Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

ડોક્ટર પુત્રના અપહરણની કોશિષમાં ૩ સકંજામાંઃ છાત્રના કાકાના મિત્ર મારફત અપહરણકારોને ‘ટીપ’ મળી હતી

રાજકોટનો કેવલ, શંખેશ્વરનો સંજય, મેઘરજનો જયદિપસિંહ રાઠોડ, સુરેશસિંહ, સુરેશનો પિત્રાઇ સંજય સહિત પાંચની ટોળકીની સંડોવણીઃ બોગસ સિમકાર્ડ પરથી ૮૦ લાખની ખંડણી માંગેલીઃ ક્રાઇમ બ્રાંચને વધુ ઍક સફળતા

રાજકોટ તા. ૧૬ઃ રૈયા રોડ નિર્મલા કોન્વેન્ટ પાસેની નાગરિક બેઁક સહકારી સોસાયટીમાં રહેતાં ડોક્ટર દંપતિ ડો. જીજ્ઞેશભાઇ ખંધેડીયા તથા ડો. હેમાબેન ખંધેડીયાના ધોરણ-૧૧માં ભણતાં ૧૬ વર્ષના પુત્રને તેના જ ઘર પાસેથી નંબર વગરનીઇકો કારમાં ઉઠાવી જઇ ખંડણી વસુલવાનો કારસો નિષ્ફળ ગયા બાદ ક્રાઇમ બ્રાંચે ગણતરીના કલાકોમાં સમગ્ર મામલાનો ભેદ ઉકેલી ત્રણની અટકાયત કરી છે. રાજકોટના ઍક સહિત પાંચ શખ્સોની ટોળકીની આ અપહરણની કોશિષમાં સંડોવણી ખુલી છે. 
તબિબ પુત્રને ઉપાડી લેવામાં આવે તો ગણતરીના કલાકોમાં તેના માતા-પિતા પાસેથી કરોડ રૂપિયાથી વધુ ખંડણી પેટે વસુલી શકાય તેવી ટીપ ભોગ બનનાર તબિબ પુત્રના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરતાં સગા કાકાની સાથે સંકળાયેલા કેવલ નામના યુવાને તેના મિત્ર સંજયને આપ્યા બાદ અપહરણનો પ્લાન ઘડી કાઢવામાં આવ્યો હતો. 


ક્રાઇમ બ્રાંચના ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ઍસીપી ડી. વી. બસીયા, પીઆઇ વાય. બી. જાડેજા, પીઆઇ જે. વી. ધોળાના માર્ગદર્શન હેઠળ પીઍસઆ ઍમ. જે. હુણ, પીઍસઆઇ કે. ડી. પટેલ સહિતની ટીમો ઘટના બનતાની સાથે જ ઍક્શનમાં આવી ગઇ હતી. સીસીટીવી સર્વેલન્સના આધારે નંબર વગરની ઇકો કારનું પગેરૂ દબાવાયું હતું. બીજી તરફ હ્નામન સોર્સિસ પાસેથી પણ થોડીઘણી માહિતી મળી હતી. જેના આધારે ઍક પછી ઍક કડીઓ જાડી સમગ્ર અપહરણકાંડનો પર્દાફાશ કરી નાખવામાં આવ્યો છે. ૮૦ લાખની ખંડણી તબિબ પુત્રના પિતા પાસે માંગવામાં આવ્યા બાદ સીમકાર્ડ ફેંકી દેવાયું હતું. 


રાજકોટનો કેવલ, શંખેશ્વરનો સંજય, મેઘરજનો જયદિપસિંહ રાઠોડ, સુરેશસિંહ અને તેનો પિત્રાઇ સંજય સહિત પાંચ શખ્સોના અપહરણના કાવત્રામાં નામ ખુલ્યા છે. સંજય, જયદિપ સહિત ત્રણને ઉઠાવી લેવાયા છે. વધુ તપાસ ચાલી રહી છે. અપહરણને અંજામ આપવા માટે જીઓ રિલાયન્સ સાથે સંકળાયેલા ઍક યુવાન મારફત બે બોગસ સિમકાર્ડ કઢાવવામાં આવ્યા હતાં.

(11:56 am IST)