પડશે. જેથી મેં હસમુખભાઇના દિકરા વિંકલભાઇ પરસાણા સાથે તા. ૧૯/૬/૨૦ના રોજ ફરીથી નવો નોટરાઇઝ ભાડા કરાર માસિક રૂ. ૨,૦૦,૦૦૦ (બે લાખ) બે વર્ષ માટે કર્યો હતો.

લોકડાઉનનને કારણે પાર્લર બંધ હોઇ મારી આર્થિક પરિસ્થિતિ ખરાબ હોઇ નવા ભાડા કરાર મુજબ હું ભાડુ ચુકવી શકી નહોતી. જેથી વિંકલભાઇએ મારું પાર્લર બંધ કરાવી દીધું હતું. એ પછી તેણે મારા પાર્લરના તાળા તોડી તેના તાળા મારી દીધા હતાં. ૭/૨/૨૧ના બપોરેના બાર સાડાબારે હું મારા આ પાર્લરે મારી બહેનપણી વૈશાલી બારૈયા સાથે જતાં ત્યાં તાળા મારેલા અને બારી ખુલ્લી દેખાઇ હતી.

બારીમાંથી મેં જોતાં મેં અંદર કરાવેલુ ફર્નિચર, પીઓપી, પ્લમ્બીંગ અને લાઇટ ફિટીંગ કરાવ્યું હતું તેમાં તોડફોડ કરી  રૂ. ૨૮ લાખનું નુકસાન કર્યાનું જણાયું હતું.    પાર્લરમાં મારું આધારકાર્ડ, પાન કાર્ડ, જીએસટી સર્ટિફિકેટ, ભાડા કરાર પણ રાખેલા હતાં. પાર્લરના માલિક વિંકલભાઇ આવી જતાં મં તેઓને કહ્યું હતું કે  'મારું ત્રણ મહિનાનું ભાડુ ૬ લાખ બાકી છે, પણ તમે ૨૮ લાખનું નુકસાન કેમ કર્યુ છે? મારા ડોકયુમેન્ટ કયાં છે?' તેમ પુછતાં વિંકલભાઇએ કહેલું કે મારે ભાડાના રૂપિયા વસુલ કરવા છે, મેં તારો સામાન તોડી ફોડી મારા રૂપિયા વસુલી લીધા છે. તારા ડોકયુમેન્ટ તને નહિ મળે તેમ કહી ગાળો દીધી હતી. તેમજ તારા જેટલા હોય એટલા ભેગા કરી લેજે...તેમ કહી જ્ઞાતિ પ્રત્યે મને અપમાનીત કરી હતી.

જે તે વખતે સમાધાનની વાત થઇ હોઇ ફરિયાદ કરી નહોતી. પણ સમાધાન ન થતાં અંતે ફરિયાદ કરવી પડી છે. તેમ વધુમાં સેજલબેને જણાવતાં માલવીયાનગરના એએસઆઇ જી. વાય. પંડ્યાએ ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે.

(12:53 pm IST)