Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

ગુજરાતમાં લોકોને ૨૦૦ યુનિટ વીજળી મફત આપો : સરકારની ભૂલનો ભોગ પ્રજા બની રહી છે

આમ આદમી પાર્ટીનું મુખ્‍યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન

રાજકોટ,તા. ૧૫ : આમ આદમી પાર્ટી રાજકોટ એકમના આગેવાનોએ મુખ્‍યમંત્રીને સંબોધી કલેકટરને આવેદનપત્ર પાઠવી ગુજરાતના લોકોને સસ્‍તી વીજળી પુરી પાડવા બાબત રજુઆતો કરી હતી.

રજુઆતોમાં જણાવેલ કે, ગુજરાતમાં વીજળી ઘણી મોંઘી છે. ગુજરાતમાં વીજળી ઉત્‍પન્‍ન કરતા સરકારી સાહસોને રાજ્‍ય સરકારે ઇરાદાપૂર્વક મારી નાખ્‍યા એટલે વીજળી માટે રાજ્‍ય ખાનગી વીજ ઉત્‍પાદન મથકો પર આશ્રિત થયું. ગુજરાત સરકારનાં આ આંધળા ખાનગીકરણની ઉંચી કિંમત હાલ ગુજરાતના નાગરિકો બેવડી રીતે ભોગવી રહ્યા છે.

પ્રથમ તો, ખાનગી પાવર પ્‍લાન્‍ટ સાથે ૨૦૦૭ માં ૨૫ વર્ષ સુધી વીજળી ખરીદવાના જે ફીકસ ભાવો નક્કી કર્યા હતા. તે ખાનગી પાવર પ્‍લાટોના દબાણ હેઠળ આવીને ગુજરાત સરકારે રિવાઇઝ કરી આપ્‍યા. એને કારણે જ છે થોડાક જ વખતમાં એપ્રિલ ૨૦૨૧માં પ્રતિ યુનિટ ફયુઅલ સરચાર્જ ૧.૮૦ રૂપિયા હતો. જુલાઇ ૨૦૨૧માં પ્રતિ યુનિટ ફયુઅલ સરચાર્જ ૧.૯૦ રૂપિયા થયો. ઓકટોબર ૨૦૨૧માં પ્રતિ યુનિટ ફયુઅલ સરચાર્જ ૨ રૂપિયા થયો. જાન્‍યુઆરી ૨૦૨૨માં પ્રતિ યુનિટ ફયુઅલ સરચાર્જ ૨.૧૦ રૂપિયા થયો માર્ચ ૨૦૨૨ માં પ્રતિ યુનિટ ફયુઅલ સરચાર્જ ૨.૨૦ રૂપિયા થયો તથા એપ્રિલ ૨૦૨૨માં પ્રતિ યુનીટ ફયુઅલ સરચાર્જ ૨.૩૦ રૂપિયો થયો. આમ સરકારની ભૂલનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે.

બીજુ ખાનગી પાવર પ્‍લાન્‍ટ કરાર મુજબ વીજળી પુરી પાડવામાં વચ્‍ચે વચ્‍ચે આડોડાઇ કરી કૃત્રિમ અછત ઉભી કરે છે. ત્‍યારે ગુજરાત સરકારે ખુલ્લા બજારમાંથી ખૂબ ઉંચા ભાવે વીજળી ખરીદવી પડે છે.

સરકાર ખુલ્લા બજારમાંથી વીજળી ખરીદે એનો સીધો મતલબ છે રાજ્‍યની જનતાને પરસેવાની કમાણીના ટેકસના પૈસા વેડફાઇ રહ્યા છે અને ગુજરાતની જનતા માથે દેવું વધી રહ્યુ છે.

આમ આદમી પાર્ટી ગુજરાત નાગરિકોની થઇ રહેલી ઉઘાડે છોગ લુંટ સામે આગામી દિવસોમાં રાજ્‍ય વ્‍યાપી કાર્યક્રમો હાથ ધરવા જઇ રહી છે. ગુજરાતના નાગરીકોને ૨૦૦ યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે જેથી મોંઘવારીમાં પીસાઇ રહેલા મધ્‍યમ વર્ગને આંશિક રાહત મળે ગુજરાતની જનતા સાથે થયેલા અન્‍યાયનું નિવારણ થઇ શકે. રજુઆતમાં જનકભાઇ ડાંગર -ચેતનભાઇ કમાણી વિગેરે જોડાયા હતા. 

(4:14 pm IST)