Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

રાજકોટને મેગાસીટી બનાવવા ભાજપનો સંકલ્પ

યુવાનો-વડીલો-મહિલાઓ માટે ખાસ યોજનાઓઃ ફીટનેશ, સ્પોર્ટસ, વ્યાપાર-ઉદ્યોગોને પ્રોત્સાહન અપાશેઃ નવા વિસ્તારોમાં પાણી, લાઈટ, ગટર, આરોગ્ય કેન્દ્રો, બગીચાઓ સહિતની સુવિધાઓઃ નવુ ઓડીટોરીયમ અને ઈન્ડોર સ્ટેડીયમ બનાવાશેઃ સંકલ્પપત્ર જાહેર કરતા ભાજપના હોદેદારો અને પદાધિકારીઓ

સુવિધા તમારી સંકલ્પ અમારોઃ શહેર ભાજપના હોદેદારો-પદાધિકારીઓ દ્વારા મ.ન.પા.ની ચૂંટણીમાં મતદારો માટે સંકલ્પપત્ર (ચૂંટણી ઢંઢેરો) જાહેર કર્યો તે વખતની તસ્વીરમાં પ્રમુખ કમલેશ મીરાણી, ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ અગ્રણી નીતિન ભારદ્વાજ, ધારાસભ્યો અરવિંદ રૈયાણી, ગોવિંદભાઈ પટેલ, સૌરાષ્ટ્ર પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, મહામંત્રી કિશોર રાઠોડ, જીતુભાઈ કોઠારી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન કશ્યપભાઈ શુકલ, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, કમલેશભાઈ જોષીપુરા વગેરે નજરે પડે છે (તસ્વીરઃ સંદિપ બગથરિયા)

રાજકોટ, તા. ૧૬ :. આગામી ૨૧ ફેબ્રુઆરીએ યોજાનાર મહાનગરપાલિકાની ચૂંટણી માટે રાજકોટ ભાજપ દ્વારા શહેરની વિકાસયાત્રાને ઉત્તમથી સર્વોત્તમ અને સુંદરથી અતિ સુંદર બનાવવાનો સંકલ્પપત્ર આજે પત્રકાર પરિષદમાં જાહેર કરવામાં આવ્યો હતો. ભાજપ સંકલ્પપત્રમાં મહિલાઓ માટે આત્મનિર્ભર હાટ અને અલગ કન્વેન્શન, નવા ઓડીટોરીયમ, ઈન્ડોર સ્ટેડીયમ, શહેરમાં ભળેલા નવા વિસ્તારોનો સંપૂર્ણ વિકાસ સહિતની બાબતો જાહેર કરવામાં આવી હતી.

શહેર ભાજપ દ્વારા રાજકોટને આગામી પાંચ વર્ષમાં ઉત્તમથી સર્વોત્તમ બનાવવા માટે સંકલ્પપત્રનું વિમોચન કરવામાં આવ્યુ હતું.

આજે શહેર ભાજપ દ્વારા આગામી ચૂંટણી માટે જાહેર કરેલ સંકલ્પપત્રની વિસ્તૃત વિગતો માટે યોજાયેલ પત્રકાર પરિષદના પ્રારંભમાં ભાજપના સૌરાષ્ટ્ર ઝોનના મીડીયા ઈન્ચાર્જ રાજુભાઈ ધ્રુવએ સૌરાષ્ટ્ર મીડીયાના મિત્રોને આવકારીને કાર્યક્રમની ભૂમિકા રજૂ કરી હતી.

શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીએ જણાવ્યું કે રાજકોટ શહેરને આગામી પાંચ વર્ષોમાં વિકાસની કઇ દિશા તરફ લઇ જવાનું છે તેના માટે સંકલના પત્રની અહીં પ્રસ્તુતિકરણ કરવામાં આવેલ છે. મહાનગરપાલિકાના ભાજપના ૪૦ વર્ષના શાસન દરમિયાન રાજકોટની પ્રજાએ ભાજપને પ્રેમ અને હુંફ આપેલ છે. રાજકોટ હજુ મેગા સીટી તરફ સારી રીતે સુંદર બને તે માટે ભાજપનો અભિગમ રહેલ છે.

ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યું કે રાજકોટ શહેર વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૬ દરમિયાન કેવું સુંદર હશે તેનો સંકલ્પના પત્રની અહીં પ્રસ્તુતિકરણ કરવામાં આવેલ છે. કેન્દ્ર અને રાજય સરકારના તેમજ પ્રજાજનોના સહયોગથી રાજકોટ શહેરને વધુ સુવિધા મળે અને શહેર ઉત્ત્।મથી સર્વોત્ત્।મ બને તે અભિગમ સાથે અમે આગળ વધી રહ્યા છીએ.

તેમણે આ તકે રાજકોટ શહેરની સંકલ્પના પત્રમાં વિકાસ માટે કરાયેલ વિવિધ આયોજન જેવા કે આત્મ નિર્ભર સ્ત્રી શકિત, ઇન્ટરનેટ, જ્ઞાન સાથે ગમ્મતની ભેટ, રાજકોટ, યુથસ્પોટ, યુવાકોટ, વડીલ વંદના, સામાન્ય જન સુવિધા, નવા વિસ્તારોને નવી સુવિધા, કળા અને સંસ્કૃતિ, વેપાર-વાણિજય અને ઉધોગો, આરોગ્ય સેવા, ટ્રાફિક નિયમન, ફિટનેસ એન્ડ સ્પોર્ટસ, પર્યાવરણ વિગેરેની જાણકારી આપી હતી.

આ કાર્યક્રમમાં ગૂજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ,  અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય શહેર ભાજપ મહામંત્રીઓ જીતુભાઇ કોઠારી, કિશોરભાઇ રાઠોડ, (શિક્ષણ શાસ્ત્રી) ડો. કમલેશભાઇજોશીપુરા, ભાજપ અગ્રણી શ્રી કશ્યપભાઇ શુકલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

  • સંકલ્પના પત્રના વિવિધ મુદ્દાઓ
  1. મહિલાઓ માટે આત્મનિર્ભર હાટ અને અલગ કનવેંશન
  2. બાળકો માટે ટોય લાયબ્રેરીનો વિકાસ અને થીમ બેઈઝડ ચિલ્ડ્રન પાર્ક
  3. યુવાનો માટે યુવા વિકાસ સમિતિની ખાસ રચના અને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ માટે માર્ગદર્શન તેમજ વિદેશી ભાષાનાં વર્ગો શીખવતી શાળાઓ
  4. વૃદ્ધોને માટે લાયબ્રેરીમાં લાઈનને બદલે અગ્રતા, રસ્તાઓની સાઈડમાં અડચણ વગર ચાલી શકે એવી વ્યવસ્થા
  5. સામાન્યજન માટે પાણી, વીજળી, લાઈટ, રોડરસ્તા, પરિવહનની સુવિધાઓ અને આમ આદમીની આવકમાં વધારો કરતા સ્થળોનું નિર્માણ, અલગઅલગ વિસ્તારોમાં ૪ નવા ફૂડઝોન અને હેપીનેસ પાર્ક
  6. રાજકોટમાં ભળેલા નવા વિસ્તારોનો પણ સંપૂર્ણ વિકાસ
  7. શહેરની પાંચ મુખ્ય બજારોમાં ઓટોમેટિક વોટર મશિન, એક રૂપિયાનો સિક્કો નાખવાથી એક લિટર આલકાઈન પાણીની સુવિધા
  8. ઈમિટેશન જ્વલેરી પાર્કની રચના
  9. દરેક આરોગ્ય કેન્દ્રનું આધુનિકીકરણ, શહેરની -ત્યેક યુરિનલનું આધુનિકીકરણ, દરેક યુરિનલ નળ કનેકશનથી સજ્જ બનશે, દિવસમાં બે વખત તેની ફિનાઈલથી સફાઈ થશે
  10. શહેરનાં અલગઅલગ સ્થળે કુલ પાંચ નવા અંડરબ્રિજ - ફ્લાયઓવરનું આયોજન. જરૂર હોય તે રસ્તાઓ પહોળાં કરવામાં આવશે
  11. નવું ઈન્ડોર સ્ટેડિયમ. આ સ્ટેડિયમમાં બેડમિન્ટન, ટેબલટેનિસ જેવી રમતો માટે વ્યવસ્થા ઉભી કરાશે. ઈન્ડોર સ્ટેડિયમમાં નવું જિમ તથા યોગખંડ પણ બનશે
  12. શહેરમાં નવા ભળેલા વિસ્તારોમાં કુલ ત્રણ લાખ રોપાઓનું વૃક્ષારોપણ.
(3:51 pm IST)