Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

તબિબ દંપતિના ૧૬ વર્ષના પુત્રને ઉઠાવી ખંડણી વસુલવાનો કારસો હતોઃ અપહરણકારોનું પગેરૂ દબાવતી ક્રાઇમ બ્રાંચ

હનુમાન મઢી નજીક નિર્મલા રોડ પર નાગરિક બેંક સોસાયટીમાં રાતે સાડા નવે બનાવઃ ૧૧ સાયન્‍સમાં ભણતા છાત્રને રાતે સવા નવે ફોન આવ્‍યો-બ્‍લુ ડાર્ટ કુરીયરમાંથી પાર્સલ છે નીચે આવી લઇ જાવઃ છાત્ર નીચે આવતાં કારમાં નાંખી અપહરણનો પ્રયાસ થયેલો : ઝપાઝપીમાં પડી જતાં પગમાં ઇજાઃ અપહરણકારો નંબર વગરની ઇકો કારમાં કોટેચા ચોક તરફ ભાગ્‍યાઃ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી ક્રાઇમ બ્રાંચ સાથે મળી સવાર સુધી તપાસનો ધમધમાટ કર્યા બાદ મહત્‍વની કડી મળીઃ છાત્રના પિતા જીજ્ઞેશભાઇ ખંધેડીયા અને માતા હેમાબેન ખંધેડીયા બંને ક્‍લિનીક ચલાવે છે : માલદાર પરિવાર પાસેથી મોટી રકમ મળશે તેવું માનીને જ પ્‍લાન કરેલો

જ્‍યાં અપહરણના પ્રયાસની ઘટના બની તે ડોક્‍ટર દંપતિનું નિવાસસ્‍થાન (ફોટોઃ અશોક બગથરીયા)
રાજકોટ તા. ૧૫: રૈયા રોડ પર હનુમાન મઢી નજીક નિર્મલા રોડ પર આવેલી નાગરિક બેંક સોસાયટીમાં રહેતાં તબિબ દંપતિના ધોરણ-૧૧ સાયન્‍સમાં ભણતાં ૧૬ વર્ષના પુત્રને તેના જ ઘર નજીકથી રાત્રીના સવા નવેક વાગ્‍યે ઉઠાવી જવાનો પ્રયાસ થતાં ખળભળાટ મચી ગયો છે. જો કે આ છાત્રએ ત્રણેય અપહરણકારોનો હિમ્‍મતપુર્વક સામનો કરતાં તે બચી ગયો હતો. ઝપાઝપીમાં તેને પગમાં ઇજા થતાં સારવાર લેવી પડી હતી. ગાંધીગ્રામ પોલીસે આ મામલે ગુનો નોંધી ક્રાઇમ બ્રાંચ સાથે મળી રાતભર તપાસનો ધમધમાટ આદર્યો હતો. જેમાં ક્રાઇમ બ્રાંચની ટીમ ભેદ ઉકેલવાની નજીક પહોંચી ગઇ છે. મળતી માહિતી મુજબ અપહરણકારોને ઓળખી લઇ તેને સકંજામાં લેવા એક ટૂકડી આગળ વધી રહી છે. સાંજ સુધીમાં અપહરણકારો ક્રાઇમ બ્રાંચના સકંજામાં આવી જાય તેવ નિર્દેશો સાંપડી રહ્યા છે.
જાણવા મળ્‍યા મુજબ હનુમાન મઢી નજીક નિર્મલા રોડ પર નાગરિક બેંક સહકારી સોસાયટી શેરી નં. ૧ બ્‍લોક નં. ૫માં ‘આયુષી' નામના મકાનમાં રહેતાં ડો. જીજ્ઞેશભાઇ ખંધેડીયા અને ડો. હેમાબેન ખંધેડીયાના ૧૬ વર્ષના પુત્રને રાતે ડાબા પગની ઘુંટીમાં ઇજા સાથે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. તેને ત્રણ અજાણ્‍યા શખ્‍સોએ ઝપાઝપી કરી પછાડી દેતાં ઇજા થયાનું જણાવાતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવી હતી. તપાસમાં આ ઘટના છાત્રના અપહરણના પ્રયાસની હોવાનું ખુલતાં ગાંધીગ્રામ પોલીસ અને ક્રાઇમ બ્રાંચ, એસઓજી, પેરોલ ફરલો સ્‍ક્‍વોડની ટીમો કામે લાગી હતી. પ્રાથમિક સારવાર બાદ  છાત્રને હોસ્‍પિટલમાંથી રજા અપાઇ હતી.  
બનાવ અંગે પોલીસે જેના અપહરણનો પ્રયાસ થયો તે છાત્રની ફરિયાદ પરથી નંબર વગરની ઇકો કારમાં આવેલા ૨૫ થી ૩૫ વર્ષના ત્રણ અજાણ્‍યા શખ્‍સો સામે આઇપીસી ૩૬૫, ૫૧૧ મુજબ અપહરણનો પ્રયાસ કરવાનો ગુનો નોધ્‍યો છે. છાત્રએ ઘટના વિશે જણાવ્‍યું હતું કે હું એક બહેનથી નાનો છું અને ધોરણ-૧૧ સાયન્‍સમાં અભ્‍યાસ કરુ છું. મારા પપ્‍પા ડો. જીજ્ઞેશભાઇ ખંધેડીયાને રૂખડીયાપરામાં ઓમ ક્‍લિનીક છે અને મારા મમ્‍મી ડો. હેમાબેન ખંધેડિયા પણ ગાયકવાડીમાં ઓમ ક્‍લિનીકમાં બેસે છે.
મંગળવારે ૧૪મીએ રાતે સવા નવેક વાગ્‍યે છાત્ર અને તેના દાદીમા ઘરે હતાં ત્‍યારે છાત્રના મોબાઇલમાં એક નંબર ઉપરથી ફોન આવ્‍યો હતો. ફોન કરનારે ‘બ્‍લુ ડાર્ટ કુરીયરમાંથી પાર્સલ આવ્‍યું છે, નીચે આવીને લઇ જાવ' તેમ કહેતાં છાત્ર નીચે આવ્‍યો હતો અને ઘરની ડેલી ખોલી બહાર જતાં એક સફેદ રંગની ઇકો કાર જોવા મળી હતી. આ કારની બાજુમાં ફૂટપાથ પર એક શખ્‍સ ઉભો હતો. તેને છાત્રએ ‘પાર્સલ આવ્‍યું છે તેના કેટલા પૈસા આપવાના છે?' તેમ પુછતાં કારમાથી બીજો એક શખ્‍સ ઉતર્યો હતો. આ બંનેએ મળી તેને ખેંચીને કારમાં નાખવાનો પ્રયાસ કર્યો હતો. ત્‍યાં ત્રીજો શખ્‍સ પણ કારમાંથી બહાર આવ્‍યો હતો. એ પછી ત્રણેયએ મળીને તેને ઉપાડીને કારમાં નાખવાની કોશિષ કરી હતી. પરંતુ વજનદાર શરીરનો બાંધો ધરાવતાં છાત્રએ ઝપાઝપી કરતાં અને રાડારાડી કરી સામનો કરતાં એશ ખ્‍સો ઝપાઝપી બાદ અપહરણ કરવાનું માંડી વાળી કારમાં બેસી નિર્મલા રોડથી કોટેચા ચોક તરફ ભાગી ગયા હતાં.
ઝપાઝપીને કારણે છાત્ર પડી જતાં ડાબા પગે ઇજા થઇ હતી. એ પછી તેણે ઉપર ઘરમાં જઇ પોતાના પપ્‍પા અને મમ્‍મીને ફોન કરી ઘરે ક્‍યારે આવો છો? તેવી પૃછા કરી હતી. જો કે પોતાના અપહરણનો પ્રયાસ થયો તેની જાણ ફોનમાં કરી નહોતી. ત્‍યારબાદ તેના મમ્‍મી પપ્‍પા ઘરે આવતાં પોતાની સાથે જે બન્‍યું તેની જાણ કરતાં તેના પપ્‍પાએ પોલીસમાં જાણ કરી હતી.
ગાંધીગ્રામ પીઆઇ જી. એમ. હડીયા, પીએસઆઇ જનકસિંહ જે. રાણા, હીરાભાઇ રબારી, ખોડુભા જાડેજા સહિતની ટીમોએ ઘટના સ્‍થળે પહોંચી ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી. ક્રાઇમ બ્રાંચ ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વાય. બી. જાડેજા, જે. વી. ધોળા, પીએસઆઇ એમ. જે. હુણ સહિતની ટીમ તેમજ એસઓજી પીઆઇ જે. ડી. ઝાલા, પેરોલ ફરલો પીએસઆઇ બી. ટી. ગોહિલ સહિતના અધિકારીઓ અને ટીમોએ રાતભર દોડધામ આદરી હતી. પોલીસે ઘટના સ્‍થળના સીસીટીવી ફૂટેજ તથા નંબર વગરની કાર જે તરફ ભાગી એ રોડ પરથી કારના ફૂટેજ મેળવ્‍યા હતાં.
તબિબ દંપતિનેકોઇ સાથે કોઇપણ પ્રકારની માથાકુટ હોવાનું હાલ તો બહાર આવ્‍યું નથી. છાત્રએ પોતાને પણ કોઇ સાથે અદાવત નહિ હોવાનું કહ્યું હોઇ અપહરણકારોનો ઇરાદો અપહરણ બાદ ખંડણી માંગવાનો હતો કે પછી અન્‍ય કંઇ કારણ છે? આ સહિતના મુદ્દે રહસ્‍ય સર્જાયુ હતું. દરમિયાન ક્રાઇમ બ્રાંચને ચોક્કસ માહિતી મળી હતી કે માલદાર તબિબ પરિવારના દિકરાને ટારગેટ બનાવી મોટી રકમ પડાવવાનો કારસો અપહરણકારોએ ઘડયો હતો. રાજકોટ બહારના મનાતા અપહરણકારોની ઓળખ સાંજ સુધીમાં ક્રાઇમ બ્રાંચ છતી કરે તેવી શક્‍યતા છે.


વજનદાર શરીર ધરાવતા છાત્રને ઉંચકવામાં સફળતા ન મળી
 જેના અપહરણનો પ્રયાસ થયો એ છાત્રએ અપહરણકારોનો સામનો કર્યો હતો અને ઝપાઝપી કરી હતી. વળી તેનું શરીર ખુબ વજનદાર હોય એ કારણે પણ તેને ઉઠાવી જવામાં સફળતા મળી નહોતી.

ત્રણ અપહરણકારો ૨૫ થી ૩૫ વર્ષના હતાં અને ગુજરાતી બોલતા હતાં
 છાત્રએ જણાવ્‍યું હતું કે પોતાને કુરિયર આવ્‍યું છે એવો ફોન કરનારે ગુજરાતી ભાષામાં જ વાત કરી હતી. પોતે નીચે ઉતર્યો ત્‍યારે ઉપાડીને કારમાં નાખવાનો પ્રયાસ થયો હતો. આ શખ્‍સો ૨૫ થી ૩૫ વર્ષની વયના હતાં. પોલીસે આ સમગ્ર ઘટનામાં ખરેખર શું બન્‍યું? તે જાણવા તપાસ યથાવત રાખી છે.

જેને ઉઠાવી જવાનો પ્રયાસ થયો તે છાત્રના ફોન નંબર અપહરણકારો પાસે કઇ રીતે, ક્‍યાંથી આવ્‍યા?
 તબિબ દંપતિના ૧૬ વર્ષિય પુત્રને અપહરણનો પ્રયાસ કરનારા શખ્‍સોએ તેના મોબાઇલમાં ફોન કરીને કુરીયર આવ્‍યું છે તેમ કહી નીચે બોલાવ્‍યો હતો. છાત્ર નીચે જતાં જ તેને ઉઠાવી જવાનો પ્રયાસ કરાયો હતો. આ છાત્રના મોબાઇલ ફોન નંબર અપહરણકારો પાસે કઇ રીતે આવ્‍યા? આ મુદ્‌ે પોલીસે ઉૈડી તપાસ હાથ ધરી છે. હાલ તો અપહરણના પ્રયાસની ઘટના સાચી હોવાનું જણાતાં ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

જે નંબરમાંથી ફોન આવ્‍યો તે નંબર સતત સ્‍વીચ ઓફઃ કાર સીસીટીવી ફૂટેજમાં દેખાઈ'તી
 અપહરણનો પ્રયાસ કરનારા ત્રણ શખ્‍સો નંબર વગરની ઇકો કાર લઇને આવ્‍યા હતાં. તેણે છાત્રને જે મોબાઇલ નંબર પરથી ફોન કરી કુરીયરના બહાને નીચે બોલાવ્‍યો હતો એ નંબર એરટેલ કંપનીનો હોવાનું અને ટ્રુકોલરમાં ‘સનદ બેનબા' એવા નામથી સેવ હોવાનું બતાવે છે. પોલીસે આ નંબરને આધારે અને સીસીટીવી ફૂટેજને આધારે તપાસનો ધમધમાટ શરૂ કરતાં ભેદ ઝડપથી ઉકેલાઇ જવાની આશા વ્‍યક્‍ત કરાઇ હતી જેમાં સફળતા મળવા તરફ છે.  

 

(3:44 pm IST)