Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ચૂંટણીને કારણે કાલે રાજકોટ હેડપોસ્ટ ઓફીસ કચેરીમાં તમામ કાઉન્ટર બંધ

કુલ પ૩માંથી ૪૮ ને કાલે તાલીમ છે ?: બુકીંગ મનીઓર્ડર -પાર્સલ સ્પીડપોસ્ટ- રજીસ્ટર એડી. પૈસા ઉપાડવા સહિતના ર૬ કાઉન્ટર બંધ થઇ જશે : કોઇ સ્ટાફ નથીઃ ખળભળાટ મચાવનારી ઘટનાઃ યુનિયન અગ્રણી ચુડાસમા કહે છે. ચુંટણી તંત્રે અમારી વિનંતી સાંભળી નથી કાલે અમે કામકાજ બંધનું બોર્ડ મારી દેશું : સેંકડો અરજદારો કાલે રઝળી પડશે મચી ગયેલો દેકારો

રાજકોટ તા.૧૬ : રાજકોટ પોસ્ટલ તંત્રમાં કાલે ખળભળાટ મચાવનારી ઘટના બનશે, બાબત એવી છે કે રાજકોટ મહાનગરપાલીકાની યોજાનારી ચુંટણીમાં આ વખતે (એમ કહો કે પ્રથમ વખત) રાજકોટ હેડ પોસ્ટ ઓફીસનો જે પબ્લીક ડીલીંગ અને ર૬ કાઉન્ટર સંભાળતો કુલ પ૩ના સ્ટાફમાંથી ચૂંટણી તંત્રે ૪૮ના સ્ટાફને ચુંટણી કામગરી અંગેઓડીટ કરતા આખી કચેરી ખાલીખમ થઇ ગઇ છે.આ અંગે વિગતો આપતા પોસ્ટલ યુનિયનના અગ્રણીશ્રી ચુડાસમાએ આજે ''અકિલા''ને જણાવેલ કે કુલ રપ થી ર૬ કાઉન્ટરમાંથી મોટા ભાગનો સ્ટાફ લઇ લેવાયો છે, પહેલા કુલ પ૩ના ઓર્ડર હતા, તેમાંથી બે લેડીઝ કર્મચારીને પરીક્ષા હોય તેમને અને અન્ય ૩ ને સ્પોર્ટસને કારણે ચૂંટણી ફરજમાંથી મુકિત અપાઇ છે, બાકીના ૪૮ના સ્ટાફની કાલે ૧૭મીએ સવારથી આખો દિવસ તાલીમ છે, અને આ તમામ સ્ટાફ પબ્લીક ડીલીંગ એટલે કે કાઉન્ટર સાથે સંકળાયેલો છે, હવે આ તમામ સ્ટાફ કાલે ચૂંટણી તાલીમમાં જનાર હોય, કાલે H.O.ના તમામ કાઉન્ટરની કામગીરી અટકી જશે, બંધ રખાશે, જેમાં સેવીંગ્ઝ, પૈસા ઉપાડવા, પૈસા જમા કરવા, મનીઓર્ડર, રજીસ્ટર, પાર્સલ, સ્પીટ પોસ્ટ, સ્ટેમ્પ સહિતના મુખ્ય કાઉન્ટરો છે તે સહિત અન્ય કાઉન્ટરો છે તે તમામ બંધ કરી દેવાશે, કાલે ૧ દિવસમાં જ સેંકડો અરજદારોને ધકકા થશે, ભારે દેકારો બોલી જશે, પરંતુ શું કરીએ સ્ટાફ ન હોય, કાલે પોસ્ટ ઓફીસના તમામ કાઉન્ટરો બંધ કરાશે, શ્રી ચુડાસમાએ જણાવેલ કે તમામ સ્ટાફ ચૂંટણી તાલીમમાં જનાર હોય કાલે અમે બોર્ડ મારી દઇશું, કે પોસ્ટ ઓફીસમાં કાઉન્ટર પરની કામગીરી બંધ છે.યુનિયન અગ્રણી શ્રી ચુડાસમાએ ''અકિલા''ને જણાવેલ કે  અમે સ્થિતિ અંગે તંત્રને વિનંતી કરી હતી, પરંતુ કોઇ પ્રશ્ન સોલ થયો નથી, આથી ના છુટકે કામગીરી બંધ રાખવી પડશે આટલી ચુંટણીમાં આ પહેલીવાર બની રહ્યું છે.દરમિયાન કાલે હેડ પોસ્ટ ઓફીસમાં કામગીરી બંધ રહેવાની ઘટનાના ઘેરા અને ગંભીર પડધા પડયા છે, દરેક વડી કચેરી અમદાવાદ સુધી વાત પહોંચી છે, રાજકોટ કલેકટર સમક્ષ પણ વિનંતી કરાઇ હતી, પરંતુ પ્રશ્ન હલ થયો નથી.

(3:55 pm IST)