Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

હિટલરશાહી સામે લડીને શુધ્ધ ચૂંટણી માટે પ્રયાસો થશે : પ્રદિપ ત્રિવેદી

કાર્યકારી કોંગ્રેસ પ્રમુખનો કાંટાળો તાજ પ્રદિપ ત્રિવેદીના શિરે : અશોક ડાંગર ચૂંટણી લડતા હોવાથી સંગઠનની જવાબદારી અનુભવી નેતાને સુપ્રત કરતા પ્રદેશ : આગેવાનો : યુવક કોંગ્રેસ પ્રદેશ કારોબારી અને સંસદની કેમ્પેઇન કમિટિમાં જવાબદારીનો બહોળો અનુભવ

નવા કાર્યકારી પ્રમુખ પ્રદિપ ત્રિવેદીને અભિનંદન પાઠવતા પ્રમુખ અશોક ડાંગર તથા પ્રદેશ મહામંત્રી મહેશ રાજપૂત તસ્વીરમાં દર્શાય છે.

રાજકોટ તા. ૧૬ : શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે અનુભવી અને નિવડેલા નેતા પ્રદિપભાઇ ત્રિવેદીની નિમણૂંક થતાં કાર્યકરોમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચય થયો છે.

નોંધનિય છે કે, શહેર પ્રમુખ અશોક ડાંગર ખુદ વોર્ડ નં. ૧૭માં ચૂંટણી લડી રહ્યા છે ત્યારે કાર્યકરોએ રાજકોટ માટે ખાસ કાર્યકારી પ્રમુખની નિમણૂંક કરવા પ્રદેશ પ્રમુખને પત્ર લખી માંગ ઉઠાવેલ.

આ પત્ર બાદ આજે  પ્રમુખ અમિત ચાવડાએ પ્રદિપભાઇ ત્રિવેદીને રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની જવાબદારી સુપ્રત કરતા પ્રદિપભાઇએ 'અકિલા'ને જણાવેલ કે વર્તમાન સંજોગોમાં હિટલરશાહી અને તંત્રની તાનાશાહી જેવો માહોલ છે તે સૌ જાણે છે અને અનુભવે પણ છે ત્યારે આવા સંજોગોમાં સામાપૂરે તરી અને સંપૂર્ણપણે લોકશાહી ઢબે શુધ્ધ રીતે ચૂંટણી યોજાય તેવા અમારા પ્રયાસો રહેશે.

વ્યવસાયે આર્કિટેકટ એવા પ્રદિપભાઇ ત્રિવેદીએ ૧૯૮૦ના દાયકામાં વિદ્યાર્થી કાળથી કોંગ્રેસના માધ્યમથી રાજકિય પદાર્પણ કર્યું હતું અને યુવક કોંગ્રેસ, પ્રદેશ યુવક કોંગ્રેસમાં જોઇન્ટ સેક્રેટરી, શહેર કોંગ્રેસમાં આમંત્રીત સભ્ય તથા મહામંત્રી, શિક્ષણ સમિતિમાં વાઇસ ચેરમેન સહિતની જવાબદારી સંભાળી ચૂકયા છે.

ઉપરાંત તેઓને જામનગર, દ્વારકા, ધારી, ગાંધીધામ વગેરે પ્રાંતોમાં ચૂંટણી સમયે નિરીક્ષકની જવાબદારીઓ પણ સુપ્રત થયેલી હતી.

૨૦૦૯માં સંસદની ચૂંટણી વખતે પ્રદેશ કક્ષાને ખાસ કેમ્પેઇન કમિટિ બનાવાયેલ. જેમાં તેઓ સભ્ય પદે સેવા આપી ચૂકયા છે.

તેઓ આર્કિટેકટ સિવિલ એન્જી. એસો.ના પ્રમુખ તરીકે પણ તેઓ સેવા આપી રહ્યા છે.

આમ, પ્રદિપ ત્રિવેદીના શિરે શહેર કોંગ્રેસના વર્તમાન સંજોગોમાં કાર્યકારી પ્રમુખપદનો કાંટાળો તાજ પહેરાવાયો છે ત્યારે તેઓએ ભાજપની કુશાશનભરી પધ્ધતીઓ સામે લડાઇ કરીને કોંગ્રેસને બહુમતીથી વિજયી બનાવવા કટીબધ્ધતા વ્યકત કરી છે.

(3:16 pm IST)