Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ક્રાઇમ બ્રાંચે ગોંડલ રોડના નુરાનીપરામાંથી પોણા ત્રણ લાખનો દારૂ ભરેલી બોલેરો પકડી

ચૂંટણીના સમયમાં બૂટલેગરો પર ધોંસ બોલાવવાની સુચના અંતર્ગત કાર્યવાહી : કુલ ૬,૩૩,૨૦૦નો મુદ્દામાલ કબ્જેઃ જુનાગઢ પાસીંગની ગાડીના ચાલક-માલિકની શોધખોળઃ એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એચ. બી. ધાંધલ્યાની ટીમને સફળતા : હેડકોન્સ. રાજેશભાઇ બાળા, સુભાષભાઇ ઘોઘારી, સિધ્ધરાજસિંહ જાડેજા, શકિતસિંહ ગોહિલની બાતમી

રાજકોટ તા. ૧૬: મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત શહેર  જીલ્લા તાલુકામાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને દેશી વિદેશી દારૂની પ્રવૃતિ નેસ્તનાબુદ થાય તેવી કામગીરી કરવા ઉપરી અધિકારીઓએ આપેલી સુચના અંતર્ગત શહેર ક્રાઇમ બ્રાંચની ટીમે ચોક્કસ બાતમી પરથી ગોંડલ રોડના નુરાનીપરામાં દરોડો પાડી જુનાગઢ પાસીંગની બોલેરોમાં ભરેલો રૂ. ૨,૮૩,૨૦૦નો વિદેશી દારૂ પકડી લીધો છે. ગાડી મળી કુલ રૂ. ૬,૩૩,૨૦૦નો મુદ્દામાલ કબ્જેક રાયો છે. ગાડીના નંબરને આધારે તેના માલિક, ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

શહેરમાં તહેવારો કે ચૂંટણીના માહોલ વખતે બૂટલેગરો વધુ સક્રિય થઇ જતાં હોય છે. પોલીસ પણ આવા સમયે વધુ સચેત બની દરોડા પાડી લાખોનો દારૂ ઝડપી લઇ બૂટલેગરોને સાણસામાં લેતી હોય છે. હાલમાં ચૂંટણીના માહોલમાં દારૂની રેલમછેલ ન થાય તે માટે શહેર પોલીસ સતત એલર્ટ છે. દરમિયાન ગોંડલ રોડ પર નુરાનીપરામાં દારૂનો જથ્થો ભરેલી એક બોલેરો પીકઅપ ગાડી જીજે૧૧ટીટી-૬૪૭૫ આવી હોવાની પાક્કી બાતમી ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. રાજેશભાઇ બાળા, સુભાષભાઇ ઘોઘારી, સિધ્ધરાજસિંહ જાડેજા અને કોન્સ. શકિતસિંહ ગોહિલને મળતાં પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા અને ટીમે દરોડો પાડ્યો હતો.

બાતમી મુજબની ગાડી તો મળી હતી પણ તેનો ચાલક ભાગી ગયો હતો. પોલીસે તપાસ કરતાં આ ગાડીમાં મેકડોવેલ્સ નં. ૧ વ્હીસ્કીની રૂ. ૨,૫૨,૦૦૦ની ૬૭૨ બોટલો, રોયલ ચેલેન્જ વ્હીસ્કીની રૂ. ૩૧૨૦૦ની  ૬૦ બોટલ મળી કુલ રૂ. ૨,૮૩,૨૦૦નો દારૂ મળતાં તે તથા ૩ાા લાખની બોલેરો ગાડી કબ્જે કરવામાં આવી હતી. આ ગાડીમાંથી અહિ દારૂનું કટીંગ થાય એ પહેલા જ ક્રાઇમ બ્રાંચ ત્રાટકતાં ચાલક ગાડી મુકી ધૂમ્મસનો લાભ લઇ ભાગી ગયો હતો. રાજકોટના જ કોઇ બૂટલેગરે આ દારૂ મંગાવ્યાની શકયતાએ વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા, રાજેશભાઇ બાળા, રઘુવીરસિંહ વાળા, સિધ્ધરાજસિંહ જાડેજા, સુભાષભાઇ ઘોઘારી, પ્રદિપસિંહ જાડેજા, અશોકભાઇ ડાંગર અને શકિતસિંહ ગોહિલે આ કામગીરી કરી હતી.

તસ્વીરમાં પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા અને ટીમ તથા કબ્જે થયેલી બોલેરો પીકઅપ ગાડી અને દારૂનો જથ્થો જોઇ શકાય છે. આરોપી પકડાયા બાદ આ દારૂ કયાંથી આવ્યો અને કોને કોને આપવાનો હતો તેની વિગતો બહાર આવશે.

(3:09 pm IST)