Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ચેમ્બર ઓફ કોમર્સ, આરોગ્ય શાખા-જીલ્લા પંચાયત તથા કુવાડવા ઇન્ડસ્ટ્રીયલ એરિયા એસોસીએશનના સંયુકત ઉપક્રમે રસીકરણ કેમ્પનું આયોજન

રાજકોટ : કોરોના વૈશ્વિક મહામારીને કાબુમાં લેવા માટે સરકારશ્રી દ્વારા ઔદ્યોગિક વસાહતોમાં થઈ રહેલ રસીકરણ અભિયાનને વેગવંતુ કરવાના શુભ આશયથી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, આરોગ્ય શાખા–જીલ્લા પંચાયત તથા કુવાડવા ઈન્ડસ્ટ્રીયલ એરિયા એસોસીએશનના સંયુકત ઉપક્રમે ઈન્ડસ્ટ્રીઝ ઝોન ખાતે કારીગર અને શ્રમિકોને કોરોના સામેની રસી આપી પોતાને અને પોતાના પરિવારને સુરક્ષિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે અંતર્ગત કુવાડવા આસપાસની વિવિધ ઈન્ડસ્ટ્રીના શ્રમિકો માટે કુવાડવા ઈન્ડસ્ટ્રીયલ એરિયા એસોસીએશનના હોલમાં રસીકરણ કેમ્પનું તા.૧પ–૬–ર૦ર૧ ના રોજ આયોજન કરવામાં આવેલ. કુવાડવા વિસ્તારના વિવિધ ઈન્ડસ્ટ્રીઝના ૧૮ થી ૪૪ વર્ષના ૩૦૦ થી વધારે વર્કરોને ઓનલાઈન અપોઈન્ટમેન્ટ સ્લોટ બુક કરાવી વેકસીન આપવામાં આવેલ હતી.આ રસીકરણ કાર્યક્રમ દરમ્યાન જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભૂપતભાઈ બોદર, જીલ્લા પંચાયત સદસ્ય શ્રી સંજયભાઈ રંગાણી, જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. ભંડેરી સાહેબ, જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી મોરી સાહેબ ઉપસ્થિત રહી વેકસીન માટે સૌને માર્ગદર્શન આપી પ્રોત્સાહન કરેલ.આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ, માનદ્ મંત્રીશ્રી નૌતમભાઈ બારસીયા, કારોબારી સભ્યશ્રી વિનોદભાઈ કાછડિયા, કુવાડવા ઈન્ડસ્ટ્રીયલ એરીયા એસોસીએશનના પ્રમુખશ્રી દિલીપભાઈ ધરસંડીયા, શ્રી અજયભાઈ આટકોટીયા, શ્રી ભગવાનજીભાઈ પટેલ તેમજ કમિટિ ચેમ્બરના સહયોગથી આરોગ્ય શાખા જીલ્લા પંચાયત રાજકોટ દ્વારા રસીકરણ કરવામાં આવ્યું હતું. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(3:15 pm IST)