Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

રાજકોટ જેલમાં પોરબંદરના કેદી દિનેશ યાદવનો ગળાફાંસો ખાઇ આપઘાત

યુપીનો વતની દિનેશ નાર્કેટીકસના કેસમાં ચાર વર્ષથી જેલમાં હતો : કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૧૬ : સેન્ટ્રલ જેલમાં નાર્કોટીકસના ગુનામાં ચાર વર્ષથી જેલમાં રહેલા કાચા કામના કેદીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પ્ર.નગર પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી દિનેશ શ્રીદલ યાદવ (ઉ.વ.૨૧) એ બેરેક નજીકના જનરલ શૌચાલયમાં જઇ તેના વેન્ટીલેશનના સળીયા સાથે ચાદર બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બાદ એક કેદી શૌચાલયમાં જતા તેને લટકતો જોઇ અન્ય કેદીઓને અને જેલના અધિકારીઓને જાણ કરતા ત્યાં દોડી આવ્યા હતા. બાદ પોલીસને જાણ કરતા પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.પટેલ તથા રાઇટરએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

મૃતક કેદી દિનેશના પરિવારજનો ઉત્તરપ્રદેશમાં રહે છે તે બે ભાઇમાં નાનો હતો તે પોરબંદરમાં કેફી દ્રવ્યના કેસમાં પકડાયો હતો અને છેલ્લા ચાર વર્ષથી રાજકોટની મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે હતો. તેણે કયાં કારણોસર આ પગલુ ભર્યું તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:04 pm IST)