Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

સમાજશાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓ દ્વારા કોરોના રસીકરણ જાગૃતિ : ગામડે-ગામડે ભણતર સાથે રાષ્ટ્ર સેવા

રાજકોટ,તા. ૧૬: કોરોના મહામારીના સમયમાં રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા રસીકરણ વધે અને રસી અંગે વ્યાપ્ત ખોટી ભ્રમણાઓ દૂર થાય તે માટે સતત પ્રયત્નો થઇ રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવન દ્વારા પોતાના વિષય ક્ષેત્ર સમાજકાર્યની તેમજ શિક્ષિતનાગરિક તરીકેની નૈતિક ફરજને સમજી શિક્ષણ, સેવા અને સંશોધનની સાથે સમાજહિત અને રાષ્ટ્રહિત માટે પ્રેરણાદાયી કાર્ય હાથ ધર્યું છેે.

સમાજશાસ્ત્ર ભવનના એમ.એ. કરતા વિદ્યાર્થીઓનું હાલ ઘરેથી ઓનલાઇન શિક્ષપ શરૂ હોય તેવા સમયે પોતાના ગામડાઓ, કસબાઓમાં જ્યાં રસીકરણનો પ્રતિસાદ ઓછો રહ્યો છે ત્યાં તેને વધુ વેગ આપવા અને રસી માટે જાગૃતિ લાવવા માટે ભવન તરફથી શૈક્ષણિક અભ્યાસના ભાગરૂપ કાર્યસોંપણી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પોતાના ગામ અને સોસાયટીમાં રસીકરણ માટે જાગૃતિ લાવશે તેમજ રસી સામે કેવી ભ્રમણાઓ તેમજ પડકારો છે અને તેને કેમ દૂર કરી શકાય એ પણ અભ્યાસમાં શોધી રહ્યા છે. ભવનનાં તમામ વિદ્યાર્થીઓ સ્વૈચ્છાએ આ રાષ્ટ્ર સેવા માટે હોશે હોશે જોડાયા છે. તેવું સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો. જયશ્રીબેન નાયકે 'અકિલા'ને જણાવ્યું હતુ. વધુમાં તેઓએ કહ્યુ હતુ કે સમાજ જ્યારે મોટી આફતમાં છે ત્યારે સમાજશાસ્ત્ર વિષય તરીકે પોતાની ઐતિહાસિક પૃષ્ઠભૂમિને ચરિતાર્થ કરતા પોતાની મહતા સામે લાવી રહ્યુ છે.

દરેક વિજ્ઞાન સમાજ ઉત્થાન માટે જ છે. એ વાત આ સમયે સાબિત થાય છે. સમાજશાસ્ત્ર ભવનનું આ પગલુ વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે સમાજસેવાનું મૂલ્ય તેમજ સમાજ જીવનની ખરી વાસ્તવિકતા શીખવશે. આ વિચારના જનક ભવનના અધ્યક્ષા ડો. જયશ્રીબેન નાયક તેમજ સમગ્ર જવાબદારી ઉઠાવનાર ભવનનો સમગ્ર સ્ટાફ પણ વિદ્યાર્થીઓને પુરતુ માર્ગદર્શન આપી રહ્યો છે.

(3:15 pm IST)