Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

રસી માટે ઓનલાઇન નોંધણી ફરજીયાત નહિ : રોજ ૬ લાખનો લક્ષ્યાંક

રસીકરણ અભિયાનને વધુ વેગ આપવા વિડીયો કોન્ફરન્સમાં મુખ્ય સચિવ અનિલ મુકીમ અને આરોગ્યના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલની સૂચના : કેન્દ્ર તરફથી તા. ર૧ મી થી ગુજરાતને જોઇએ એટલા ડોઝ અપાશે : વધુ ખાનગી હોસ્પિટલોને રસીકરણની માન્યતા

રાજકોટ તા. ૧૬ :.. રાજયના મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ અને આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલે આજે સવારે તમામ જિલ્લા કલેકટરો - ડી. ડી. ઓ. સાથે વિડીયો કોન્ફરન્સ યોજી રસીકરણને વધુ વેગ આપવા સૂચના-માર્ગદર્શન આપ્યું હતું. હાલ રોજ રાા થી ૩ લાખ લોકોને રસી મુકવામાં આવી રહી છે. તે લક્ષ્યાંક બમણો કરવા જણાવાયુ હતું. ૧૮ થી ૪૪ વર્ષના લોકો માટે રસીકરણ પૂર્વે ઓનલાઇન નોંધણી ફરજિયાત છે તેના બદલે સીધા સ્થળ પર નોંધણી કરવાનું નકકી થયું છે. ૧૮ વર્ષથી ઉપરની પાત્રતા ધરાવતી કોઇપણ વ્યકિત સીધા જ રસીકરણ કેન્દ્ર પર જઇ રસી મૂકાવી શકે તે પ્રકારની સૂચના અપાયાનું જાણવા મળે છે. ઓનસાઇટ નોંધણી શરૂ થશે.

કેન્દ્ર સરકાર દ્વારા તા. ર૧ થી ગુજરાતને જોઇએ તેટલી રસી ફાળવવાની તૈયારી દર્શાવાયેલ છે તેથી રાજય સરકાર અભિયાનને વેગ આપી રોજ ૬ લાખ લોકોને રસી આપવાનો લક્ષ્યાંક રાખી રહી છે. વધુ કેટલીક ખાનગી હોસ્પિટલોને નિયત ચાર્જ વસુલી રસી આપવાની માન્યતા અપાશે. સંભવિત ત્રીજી લહેર પૂર્વે મહત્તમ લોકોને રસી મૂકી દેવાના પ્રયાસો છે.

(4:01 pm IST)