Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ તૈયાર થઇ ગયા બાદ પાંચ વોર્ડનો પાણી પ્રશ્ન હલ થશે

ન્યુ રાજકોટમાં પાણી વિતરણ માટે નિર્માણાધિન વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થળ મુલાકાત લેતા પદાધિકારીઓ : ૫૦ એમ.એલ.ડી. પાણી શુધ્ધિકરણનો પ્લાન્ટ : પાણીના ટાંકા - પમ્પ હાઉસ કાર્યરત થશે : ૨૮ કરોડના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ તૈયાર થયા બાદ વોર્ડ નં. ૧, ૮, ૯, ૧૦ અને ૧૩ની ૨.૪૦ લાખની વસ્તીને પૂરા ફોર્સથી પાણી વિતરણ થઇ શકશે

રાજકોટ તા. ૧૬ : ન્યુ રાજકોટના પાંચ જેટલા વોર્ડમાં શુધ્ધ પાણી પુરા ફોર્સથી વિતરણ કરવા માટે રૈયાધાર ખાતે બની રહેલા નવા ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરીના સર્વેક્ષણ માટે મેયર સહિતના પદાધિકારીઓએ આ નિર્માણાધિન ફિલ્ટર પ્લાન્ટની સ્થળ મુલાકાત લીધી હતી.

આ અંગે સત્તાવાર જાહેર થયેલી વિગતો મુજબ રાજકોટ શહેરના વોર્ડ નં.૧ રૈયાધાર ખાતે હયાત ફિલ્ટર પ્લાન્ટની બાજુમાં નિર્માણ પામતા નવો સ્કાડા ટેકનોલોજી ધરાવતો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા ESR GSRની આજ રોજ મેયર ડો.પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા,વોટર વર્કસ સમિતિ ચેરમેન દેવાંગભાઈ માંકડ, વોર્ડ નં.૧ના કોર્પોરેટર ભાનુબેન બાબરીયા, હિરેનભાઈ ખીમાણીયા, દુર્ગાબા જાડેજા,  ડો.અલ્પેશભાઈ મોરજરીયા, વોર્ડ નં.૧ પ્રભારી દિલીપભાઈ પટેલ, વોર્ડ નં.૧ પ્રમુખ હિતેશભાઈ મારૂ, વોર્ડ નં.૧ મહામંત્રી કાનાભાઈ ખાણધર તથા જયરાજસિંહ જાડેજાએ સ્થળ મુલાકાત લીધેલ તથા રાજકોટ મહાનગરપાલિકાના ડે.કમિશનર એ.આર.સિંહ, સીટી. એન્જી. એમ.આર.કામલીયા તથા અન્ય સંબંધિત અધિકારીશ્રીઓ હાજર રહેલ

વોર્ડ નં.૧માં અમૃત યોજના અંતર્ગત શહેરના વોટર સપ્લાય પ્રોજેકટ વેસ્ટ ઝોન વોર્ડ નં.૧મા રૈયા ધાર ખાતે હયાત WTPની બાજુમાં નવો ૫૦ MLD ક્ષમતાનો આધુનિક સંપૂર્ણ સ્કાડા આધારિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની કામગીરી ચાલુ છે તેમજ હાલ ESRની કામગીરી પૂર્ણ થયેલ છે તેમજ GSR, પંપ હાઉસ, ફિલ્ટર પ્લાન્ટ CLR વિગેરે મોટા ભાગના યુનિટની કામગીરી ચાલુ છે. ૩.૦ ML ક્ષમતાનો ESR  અને ૧૮.૬ ક્ષમતાનો GSR બનાવવામાં આવશે તથા સંલગ્ન પંપ હાઉસ પણ બનાવામાં આવશે. આ કામગીરીનું કુલ ખર્ચ અંદાજીત રૂ.૨૮,૦૯,૧૩,૨૦૯ થશે. વોટર સપ્લાયથી વોર્ડ નં.૧,૮,૯,૧૦ તથા ૧૩ ના વિસ્તારોને પાણી સપ્લાય થશે તેમજ અંદાજીત ૨,૪૦,૦૦૦ જેટલી વસ્તીને તેનો લાભ મળશે. આ કામગીરી પૂર્ણ થયે વોર્ડ નં.૧,૮,૯,૧૦ તથા ૧૩ના વિસ્તારવાસીઓને પાણી સપ્લાયનો લાભ મળશે. તેમજ પદાધિકારીઓ દ્વારા ઉકત કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરેલ.

(3:06 pm IST)