Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

સદગુરૂ દેવ પુ.પારસમુનિ મ.સા.નો આજે ૪૨માં વર્ષમાં પ્રવેશ : સંયમ પર્યાયને પણ ૨૩ વર્ષ પુર્ણ

વસંત પંચમીના સંયમ સ્વીકારી ગુરૂદેવ જગદીશમુનિના ચરણોમાં જીવન સમર્પિત કરેલ

રાજકોટ : ગોંડલ સંપ્રદાયનાં મહામંત્ર પ્રભાવક પુ.ગુરૂદેવ શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબના કૃપાપાત્ર સુશિષ્ય સદગુરૂદેવ પુ.શ્રી.પારસમુનિ મહારાજ સાહેબનો આજે વસંતપંચમીના ૨૪મી દીક્ષા જયંતીનો અવસર છે. સાથોસાથ તેઓ આજે તા.૧૬ના રોજ ૪૨માં વર્ષમાં પણ પ્રવેશ કરી રહ્યા હોય ભાવિકોમાં ખુશી બેવડાઇ છે.

સદગુરૂદેવ પુ.શ્રી પારસમુનિ મહારાજ સાહેબનું મુળ વતન રાજકોટથી કાલાવડ (શિતલા) જતા ૩૦ કીમી પર નિકાવા ગામ આવે છે. રત્નકુક્ષિણી માતા ઇન્દુબેન તથા પુણ્યશાળી પિતા જયંતિભાઇ મહેતા, દાદા ભાઇચંદભાઇ ડાયાભાઇ મહેતા, નાના ભગવાનજી રૂપશી પટેલ સરપદડ, જન્મનું સંસારી નામ પારસ રાખવામાં આવ્યુ. જન્મ સમયે નાળ મસ્તક પર સર્પાકાર વીંટળાયેલી હતી. જન્મ ૧૬-૦૨-૧૯૭૯માં બે નાનાભાઇ મિલન તથા કૌશિક. ગોંડલ સંપ્રદાયના પારસમૈયા પુ.રંભાબાઇ મહાસતીજીના સુશિષ્યા પુ.વસંતબાઇ મહાસતીજીના શિષ્યા પુ.જયોત્સનાબાઇ મહાસતીજી (સંસાર પક્ષે માસીસ્વામી) અને પુ.કાંતાબાઇ મહાસતીજીના સુશિષ્યા પુ.ઉષા વીણાબાઇ મહાસતીજીના શિષ્યા પુ.જાગૃતિબાઇ મહાસતીજી (સંસારપક્ષે મોટાબેન સ્વામી) થાય છે.

સદગુરૂદેવને વૈરાગ્ય પ્રગટીકરણ ૧૯૯૬માં પુ.પ્રફુલ્લાબાઇ મહાસતીજીની પ્રેરણાથી થયેલ. તા.૧-ર-૧૯૯૮ના નિકાવા ગામમાં ભવ્યાતિભવ્ય દીક્ષા યોજાયેલ.

મહામંત્ર પ્રભાવક પુ.ગુરૂદેવ શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબની પરમ પાવન કૃપાથી તેમના ચરણમાં સમર્પિત બની સાધના આરાધના દ્વારા સંયમ જીવનને સફળ બનાવવા રહ્યા સ્પષ્ટ અને સત્ય વકતા છે.૩૨ આગમ, પાંચકર્મ ગ્રંથ ૧૨૫ થોકડા, તત્વાર્થાભિગમ સુત્ર, પ્રાકૃત વિજ્ઞાન પાઠમાળા, સંસ્કૃત મન્દિરાન્ત પ્રવેશિકા, પ્રમાણનય તત્વાલોક, ષડદર્શન સુમચ્ચય, સ્પાદવાદ મંજરી,વિદૂરનિતી, ચાણકયનિતિ, ભર્તુહરિ વૈરાગ્ય શતક આદિ આગમ ગ્રંથોનો ધાર્મિક અભ્યાસ કર્યો.

સંસ્કૃત મન્દિરાન્ત પ્રવેશિકાની ગાઇડ, ઘરને ઘર રહેવા દો, માં એ જ મહાશકિત, હસ્તુ જીવન હસ્તુ મરણ પુસ્તકનું સંપાદન કર્યુ હતુ.

પુ.સદગુરૂને ૨૦૦૪ની સાલથી ચા, દુધ, કોફી, મિઠાઇ, દાળ-ભાત, કેરીનો આજીવન ત્યાગ છે. ૨૦૧૬થી મગના આજીવન ત્યાગ કરેલ છે. જયારે તા. ૨૧-૧-૨૦૨૧થી અનાજ અને ફરસાણ અને ગરમશાલ વગેરે ઓઢવાનો પણ કાયમી ત્યાગ છે. ગુરૂદેવને પુછતા ગુરૂદેવ કહે કે શુષ્ક ગોચરી પુષ્ટ સંયમ.

મહારાષ્ટ્રના મનોરના જંગલ વિસ્તારોમાં આદિવાસી લોકોના બાળકોને સમજાવી માંસાહાર છોડાવી, હિંસાચાર છોડાવવાનું કાર્ય ૨૦૦૯ પુ.ગુરૂદેવ ઓમ યુવા ગૃપના ભાઇઓ બહેનોના માધ્યમથી કરી રહ્યા છે. ૫૦૦૦ થી વધુ બાળકો આજે પણ નવકાર મંત્ર બોલીને જમે છે. સ્કુલો અને આશ્રમ શાળાઓમાં માંસાહાર પુ.ગુરૂદેવની પ્રેરણાથી સદંતર બંધ કરવામાં આવ્યો. સદગુરૂ સ્વયં આશ્રમશાળાઓમાં આદિવાસી બાળકો સાથે રહી તેમની પરિસ્થિતી જાણે છે અને તેની દુઃખદ પરિસ્થિતિ દૂર કરવા બાળકોને પ્રેરીત કરે છે.

પુજય ગુરૂદેવ જગદીશમુનિ મહારાજ સાહેબની કૃપા પ્રેરણાથી ૭ વર્ષ સુધી દર વર્ષે મૌન એકાંત ધ્યાન સાધના કરી પૂજય હસમુખમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી તા.૬-૬-૧૭ થી છ મહિના સુધી અખંડ મૌન જપ તપ ધ્યાન સાધના કરી હમણાં જ શ્રી જંગલીદાસ મહારાજની પ્રેરણાથી તા.૧-૧૨-૨૦૨૦ થી તા.૨૧-૧-૨૧ સુધી ૫૧ દિવસની સાધના કરેલ તેમાં ૩૧ ઉપવાસ, ૨૦ એકાસણા (જેમાં સળંગ ૧૧ ઉપવાસ) રોજ ૭ કલાકની ધ્યાન સાધના છેલ્લા દિવસે ૧૨ કલાકની ધ્યાનસાધના કરેલ.સદગુરૂદેવ સમીપે રડતો આવનાર હસતો પાછો ફરે છે. કયારેય મારા તારાનો ભેદ નહિ, શ્રીમંત કે ગરીબનો તફાવત નહી સદાય પ્રસન્ન અને પાસે જનારને પણ પ્રસન્ન બનાવી દે છે.

પુ.સદગુરૂદેવ દીક્ષા જયંતી કે જન્મદિન ઉજવતા નથી. ગુરૂદેવ કહે છે કે મહાપુરૂષોની જયંતીઓ ઉજવાય આપણે તેવુ સ્વ-પર કલ્યાણ શું કર્યુ? આવી તો પુ.સદગુરૂદેવની લઘુતા છે. ખરેખર કોઇએ સાચુ જ કહ્યુ છે, કે લઘુતામાં જ ગુરૂતા વસે છે. આવા સાચા સદગુરૂનું શરણ સ્વીકારી સ્વયંના આત્માને તારીએ.સદગુરૂદેવનું જીવન વિશેષ નિર્મળ, ત્યાગ પ્રધાન, ચરિત્રવાન અને હૃદયને સ્પર્શ કરાવવાવાળુ સરળ છે. જે સિધ્ધ પુરૂષસમ દેખાય છે. જેની પરમ પ્રસન્ન મુખમુદ્રા તેજોમય લલાટ, સકારાત્મક ઉર્જાવાન આભા, પ્રેમ વાત્સલ્યમય વાણી અંતરમનને સ્પર્શ કરનારી છે.

(3:08 pm IST)