Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

સિવિલ હોસ્પિટલમાં કોરોના રસીનો બીજો ડોઝ લેતાં તબિબી અધિક્ષક અને બીજા તબિબો, સ્ટાફઃ આજે ૧૦૦ને રસી અપાઇ

ડર રાખ્યા વગર અફવામાં દોરવાયા વગર તમામને રસી લેવા અનુરોધ કરાયો

રાજકોટ તા. ૧૬: કોરોના વાયરસથી સંક્રમતિ દર્દીઓના ડાયરેકટ સંપર્કમાં આવતાં સિવિલ અને ખાનગી હોસ્પિટલના તબિબો સહિતના સ્ટાફને કોરોના રસીનો પ્રથમ ડોઝ અગાઉ અપાયો હતો. આ કામગીરી હજુ પણ ચાલી રહી છે. દરમિયાન પ્રથમ ડોઝ જેમણે લઇ લીધો હોય તેવા તબિબો સહિતના સ્ટાફને કોરોના રસીનો બીજો ડોઝ આજે આપવામાં આવ્યો છે. રાજકોટ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ખાતે તબિબી અધિક્ષક ડો. પંકજ બુચ, પુર્વ ડીન ડો. ગોૈરવી ધ્રુવ તથા બીજા તબિબો અને નર્સિંગ સ્ટાફ સહિત ૧૦૦ને આજે રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. બપોરે આ કાર્યવાહી શરૂ થઇ હતી. બપોર બાદ એઇમ્સના અતુલ પંડ્યા સહિતના અધિકારીઓ તથા ખાનગી હોસ્પિટલના તબિબો પણ સિવિલ હોસ્પિટલ ખાતે આવી બીજો ડોઝ લેવા આવનાર હોવાનું હોસ્પિટલના સુત્રો મારફત જાણવા મળ્યું હતું. અગાઉ એક ડોઝ લઇ ચુકેલા સિવિલ હોસ્પિટલના તમામ તબિબો, કર્મચારીઓને બીજો ડોઝ આપવાની કાર્યવાહી આરએમઓ ડો. એમ. સી. ચાવડા, ડો. રોય સહિતના સ્ટાફે સંભાળી હતી. તસ્વીરમાં રસીનો બીજો ડોઝ લેતાં ડો. પંકજ બુચ, ડો. ગોૈરવી ધ્રુવ જોઇ શકાય છે. તેમણે તમામને ગભરાયા વગર કે ખોટી અફવામાં દોરાયા વગર રસી લેવા અનુરોધ કર્યો હતો.

(3:14 pm IST)