Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ATKTનો વિવાદાસ્પદ પરીપત્ર રદ કરોઃ NSUI

એનએસયુઆઈ પ્રમુખ નરેન્દ્ર સોલંકીના નેતૃત્વમાં કુલપતિને રજૂઆતઃ અટકાયત

રાજકોટ, તા. ૧૬ :. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એટીકેટીનો અન્યાયી પરીપત્ર કરેલ છે તે રદ કરવા આજે કુલપતિને એનએસયુઆઈએ આવેદન આપ્યુ છે. પોલીસે પાંચથી વધુ કાર્યકરોની અટકાયત કરી છે.

એનએસયુઆઈએ કુલપતિને પાઠવેલ આવેદનમા જણાવ્યુ છે કે તાજેતરમાં યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં યુજીના વિદ્યાર્થી સેમેસ્ટર ૧ થી ૪માં એક પણ એટીકેટી હોય તો તેવા વિદ્યાર્થીઓને પાંચમાં સેમેસ્ટરમાં પ્રવેશ ન આપવો અમારૂ માનવું છે કે આ બે વર્ષથી કોરોનાના હિસાબે સમગ્ર ભારત અને ગુજરાતમાં શૈક્ષણિક કાર્ય માત્ર ને માત્ર ઓનલાઈન જ આપવામાં આવે છે. આ ઓનલાઈન શિક્ષણથી ૭૦ ટકા વિદ્યાર્થીઓને સમજણ પડતી નથી. જેથી રીઝલ્ટમાં એટીકેટી પણ આવતી હોય છે તો અત્યારે જે આ પરિપત્ર કર્યો છે તે ગેરવ્યાજબી છે અને વિદ્યાર્થીઓને અન્યાય કરતો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેથી અમારી સ્પષ્ટ માંગણી છે કે આ પરિપત્ર તાત્કાલીક રદ કરી દેવામાં આવે છે.

જસાણી કોલેજમાં તાજેતરમાં કોમ્પ્યુટર પ્રેકટીકલની ફી ઉઘરાણી કરવામાં આવી રહી છે. અત્યારે તમામ કોલેજોમાં ઓનલાઈન જ અભ્યાસક્રમ ભણાવવામાં આવી રહ્યો છે. તેમા કોમ્પ્યુટર પ્રેકટીકલ કરવા એક પણ વિદ્યાર્થી કોલેજ જતો નથી ત્યારે વિદ્યાર્થી જો પ્રેકટીકલ કરતો જ ન હોય તો તે પ્રેકટીકલ કરવાની ફી શા માટે ભરે ? તાત્કાલીક હુકમ કરવામાં આવે કે જસાણી કોલેજ દ્વારા આ ફી ઉઘરાવવાનું બંધ કરવામાં આવે.

કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ એનએસયુઆઈ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ઉપપ્રમુખ દર્શન શિયાળ, દિગ્પાલસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ જાડેજા, દર્શ બગડા, દેવેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રી માધવ આહિર, પાર્થ ગઢવી, મયુરસિંહ જાડેજા, રોહીત રાઠોડ, કર્મદિપસિંહ જાડેજા, બ્રીજરાજસિંહ રાણા, આર્યન કનેરીયા, કેવલ પાંભર, રવિરાજસિંહ જાડેજા, ધવલ રાઠોડ, ભવ્ય પટેલ, મંત્રી વિશ્વજીતસિંહ જાડેજા, મીલન વિશપરા વગેરે જોડાયા હતા.

(3:17 pm IST)