Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

આજ દિન સુધીમાં ૧.૫૮ લાખ કરદાતાઓએ ૭૪.૮૪ કરોડનો એડવાન્સ વેરો ભરી દીધો

રાજકોટના પ્રમાણિક કરદાતાઓ દ્વારા વળતર યોજનાને જબરો પ્રતિસાદ : વધુને વધુ લોકો એડવાન્સ મિલ્કત વેરો ચુકવવા પર વળતર યોજનાનો લાભ લ્યે : મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની અપીલ

રાજકોટ, તા.૧૬:  મહાનગરપાલિકા દ્વારા અગાઉના વરસોની માફક જ સને ૨૦૨૧-૨૨ના વર્ષમાં પણ એડવાન્સ મિલ્કત વેરાની રકમ ભરપાઈ કરનાર કરદાતાઓને વળતર આપવાની યોજના તા.૬ એપ્રિલ, ૨૦૨૧થી લાગુ કરવામાં આવી છે જેમાં તા. ૧૬ જુન સુધીમાં કુલ ૧.૫૮ લાખ લોકોએ પોતાની મિલકતનો વેરો ભરપાઈ કરી એડવાન્સ મિલ્કત વેરો ચુકવવા પર વળતર યોજનાનો લાભ લીધો હતો અને રૂપિયા ૭૪.૮૪ કરોડનો વેરો ભરપાઈ કર્યો હતો. આગામી તા. ૩૦સુધી આ યોજનાનો લાભ મળશે તો વધુને વધુ લોકો આ યોજનાનો લાભ ઉઠાવે તેમ મેયર ડો.પ્રદિપ ડવ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલે શહેરીજનોને અપીલ કરી હતી.

આ અંગે મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું છે કે, સને ૨૦૨૧-૨૨ના વર્ષમાં તા.૩૦ જુન સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને ૧૦% વળતર તથા મહિલા મિલ્કત ધારકોને વધારાના ૫% વળતર એટલે કે ૧૫% અને તા.૩૧ જુલાઈ સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કત ધારકને ૫% અને મહિલા મિલ્કત ધારકને ૧૦% વળતર આપવાનું મંજુર કરાયેલ છે. આ બંને યોજનામાં ઓનલાઈન મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને વિશેષ ૧% વળતર આપવામાં આવશે.

ચાલુ વર્ષમાં આજ સુધીમાં રૂ.૧.૫૮ લાખ લોકોએ વળતર યોજનામાં લાભ લીધેલ છે. જેમાં રૂ.૨.૭૦ કરોડ રોકડ, રૂ.૧૨.૮૭ કરોડ ચેક દ્વારા અને રૂ.૪૧.૨૬ કરોડ ઓનલાઈન સહિત કુલ રૂ. ૭૪.૮૪ કરોડ ભરવામાં આવેલ છે.

મિલ્કત વેરાની યોજનાનો વધુ ને વધુ લોકોએ લાભ લેવા પદાધિકારીઓએ અપીલ કરેલ.કરદાતાઓ રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય ઝોન ઓફીસ, તમામ સિટી સિવિક સેન્ટર, તમામ ૧૮ વોર્ડની મુખ્ય વોર્ડ ઓફિસ, આઇ.સી.આઇ.સી.આઇ. બેંક ખાતે અને ઓનલાઈન મિલ્કત વેરો ભરપાઈ કરી શકાશે.

(4:01 pm IST)