Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

ભગવતીપરાના મુફદ્દલ હોલમાં વ્‍હોરા લોકો વચ્‍ચે પાઇપ-ધોકાથી મારામારીઃ ત્રણને ઇજા

મુસ્‍તુફાને કોઇએ ગાલ પર બટકુ ભરી લીધું : અલીઅસગર ઘોઘારી અને મુરતુઝાભાઇ નાત વિરૂધ્‍ધ બોલતાં હોવાનો આક્ષેપ મુકાયો હોઇ મીટીંગમાં બોલાવાયા બાદ માથાકુટઃ સામે પક્ષે મુસ્‍તુફાને પણ ઇજા

રાજકોટ તા. ૧૬: ભગવતીપરામાં આવેલા મુફદ્દલ હોલ ખાતે બપોરે વ્‍હોરા સમાજના લોકોની મિટીંગ યોજાઇ હોઇ તેમાં નાત વિશે અયોગ્‍ય બોલવા બાબતે માથાકુટ કરી આક્ષેપ મુકી બે વ્‍હોરા બીરાદર પર અન્‍ય વ્‍હોરા લોકોએ હુમલો કરી પાઇપ, વાયરથી માર મારતાં બંનેને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. સામા પક્ષે પણ એક યુવાન પોતાના પર હુમલો થયાની રાવ સાથે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયો હતો.

ભગવતીપરામાં રહેતાં અને ભંગારનો ધંધો કરતાં અલીઅસગર ઇશાભાઇ ઘોઘારી (ઉ.૪૫) તથા મુરતુઝાભાઇ ઇશાભાઇ ઘોઘારી (ઉ.૫૦) પોતાના પર ભગતવીપરાના મુફદ્દતલ હોલ ખાતે મુસ્‍તુફા, નઝમીભાઇ તથા અજાણ્‍યાએ પાઇપ વાયરથી હુમલો કરી માર માર્યાની રાવ સાથે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

અલીઅસગરભાઇએ જણાવ્‍યું હતું કે અમારા સમાજમાં નાતમાં પૈસા ભરવાના હોય છે. નિયમ મુજબ બધા ભરતાં હોય છે. પરંતુ ગરીબ લોકોને આમાં થોડી રાહત કરી આપવા અમે અગાઉ રજૂઆતો કરી હતી. આ કારણે અમારા પર આક્ષેપ મુકાયો હતો કે અમે નાત વિરૂધ્‍ધ બોલીએ છીએ. આ બાબતે વાતચીત કરવા આજે મુફદ્દલ હોલ ખાતે મિટીગ યોજવામાં આવી હતી અને તેમાં મુંબઇથી આમીલસાહેબ પણ હાજર રહ્યા હતાં. અમે બંને ભાઇઓ ત્‍યાં જ જતાં અમારા પર હુમલો કરાયો હતો.

સામે પક્ષે મુસ્‍તુફા યુસુફઅલી વઢવાણીયા (ઉ.૩૦-રહે. ભગવતીપરા) પણ પોતાના પર મુરતુઝાભાઇ, અલીઅસગરભાઇ, ભાસ્‍કત ઘોઘારી, શબ્‍બીર સહિતે ધોકાથી હુમલો કર્યોની રાવ સાથે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયો હતો. તેણે એવો આક્ષેપ કર્યો હતો કે ધાર્મિક બાબતે વાત કરવા હોલ ખાતે ભેગા થયા બાદ મારામારી કરી હુમલો કરાયો હતો. પોલીસે બંને પક્ષના નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

મારામારીમાં કોઇએ મુરતુફાના ગાલ પર બટકુ ભરી લીધું હતું. પોતાને કોણે બટકુ ભર્યુ તે અંગે અજાણ હોવાનું તેણે કહ્યું હતું.

(3:30 pm IST)