Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ગુમ થયેલા ચેકમાં રૂ. ૪૭ લાખ ભરીને બેંકમાં રજૂ કરતાં પોલીસમાં ફરિયાદ અરજી

રાજકોટ તા. ૧૬: ગુમ થયેલા ચેકમાં રૂપિયા સુડતાલીસ લાખ ભરી બેંકમાં રજુ કરી ગુનો કરતાં બેંક તરફથી જાણ થતા પોલીસમાં ફરિયાદ અરજી કરવામાં આવેલ છે.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે ફરીયાદી મયુરભાઇ વિનોદભાઇ રાચ્છ કે જેઓ નવાગામ મુકામે દેવ કોકોનટના નામથી ગોળ અને શ્રીફળનો હોલસેલનો વેપાર ધંધો કરતા હોય અને આરોપી પ્રકાશભાઇ ચંદુલાલ ઠકકર (આર. પી. ટ્રેડર્સ) જેઓ રાજકોટ તથા કોડીનાર મુકામે કમીશન એજન્ટનો ધંધો કરતા હોય અને સારા સબંધો ફરીયાદી સાથે કેળવી અને ફરીયાદીની દુકાનના સરનામે ઉઠક બેઠક રાખતા હોય અને તેઓએ ફરીયાદી મયુરભાઇ વિનોદભાઇ રાચ્છની ગેરહાજરીનો લાભ લઇ દુકાનમાંથી સહી કરેલો ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લીમીટેડ, રણછોડનગર, રાજકોટ શાખાનો ચેક મેળવી અને તેમાં ફરીયાદીની જાણ બહાર રૂપિયા સુડતાલીસ લાખ જેવી માતબાર રકમ ભરી અને તે ચેક વટાવવા બેંકમાં રજુ કરેલ.

આવડી મોટી રકમ કયારેય ફરીયાદીના ખાતામાં આવેલ ન હોય તેથી બેંકે આ અંગે ફરીયાદીને ફોનથી જાણ કરતા તાત્કાલીક ફરીયાદી બેંકમાં રૂબરૂ જઇ તપાસ કરતા પ્રકાશભાઇ ચંદુલાલ ઠકકરે સદરહું ચેક રજુ કરેલ હોવાનું જાણ થતા પ્રથમ તો બેંકને લેખીત સ્ટોપ પેમેન્ટનું લખાણ કરી અને રકમ ન ચુકવવા જણાવેલ અને ત્યારબાદ તે અંગે પોલીસ કમિશ્નરશ્રી રાજકોટને લેખીત ફરીયાદ કરી અને ચેકની ચોરી કરી અને માતબાર રકમ ભરી રકમ ઓળવી જવા પ્રયત્ન કરેલ હોવાનું જણાવેલ છે. તેમજ તે સિવાય અન્ય ચેકો પણ ગુમ થયેલ હોવાની ફરીયાદ કરેલ છે. આ અંગે તપાસ અર્થે ફરીયાદ કુવાડવા પોલીસ સ્ટેશનમાં હાલ મોકલવામાં આવેલ હોય અને તપાસનીસ અધિકારી ગંભીરતાથી કાર્યવાહી હાથ ધરેલ છે. આ કામમાં ફરીયાદી તરફે જતીન ડી. કારીયા એડવોકેટ રોકાયેલ છે.

(3:05 pm IST)