Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

હોસ્પિ.માં ઑક્સિજનની નળી વડે ગળાફાંસો ખાઈ દર્દીનો આપઘાત

રાજકોટની હોસ્પિટલમાં કોરોના દર્દીનો આપઘાત : દર્દી અવારનવાર એવું પૂછતો હતોે કે, મારા પરિવારજનો કેમ મળવા આવતા નથી? બધા માસ્ક કેમ પહેરે છે?

રાજકોટ,તા.૧૬ : રાજકોટમાં જે રીતે દિવસેને દિવસે કોરોના વાયરસના કેસની સંખ્યા વધી રહી છે ત્યારે લોકોમાં હવે એક ડર ઊભો થઇ ચૂક્યો છે. લોકો સ્વયંભૂ સાવચેતી રાખી રહ્યા છે. જરૂર વગર ઘરની બહાર પણ નથી નીકળી રહ્યા. બીજી તરફ ઘણા એવા લોકો પણ હોય છે જેઓ કોરોના પોઝિટિવ આવતા માનસિક અને અંદરથી ભાંગી ચૂક્યા હોય છે. આવા જ એક દર્દીએ કોરોનાથી આત્મહત્યા કરી હોવાનો બનાવ રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટની મવડી ચોકડી પાસે આવેલા સ્વામિનારાયમ ગુરૂકુળ સંજીવની હૉસ્પિટલમાં કોરોનાનાં દર્દી સુનીલભાઈ ભલસોડએ ગઈકાલે હૉસ્પિટલમાં ઓક્સિજનની નળી વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

તેઓ કોરોના પોઝિટિવ આવતા ખૂબ જ ગભરાઈ ગયા હતાં અને આખરે આ પગલું ભરી લેતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે. શહેરના સંતકબીર રોડ પરની સત્ય સોસાયટીમાં રહેતા અને ચાંદીની મજૂરી કરતા સુનીલભાઈને કોરોના ડિટેક્ટ થતા ગત ૧૩ એપ્રિલના રાત્રે સંજીવની ગુરૂકુળ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ગઈકાલે રાત્રે બે વાગ્યે ડૉકટરો તેમની પાસે ગયા હતાં. તેમની હાલત સ્થિર હતી. જોકે, કોરોનાને કારણે ખૂબ જ ડરી ગયેલા હોય તેવું વર્તન કરતા હતા.

સુનીલભાઈ ડૉકટરોને અવારનવાર એવું પૂછતા હતા કે, મારા પરિવારજનો કેમ મળવા આવતા નથી? બધા માસ્ક કેમ પહેરે છે? ગઈકાલે રાત્રે બે વાગ્યે ડૉકટરો ગયા બાદ ગમે તે સમયે તેમણે પોતાને ચડાવવામાં આવી રહેલા ઓક્સિજનની નળી કાઢી તેને ગળામાં ભરાવી રૂમમાં આવેલી બારીની ગ્રીલ સાથે બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. સવારે હૉસ્પિટલનો સ્ટાફ આ દ્રશ્ય જોઈને અવાચક થઈ ગયો હતો. આ મામલે તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસ હૉસ્પિટલ પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

સ્થળ પર જરૂરી કાર્યવાહી બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલમાં મોકલી આપ્યો હતો. ગુરુવારે બપોરે કોવિડ પ્રોટોકોલ મુજબ પોસ્ટમોર્ટમ કરાયા બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. જેમાં કોરોનાને કારણે ગભરાઈ જતા આ પગલું ભરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સુનીલભાઈને સંતાનમાં બે પુત્રો છે. જેમાં એકની ઉંમર ૧૯ વર્ષ અને બીજાની ઉંમર ૧૨ વર્ષ છે.

(9:33 pm IST)