Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

હિન્‍દી પ્રચાર સમિતિ દ્વારા સપ્‍ટેમ્‍બરમાં હિન્‍દી બાળપોથીથી લઇ વિનીતની પરીક્ષાઓ

રાજકોટ,તા. ૧૫ : સૌરાષ્‍ટ્ર હિન્‍દી પ્રચાર સમિતિ દ્વારા વર્ષમાં બે વખત લેવાતી હિન્‍દી બાળપોથી, પહલી, દૂસરી, અને તીસરી ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા લેવાતી હિન્‍દી વિનીતની પરીક્ષાઓ ૨૪ અને ૨૫ સપ્‍ટેમ્‍બર ૨૦૨૨ અનુક્રમે શનિવારે તથા રવિવારે સમગ્ર સૌરાષ્‍ટ્ર કચ્‍છમાં લેવાશે. શાળાઓ માટે આ પરીક્ષાઓના અરજીપત્રો ભરવાની છેલ્લી તારીખ ૧૩ મી ઓગસ્‍ટ, ૨૦૨૨ રહેશે.

બાળકોમાં ભાષા, શુધ્‍ધી વ્‍યાકરણ, જોડણી વગેરેનું જ્ઞાન વધે અને રાષ્‍ટ્રભાષા પ્રત્‍યેની અભીરૂચિ વિશેષ કેળવાય એ મુખ્‍ય હેતુથી લેવાતી આ પરીક્ષા સૌરાષ્‍ટ્ર કચ્‍છનાં લગભગ ૬૦૦ થી વધુ કેન્‍દ્રોમાં હાલ લેવાતી હોવાનું સૌરાષ્‍ટ્ર હિન્‍દી પ્રચાર સમિતિના મંત્રીની યાદીમાં જણાવ્‍યું છે.

ઘણા ગામો તથા શિક્ષણ સંસ્‍થામાં હજી આ પરીક્ષા લેવાતી નથી. આવા ગામો અને શિક્ષણ સંસ્‍થાઓના બાળકો હિન્‍દીના જ્ઞાન અને તેના પ્રમાણપત્રોથી વંચિત ન રહે તે હેતુથી આવા દરેક ગામ અને શિક્ષણ સંસ્‍થામાં સૌરાષ્‍ટ્ર હિન્‍દી પ્રચાર સમિતિ પોતાના પરીક્ષા પ્રચાર કેન્‍દ્રો શરૂ કરવા ઇચ્‍છે છે. સૌરાષ્‍ટ્ર કચ્‍છની જે શિક્ષણ સંસ્‍થા રાષ્‍ટ્રભાષા હિન્‍દીનાં પ્રચાર અને પરીક્ષા કેન્‍દ્રો શરૂ કરવા ઇચ્‍છે તેમણે તે શાળાના આચાર્યશ્રી ભલામણ સાથે મંત્રીશ્રી, સૌરાષ્‍ટ્ર હિન્‍દી પ્રચાર સમિતિ, રાષ્‍ટ્રીયશાળા પ્રાંગણ, રાજકોટ ૩૬૦૦૦૨ સાથે પત્ર વ્‍યવહાર કરવો અથવા ટેલીફોન નંબર (૦૨૮૧) ૨૪૬૬૨૨૭ (કાર્યાલય), મોબાઇલ નંબર ૯૪૨૮૨ ૫૧૭૩૧ નો સંપર્ક કરવા જણાવાયુ છે.

કાર્યાલયમાં ચાલતા પેટા હિન્‍દી કેન્‍દ્ર (જનરલ કેન્‍દ્ર)માં અરજીપત્ર ભરવાની છેલ્લી તારીખ ૧૧મી જુલાઇ, ૨૦૨૨ છે. આ પરીક્ષાઓને લગતી અન્‍ય વિગતો, પાઠયપુસ્‍તક યાદી અભ્‍યાસ ક્રમ વગેરે તમામ માહિતી માટે રાજકોટ સ્‍થિત કાર્યાલયનો સંપર્ક સાધવા જણાવાયું છે. 

(1:31 pm IST)