Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

રાજકોટ જેલમાંથી સાદી કેદના 9 અને માઈનોર ગુનાના 4 મળી 13 કેદીઓને વચગાળાના જામીન પર મુક્ત કરાયા

કોવિડ-૧૯ અન્વયે નકલી દવાઓ, ઇન્જેકશન, ઓક્સીજન તેમજ અન્ય આરોગ્યલક્ષી ચીજવસ્તુઓની ગેરકાયદેસર હેરાફેરી/કાળાબજારીના ગુના સબબ જેલમાં રહેલ આરોપી કેદીઓને આ લાભ મળશે નહિ

રાજકોટઃ હાલમાં સમગ્ર વિશ્વ તથા ભારત દેશમાં COVID-19 કોરીના વાયરસ પ્રસરી રહેલ છે જેની ગંભીર અસર ગુજરાત રાજ્યમાં પણ વર્તાઇ રહેલ છે જે અંતર્ગત નામદાર સુપ્રીમ કોર્ટ સુઓમોટો રીટ પિટીશન નં-૧/૨૦૨૦ અન્વયે હાઇપાવર કમિટી દ્વારા તા.૧૨/૦૫/૨૦૨૧ના રોજ લેવાયેલ નિર્ણય અન્વયે અધિક્ષક રાજકોટ મધ્યસ્થ જેલ તથા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ રાજકોટના સહિયારા પ્રયાસથી રાજકોટ મધ્યસ્થ જેલમાં રહેલ કલમ-૧૨૫ હેઠળ સાદી કેદની સજા પામેલ ભરણ પોષણના કેદીઓ તેમજ માઇનોર ગુન્હાના કાચા કામના આરોપીઓને જેલ મુક્ત કરવા માટે ચીફ.જ્યુડીશલ મેજીસ્ટ્રેટશ્રી રાજકોટ દ્વારા રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે તા.૧૪,૧૫/૦૫ના રોજ કોર્ટ સીટીંગનું આયોજન કરવામાં આવેલ જેમાં કલમ-૧૨૫ હેઠળના સાદી કેદના-૦૯ કેદીઓ તથા માઇનોર ગુન્હાના કાચા કામના-૦૪ આરોપીઓ મળી કુલ-૧૩ કેદીઓને વચગાળાની રજા પર જાત મુચરકા ઉપર જેલ મુક્ત કરવામાં આવેલ છે. જેલ મુક્ત થતા તમામ કેદીઓનું રાજકોટ મધ્યસ્થ જેલ દવાખાનાના મેડીકલ ઓફીસરશ્રી દ્વારા હેલ્થ સ્કેનીંગ કરવામાં આવેલ છે. ઉપરાંત આગામી દિવસોમાં પણ હાઇ પાવર કમીટીની ભલામણ મુજબ પાત્રતા ધરાવતા કેદીઓ/આરોપીઓને મુકત કરવામાં આવશે તેમજ ૦૭ વર્ષથી ઉપર અને આજીવન કેદ સુધીના સજા પામેલા પાકા કામના કેદીઓ પૈકી લાંબા સમય માટે પેરોલ રજા પર જવા માંગતા હોય તેવા પાકા કેદીઓની અરજીઓ મેળવી જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી-રાજકોટનાઓને મોકલવા જણાવવામાં આવેલ હોઇ જે અંગે કાર્યવાહિ હાલ શરૂ કરવામાં આવેલ છે. તેમજ તાજેતરમાં કોવિડ-૧૯ અન્વયે નકલી દવાઓ, ઇન્જેકશન, ઓક્સીઝન, તેમજ અન્ય આરોગ્યલક્ષી ચીજ-વસ્તુઓની ગેરકાયદેસર હેરાફેરી/કાળા બજારીના ગુના સબબ જેલમાં રહેલ આરોપી કેદીઓને આ લાભ મળવાપાત્ર રહેશે નહિ. તેમ જેલ અધિક્ષકશ્રી બી.ડી. જોશીની યાદીમાં જણાવાયું છે.

(11:53 am IST)