Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

વૈશાખ મહીનાના લગ્નગાળામાં તંત્રની નિર્દયતા

ચાર કોમ્યુનિટી હોલના બુકીંગ રદ્દ : કોંગ્રેસની ઉગ્ર રજૂઆત

અવંતિબાઇ લોધી હોલ, પૂ. રણછોડદાસબાપુ હોલ, મહારાણા પ્રતાપ હોલ અને ડો. આંબેડકરનગરના હોલના મે મહિનાના બુકીંગ છેલ્લી ઘડીએ રદ્દ થતાં અનેક પ્રસંગો રઝળી પડયા

કોંગ્રેસના ઉમેદવારો પ્રચાર પડતો મુકી રજૂઆત માટે દોડયાઃ શહેરમાં એકી સાથે ૪-૪ કોમ્યુનિટી હોલના બુકીંગ તંત્રવાહકો રદ્દ કરતા કોંગ્રેસના રણજીત મુંધવા, કેતન ઝરીયાએ આ મુદ્દે ડે. મ્યુ. કમિશનરને રજૂઆત કરી હતી તે વખતની તસ્વીર.

રાજકોટ તા. ૧૬ : આગામી વૈશાખ મહીનામાં એટલે કે મે મહિનામાં જ્યારે લગ્નગાળાની સીઝન ભરપૂર હોય છે તેવા વખતે જ એક સાથે ચાર-ચાર કોમ્યુનિટી હોલના બુકીંગ તંત્રવાહકોએ નિર્દયતાપૂર્વક રદ્દ કરી નાંખતા અનેકના લગ્ન પ્રસંગો રઝળી પડતા આવા પરિવારોમાં છેલ્લી ઘડીએ દોડધામ મચી છે અને તંત્ર સામે રોષ પણ ફેલાયો છે ત્યારે વોર્ડ નં. ૭ના કોંગ્રેસના ઉમેદવારો રણજીત મુંધવા અને કેતન ઝરીયાએ ચૂંટણી પ્રચાર પડતો મુકી અને છેલ્લી ઘડીએ રદ્દ કરેલા બુકીંગ યથાવત રાખવા અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા ડે. કમિશનરને રજૂઆતો કરી હતી.

આ અંગેની વિગતો મુજબ શહેરના અવંતિબાઇ લોધી હોલ જે વિજય પ્લોટમાં આવેલ છે. તેમાં આગામી તા. ૧૫ માર્ચથી મે સુધીના બુકીંગ રદ્દ કરી નંખાતા ૨૨, ૨૩, ૨૫, ૭ મે જ્યારે વૈશાખ મહીનાનો લગ્નગાળો હોય તેવા વખતે જ લોકો પાસેથી કોમ્યુનિટી હોલની સુવિધા છિનવાઇ જશે.

આથી આજે વોર્ડ નં. ૭ના કોંગ્રેસના લડાયક ઉમેદવારો રણજીત મુંધવા, કેતન ઝરિયાએ હોલ બુકીંગ માટેના અરજદારોને સાથે રાખી ચૂંટણી પ્રચાર પડતો મુકી ડે. કમિશનરને આવેદનપત્ર પાઠવી અને હોલ બુકીંગ રદ્દ કરવાનો હુકમ પાછો ખેંચવા અને બુકીંગની વ્યવસ્થા ચાલુ કરાવવા ઉગ્ર માંગ ઉઠાવી હતી.

આ ઉપરાંત આનંદનગર, પારડી હોલ પર આવેલ પૂ. રણછોડદાસજી કોમ્યુનિટી હોલ, મહારાણા પ્રતાપ અને ડો. આંબેડકરનગર એમ ૪-૪ હોલના તા. ૨૦-૨૧ના બુકીંગ રદ્દ થતાં અનેક પરિવારોના પ્રસંગો પણ રઝળી પડયા હતા તે અત્રે નોંધનીય છે.

આરોગ્ય કેન્દ્રનું રિનોવેશન અને ચૂંટણી માટે બુકીંગ રદ્દ થયા : તંત્રની સ્પષ્ટતા

રાજકોટ : અવંતિબાઇ લોધી, પૂ. રણછોડદાસ બાપુ, મહારાણા પ્રતાપ અને ડો. આંબેડકરનગર એમ ૪-૪ હોલનાં બુકીંગ એકાએક રદ્દ કરવા પાછળનું કારણ દર્શાવતા જવાબદાર અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું કે, વિજય પ્લોટ આરોગ્ય કેન્દ્રનું રિનોવેશન થતું હોય તેનું સ્થળાંતર તથા મતગણતરી કેન્દ્ર માટે આ ૪ હોલમાં બુકીંગ રદ્દ કરવા પડયા છે. જેમાં અરજદારોનો સહયોગ મળી રહ્યો છે.

(3:03 pm IST)