Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

કોર્પોરેશન ચૂંટણી : ૨૦-૨૧ બે દિવસ વીજ સ્ટાફને રાઉન્ડ ધ કલોક ડયુટી

દરેક સબ ડિવીઝન થઇને કુલ ૩૮ જેટલી ગાડી પોતાના વિસ્તારના બૂથો આસપાસ ખાસ ફરતી રહેશે : શનિ-રવિ બંને દિવસ દરેક સબ-ડિવીઝનમાં હેલ્પરથી ડે.ઇજનેર કક્ષાનો સ્ટાફ સવારે ૬થી રાત્રે ૯ સુધી ખાસ હાજર રહેશે : અમુક બુથો આસપાસ જરૂર પડયે ટ્રાન્સફોર્મર - જમ્પર - ડીઓ રીપેર કરી લેવા સૂચના : રાજકોટને વીજળી પૂરી પાડતા તમામ સબ સ્ટેશનો અંગે જેટકો દ્વારા પણ એલર્ટ કાર્યવાહી

રાજકોટ તા. ૧૬ : રાજકોટ મહાનગરપાલિકાના ૧૮ વોર્ડની ૭૨ બેઠકોની ચૂંટણી આગામી રવિવારે થનાર છે, તે સંદર્ભે, વહિવટી તંત્ર અંતિમ તૈયારીઓ કરી રહ્યું છે, પરંતુ રાજકોટના ૯૯૧ બૂથો અને તે મકાન - બિલ્ડીંગ - મતદાન મથકમાં તા. ૨૦ અને ૨૧ એમ સતત બે દિવસ વીજપુરવઠો જળવાઇ રહે તે અંગે રાજકોટ વીજ તંત્રે પણ તૈયારી કરી લીધી છે.

રાજકોટ વીજ તંત્રના અધિકારી સૂત્રોના કહેવા મુજબ મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભે આગામી ૨૦-૨૧ એમ બે દિવસ તમામ ૯૯૧ મતદાન મથકો ઉપર વીજ પુરવઠો જળવાઇ રહે, કોઇ ફોલ્ટ સર્જાય, ફીડર ટ્રીપ થાય, જમ્પર ઉડે, ટ્રાન્સફોર્મરમાં ધડાકા થાય, વાયરો તૂટે કે અન્ય કોઇ કારણસર લાઇટો ગૂલ થાય અને મતદાન મથકમાં અંધારા છવાય, મતદાન અટકી પડે એવું ન થાય તે સંદર્ભે દરેક વીજ સબ ડિવીઝનમાં ૨૦-૨૧ એમ બે દિવસ રાઉન્ડ ધ કલોક ડયુટીના આદેશો કરાયા છે.

રાજકોટમાં કુલ ૧૯ જેટલા વીજ સબડિવીઝન આવેલા છે, આ તમામ સબ ડિવીઝનમાં ૨૦-૨૧ બે દિવસ સવારે ૬થી રાત્રીના ૯ સુધી રાઉન્ડ ધ કલોક હેલ્પરથી માંડી ડે.ઇજનેર કક્ષાનો સ્ટાફ ખાસ ખડે પગે રહેશે, તો ત્રણેય ડિવીઝનમાં ખાસ કન્ટ્રોલ રૂમ પણ રહેશે. આ માટે દરેક સબ ડિવીઝનના ડે.ઇજનેરોને પોતાના સ્ટાફની ડયુટી ગોઠવી લેવા અને રીપોર્ટ કરવા આદેશો કરાયા છે.

અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ ઉપરાંત દરેક સબ ડિવીઝનની બે-બે ગાડી થઇને કુલ ૩૫ થી ૩૮ જેટલી વીજ ફોલ્ટ દુર કરતી ગાડીઓ તેમના વિસ્તારના બૂથો આસપાસ ખાસ ફરતી રહેશે, દરેક સબ ડિવીઝનની બે-બે થઇને કુલ ૩૫ થી ૩૮ ટીમોનો સ્ટાફ પણ ખાસ એલર્ટ રહેશે.

રાજકોટ સીટી સર્કલ ચીફ ઇજનેરશ્રી પુજારાએ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મતદાન સંદર્ભે દરેક સબ ડિવીઝનના ડે.ઇજનેરને પાવર એલર્ટ અંગે હાલ જનરલ સૂચના અપાઇ છે, પરંતુ તા. ૧૮મીએ ખાસ વિશેષ આદેશો કરી દેવાશે.

અત્રે એ નોંધનીય છે કે અમુક વીજ સબ ડિવીઝન વિસ્તારમાં વીજ પાવરમાં ઘણી વખત લો-હાઇવોલ્ટેજની સમસ્યા ઉભી થાય છે, આવું ૨૦-૨૧માં નો બને એટલા માટે જરૂર હોય ત્યાં ટ્રાન્સફોર્મરો  - જમ્પર - ડીઓ - વીજ વાયર રીપેર કરી લેવા સૂચના અપાઇ છે, તો જેટકો દ્વારા રાજકોટને વીજળી પુરી પાડતા તમામ ૬૬ કે.વી. સબ સ્ટેશનમાં પણ એલર્ટ કાર્યવાહી હાથ ધરાઇ છે.

(3:04 pm IST)