Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

રૂખડીયાપરામાં ૨૬ વર્ષના સાગરે ગળાફાંસો ખાધો

સવારે પાંચ વાગ્યે ઓરડીની લાઇટ ચાલુ જોઇ માતા જોવા ગયા તો દિકરો લટકતો મળ્યોઃ આપઘાતનું કારણ અકળઃ કોળી યુવાન બેટરીની દૂકાનમાં કામ કરતો હતો બે વર્ષ પહેલા સગાઇ થઇ'તીઃ કોરોનાને કારણે લગ્ન અટકી ગયા હતાં

રાજકોટ તા. ૧૬: રૂખડીયાપરા ફાટક નજીક જગાભાઇની પાનની દૂકાન પાસે રહેતાં સાગર બાબુભાઇ મકવાણા (કોળી) (ઉ.વ.૨૬) નામના યુવાને પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ જિંદગીથી છેડો ફાડી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

સાગરના માતા મંજુબેન સવારે પાંચેક વાગ્યે ઉઠ્યા ત્યારે સાગરની ઓરડીની લાઇટ ચાલુ દેખાતાં તે તપાસ કરવા ગયા હતાં. દરવાજાને ધક્કો મારતાં ખુલી ગયો હતો. અંદર દિકરાને લટકતો જોતાં તેઓ હેબતાઇ ગયા હતાં. ચીસાચીસ કરી મુકતાં સાગરના પિતા તથા અડોશી પડોશી પણ દોડી આવ્યા હતાં. ૧૦૮ના ઇએમટી નવીનભાઇએ તેને મૃત જાહેર કરતાં પ્ર.નગરના વિમલેશભાઇ રાજપૂત સહિતે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.સાગર બે ભાઇમાં નાનો હતો. મોટો ભાઇ ખંભાળીયા રહી વેલ્ડીંગ કામ કરે છે. સાગર બેટરીની દૂકાનમાં કામ કરતો હતો. તેના પિતા બાબુભાઇના કહેવા મુજબ સાગરની સગાઇ હાપા ગામે બે વર્ષ પહેલા થઇ હતી. કોરોના અને લોકડાઉનને કારણે લગ્ન અટકી ગયા હતાં. જો કે આ કારણ આપઘાત પાછળ જવાબદાર હતું કે કેમ? તે અંગે પોતે અજાણ હોવાનું બાબુભાઇએ કહ્યું હતું. પોલીસે કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.

(3:07 pm IST)