Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

ડોક્‍ટર પુત્ર સોફટ ટાર્ગેટ હોવાની ‘ટીપ' તેના કાકાના મદદનીશ કેવલે આપી હતી : ૮૦ લાખ ખંડણી માંગી'તીઃ પાંચ ઝડપાયા

નિર્મલા કોન્‍વેન્‍ટ નજીકની નાગરીક બેંક સોસાયટીમાંથી પરમ દિવસે રાત્રે તબીબ પુત્રના અપહરણની નિષ્‍ફળ કોશીષના કારસાનો પર્દાફાશ : રાજકોટનો કેવલ, પાટડી પંથકના સંજય ઠાકોર, મેઘરજનો જયદિપસિંહ રાઠોડ તેનો મિત્ર સુરેશસિંહ, સુરેશનો પિત્રાઇ સંજય ઠાકોર અને ચિરાગ ઠાકોર સહિત સાતની ટોળકીની સંડોવણીઃ જયપાલસિંહ અને તેના મિત્ર સુરેશ સિંહની શોધખોળઃ બે બોગસ સિમકાર્ડ ચિરાગ ઠાકોરે કઢાવી આપ્‍યા હતાઃ પ્‍લાન નિષ્‍ફળ થયા બાદ લીંબડી નજીક પહોંચી ડો. જીજ્ઞેશભાઇને ફોન કરી ખંડણી મુંબઇ પાસે ચુકવી આપવા જણાવેલઃ ખંડણી નહીં ચુકવાય તો પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી : ખંડણીની રકમનો ૫૦ ટકા હિસ્‍સો કેવલ અને સંજયને જ્‍યારે બાકીના તમામને ૫૦ ટકા સરખે ભાગે વહેચવાનો હતોઃ કેવલને પત્‍ની સાથે છૂટાછેડાનો કેસ ચાલતો હોઇ પૈસાની જરૂર હતી

અપહરણની નિષ્‍ફળ કોશીષના કારસાની સમગ્ર હકિકતો માધ્‍યમો સમક્ષ ડીસીપી પાર્થરાજસિંહ ગોહીલે આપી ત્‍યારની તસ્‍વીરમાં પીઆઇ જે.વી.ધોળા, એસીપી ડી.વી.બસીયા, પીઆઇ વાય.બી.જાડેજા અને પીએસઆઇ એમ.જે.હુણ સહીતનો પોલીસ સ્‍ટાફ નજરે પડે છે. (ફોટોઃ સંદીપ બગથરીયા)

ઝડપાયેલા પાંચેય આરોપીઓની ભોગ બનનાર તબીબ પુત્રની હાજરીમાં મેજીસ્‍ટ્રેટ સમક્ષ ઓળખ પરેડ કરાવવાની હોવાથી  બુરખા પહેરાવી માધ્‍યમો સમક્ષ રજુ કરાયા હતા. તસ્‍વીરમાં પી.આઇ. જે.વી. ધોળા, પી.એસ.આઇ. હુણ અને સફળ પોલીસ ટીમ નજરે પડે છે.  (ફોટોઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૧૬: રૈયા રોડ ઉપર  નિર્મલા કોન્‍વેન્‍ટ પાસેની નાગરિક સહકારી બેંક સોસાયટીમાં રહેતાં ડોક્‍ટર દંપતિ ડો. જીજ્ઞેશભાઇ ખંધેડીયા તથા ડો. હેમાબેન ખંધેડીયાના ધોરણ-૧૧માં ભણતાં ૧૬ વર્ષના પુત્રને તેના જ ઘર પાસેથી નંબર વગરની ઇકો કારમાં ઉઠાવી જઇ ખંડણી વસુલવાનો કારસો નિષ્‍ફળ ગયા બાદ ક્રાઇમ બ્રાંચે ગણતરીના કલાકોમાં સમગ્ર મામલાનો ભેદ ઉકેલી પાંચને ઝડપી લીધા છે. ઝડપાયેલો રાજકોટનો કેવલ સંચાણીયા સમગ્ર કારસાનો માસ્‍ટર માઇન્‍ડ હોવાનું ખુલ્‍યું છે. કેવલ સહિત સાત શખ્‍સોની ટોળકીની આ અપહરણની કોશિષમાં સંડોવણી ખુલી છે. જયપાલસિંંહ રાઠોડ અને તેના મિત્ર સુરેશસિંહની શોધખોળ ચાલી રહી છે. પીએસઆઇ એમ.જે.હુણ તથા તેમની ટીમના એએસઆઇ પ્રતાપસિંહ ઝાલા, હેડ કોન્‍સ્‍ટેબલ કિરતસિંહ ઝાલા, પોલીસ કોન્‍સ્‍ટેબલ નગીનભાઇ ડાંગર, સંજયભાઇ રૂપાપરા અને પ્રદીપસિંહ જાડેજાને મળેલી સંયુકત હકિકતના આધારે સમગ્ર અપહરણકાંડનો પર્દાફાશ થયો છે. પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે સમગ્ર ટીમને પીઠ થપથપાવી હતી.

ડીસીપી પાર્થરાજસિંહ ગોહીલે આજે પ્રેસ કોન્‍ફરન્‍સમાં સમગ્ર ઘટનાની માહિતી આપી હતી. તબિબ પુત્રને ઉપાડી લેવામાં આવે તો ગણતરીના કલાકોમાં તેના માતા-પિતા પાસેથી કરોડ રૂપિયાથી વધુ ખંડણી  વસુલી શકાય તેવી ટીપ લગભગ આઠ માસ પહેલા ભોગ બનનાર તબિબ પુત્રના મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરતાં  કાકા મનસુખભાઇ સાથે મદદનીશ તરીકે કામ કરતા કેવલે જે તે વખતે વેરા વસુલાત શાખામાં નોકરી કરતા તેના મિત્ર સંજય કાંતીભાઇ ડાભી (ઠાકોર)ને આપ્‍યા બાદ  એક માસ પહેલા અપહરણનો પ્‍લાન ઘડી કાઢવામાં આવ્‍યો હતો.

ક્રાઇમ બ્રાંચના ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ડી. વી. બસીયા, પીઆઇ વાય. બી. જાડેજા, પીઆઇ જે. વી. ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆ એમ. જે. હુણ, પીએસઆઇ કે. ડી. પટેલ સહિતની ટીમો ઘટના બનતાની સાથે જ એક્‍શનમાં આવી ગઇ હતી. સીસીટીવી સર્વેલન્‍સના આધારે નંબર વગરની ઇકો કારનું પગેરૂ દબાવાયું હતું. બીજી તરફ હ્યુમન સોર્સિસ પાસેથી પણ થોડીઘણી માહિતી મળી હતી. જેના આધારે એક પછી એક કડીઓ જોડી સમગ્ર અપહરણકાંડનો પર્દાફાશ કરી નાખવામાં આવ્‍યો છે. ૮૦ લાખની ખંડણી તબિબ પુત્રના પિતા પાસે માંગવામાં આવ્‍યા બાદ સીમકાર્ડ ફેંકી દેવાયું હતું.

રાજકોટના કેવલ રમેશભાઇ સંચાણીયા (ઉ.વ.૩ર) (રહે. સાંઇધામ સોસાયટી, શેરી નં. પ, બંસી મકાન સામે, ગોકુલધામ પાછળ, રાજકોટ) , પાટડી પંથકના સંજય  કાંતીભાઇ ડાભી (ઠાકોર), અરવલ્લીના મેઘરજનો જયપાલસિંહ રાઠોડ તેનો મિત્ર સુરેશસિંહ , સુરેશ બચુજી ઠાકોર (રહે. ખાંડીયા, તા.શંખેશ્વર, જી. પાટણ) ચિરાગ દેવાભાઇ ઠાકોર (ઉ.વ.રર) (રહે. વરમોર, તા. માંડલ, જી. અમદાવાદ) સહીત સાત અપહરણકારો હોવાનું ખુલ્‍યું છે. જયપાલસિંહ રાઠોડ (રહે. કુણોલ, તા.મેઘરજ, જી.અરવલ્લી) અને તેના મિત્ર સુરેશસિંહની શોધખોળ ચાલી રહી છે.  અપહરણને અંજામ આપવા માટે જીઓ રિલાયન્‍સ સાથે સંકળાયેલા ચિરાગ દેવાભાઇ ઠાકોર  મારફત બે  બોગસ સિમકાર્ડ કઢાવવામાં આવ્‍યા હતાં.

ડીસીપી ગોહીલ, એસીપી ડી.વી.બસીયા, પીઆઇ જે.વી.ધોળા અને પીઆઇ વાય.બી.જાડેજાએ ઝડપાયેલા પાંચેય અપહરણકારોની જુદી જુદી પુછપરછ આદરી હતી. આ દરમિયાન ખુલ્‍યુ હતું કે, મુખ્‍ય આરોપી કેવલ રમેશભાઇ સંચાણીયાને તેના પત્‍ની સાથે છુટાછેડાનો કેસ ચાલતો હોવાથી પૈસાની જરૂરત હતી. તેણે આ બાબતે અગાઉ મ્‍યુનિસીપલ કોર્પોરેશનની વેરા વસુલાત શાખામાં હંગામી કર્મચારી તરીકે નોકરી કરતા સંજય ડાભીને આ બાબતે જાણ કરી જો તેઓ મુકેશભાઇ ખંધેડીયાના ભાઇ ડો.જીજ્ઞેશભાઇ ખંધેડીયાના પુત્રનું અપરણ કરી ધમકાવે તો આસાનીથી એક કરોડથી વધુ ખંડણી પેટે વસુલી શકાય તેવું આઠેક માસ પહલા જણાવ્‍યું હતું. ત્‍યાર બાદ સંજયે સમગ્ર કારસાને અંજામ આપવા માટે તબકકાવાર રીતે સુરેશ બચુજી ઠાકોર, ચિરાગ દેવાભાઇ ઠાકોર, સંજય મનજીભાઇ ઠાકોર (ઇકો કારનો માલીક કમ ડઇવર),   જયપાલસિંહ રાઠોડ(ભોગ બનનનારનું અપહરણ કરનાર) અને સુરેશસિંહ (અપહરણની કોશીષમાં જોડાયેલા) ને પોતાની સાથે જોડયા હતા. નક્કી એવું થયું હતું કે, ખંડણીની જે રકમ મળે તેમાંથી કેવલ અને સંજય પ૦ ટકા હિસ્‍સો પોતાની પાસે રાખશે. જયારે બાકીના પ૦ ટકા રકમ અન્‍ય પાંચને સરખેભાગે વહેંચી દેવાશે પરંતુ પ્રમાણમાં વજનદાર અને તંદુરસ્‍ત તબીબ પુત્રએ તેમનો  કારસો સફળ થવા દીધો નહતો.

 તબીબ પુત્રએ અપહરણકારો સાથે ઝડપાઝપી કરી હો-હા મચાવી  દેતા પાંચેય અપહરણકારોએ ઇકો  કાર નિર્મલા કોન્‍વેન્‍ટથી કોટેચા ચોક તરફ મારી મુકી હતી. ત્‍યાર બાદ અમદાવાદ હાઇવે ઉપર લીંબડી સુધી પહોંચ્‍યા બાદ બોગસ સીમકાર્ડ ઉપરથી ડો.જીજ્ઞેશભાઇ ખંધેડીયાને ફોન કરી ૮૦ લાખની ખંડણી મુંબઇ નજીક ચુંકવી આપવા ધમકી આપી હતી. જો ખંડણી નહિ ચુકવે તો સમગ્ર તબીબ પરિવારને ખતમ કરી નાખશે તેવું જણાવ્‍યું હતું. જો કે ક્રાઇમ બ્રાન્‍ચે ઘટના બાદ તુરંત જ ડોકટર પરિવારના મોબાઇલ સર્વેલન્‍સમાં લઇ લીધા હોય અપહરણકારોનું લોકેશન મળી ગયું હતું. ખંડણી માટે ધમકાવતા આવા બે ફોન કરી અપહરણકારોએ સીમકાર્ડ ફેંકી દીધા હતા. ક્રાઇમ બ્રાન્‍ચની ટુકડીએ લોકેશન મળ્‍યા બાદ સતત પીછો કરી પાંચને ઝડપી લીધા હતા. આમ વધુ એક ગંભીર ગુન્‍હાનો પર્દાફાશ ગણત્રીના કલાકોમાં ક્રાઇમ બ્રાન્‍ચે કરી નાખ્‍યો હતો.

પોલીસ ઇન્‍સ્‍પેકટર વાય.બી.જાડેજા, પીઆઇ જે.વી.ધોળા, પીએસઆઇ  ેેએમ.જે.હુણ, એએસઆઇ પ્રતાપસિંહ ઝાલા, હેડ કોન્‍સ્‍ટેબલ કિરતસિંહ ઝાલા, પોલીસ કોન્‍સ્‍ટેબલ સંજયભાઇ રૂપાપરા, નગીનભાઇ ડાંગર, પ્રદીપસિંહ જાડેજા, ચેતનસિંહ જાડેજા, સહિતનો કાફલો વધુ તપાસ ચલાવી રહયો છે. 

 

ઘટના પહેલા એક કલાકે અપહરણકારોએ નાગરીક બેંક સોસાયટીમાં રેકી કરેલી

રાજકોટઃ પરમ દિવસે રાત્ર તબીબ પુત્રને ઇકો કારમાં ખેંચીને અપહરણ કરવામાં નિષ્‍ફળ નિવડેલા અપહરણકારોએ એક કલાક પહેલા રેકી કરી હતી. પાંચેય અપહરણકારો ઇકોમાં બેસી ખંધેડીયા પરિવારના રહેણાંક પાસેથી પસાર થયા હતા. ફરી એક કલાક બાદ નીચે આવી તબીબ પુત્રના મોબાઇલ ઉપર ફોન કરી કુરીયરમાં પાર્સલ આવ્‍યાનું જણાવી નીચે બોલાવ્‍યો હતો. પરંતુ તબીબ પુત્રએ કરેલા સજ્જડ પ્રતિકારથી અપહરણમાં સફળ થયા ન હતા. 

 

ઝડપાયેલા અપહરણકારો અને તેમની ભૂમિકા

 (૧)  કેવલ રમેશભાઇ સંચાણીયા (કીડનેપીંગનો માસ્‍ટર માઇન્‍ડ)

(ર) સંજય કાંતીભાઇ ડાભી (ઠાકોર) (કેવલનો મિત્ર અને અપહરણનો સંયુકત માસ્‍ટર માઇન્‍ડ)

(૩) સુરેશ બચુજી ઠાકોર (સીમકાર્ડ અને ઇકો કારની વ્‍યવસ્‍થા કરનાર)

(૪) ચિરાગ દેવાભાઇ ઠાકોર (બોગસ સીમકાર્ડ આપનાર)

(પ) સંજય મનજી ઠાકોર (ઇકો કારનો ડ્રાઇવર કમ માલીક)

(૬) જયપાલસિંહ રાઠોડ (અપહરણકાર )

(૭) સુરેશસિંહ (જયપાલસિંહનો મિત્ર અને અપહરણકાર) 

 

રાજકોટ મ્‍યુનિસીપલ કોર્પોરેશન  કચેરી જોગાનુજોગ અપહરણના કારસાનું એપી સેન્‍ટર બન્‍યું!

રાજકોટઃ પરમ દિવસે રાત્રે ૯.૩૦ આસપાસ નાગરીક બેંક સોસાયટીમાં રહેતા ડો.જીજ્ઞેશભાઇ ખંધેડીયા અને ડો.હેમાબેન ખંૅધેડીયાના પુત્રને તમારૂ પાર્સલ કુરીયરમાંથી આવ્‍યું છે તેમ ફોન કરી નીચે બોલાવી નંબર વગરની ઇકો કારમાં અપહરણ કરી લઇ જવાની કોશીષ નિષ્‍ફળ નિવડી હતી. સમગ્ર અપહરણકાંડના કારસાનું એપી સેન્‍ટર જોગાનુજોગ મ્‍યુનિસીપલ કોર્પોરેશન કચેરી બની હતી.

ભોગ બનનાર તબીબ પુત્રના કાકા મનસુખભાઇ ખંધેડીયા ટાઉન પ્‍લાનીંગ શાખામાં અગાઉ ફરજ બજાવતા હતા ત્‍યારે તેમણે પોતાના મદદનીશ તરીકે કોન્‍ટ્રેકટ બેઇઝથી કેવલ રમેશભાઇ સંચાણીયાને રાખ્‍યો હતો. લાંબા સમયથી તેમની સાથે સંકળાયેલા હોવાથી કેવલ મનસુખભાઇના ભાઇ ડો.જીજ્ઞેશ ખંધેડીયા અને તેમના પરિવારની આર્થીક સુદ્રઢ સ્‍થિતિ અંગે જાણતો હતો. એટલું જ નહિ તેમના ઘરે પણ આવ-જા કરી ચુકયો હોય તેના પુત્રને પણ ઓળખતો હતો.

 પોતાને પૈસાની જરૂર હોવાથી તબીબ પુત્રનું અપહરણ કરવામાં આવે તો મોટી ખંડણી મળી શકે તેવી ટીપ પણ તેણે તોનાની સાથે જ મ્‍યુનિસીપલ કોર્પોરેશનની વેરા વસુલાત શાખામાં હંગામી ધોરણે એપ્રેન્‍ટીસ તરીકે નોકરી કરતા સંજય ઠાકોરને આપ્‍યા બાદ અપહરણના કારસાને અંજામ આપવાનું શરૂ થયું હતું. એક માસ પહેલા પ્‍લાન ઘડી બાકીના અપહરણકારોને જોડવામાં આવ્‍યા હતા. આમ સમગ્ર કારસાની શરૂઆત કોર્પોરેશન કચેરીમાંથી જ થઇ હતી. 

 

પીએસઆઇ હુણની ટીમને વધુ એક સફળતા : અમીન માર્ગના બંગલોમાં ચોકીદારના હત્‍યારાને ઝડપી લેવામાં પણ આ ટુકડીને સફળતા મળેલી

રાજકોટઃ અપહરણના સમગ્ર કારસાનો ગણત્રીના કલાકોમાં પર્દાફાશ કરી પાંચ અપહરણકારોને ઝડપી લેનાર પીએસઆઇ એમ.જે.હુણ, એએસઆઇ પ્રતાપસિંહ ઝાલા, હેડ કોન્‍સ્‍ટેબલ કિરતસિંહ ઝાલા, પોલીસ કોન્‍સ્‍ટેબલ નગીનભાઇ ડાંગર, સંજયભાઇ રૂપાપરા અને પ્રદીપસિંહ જાડેજાની સંયુકત બાતમી અપહરણકારોની ગરદન ફરતે ગાળીયો કસવામાં મહત્‍વની રહી હતી. અમીન માર્ગ ઉપર તાજેતરમાં બિલ્‍ડરના બંગલોમાં થયેલી ચોકીદારની હત્‍યાના આરોપીઓને પણ રાજસ્‍થાનમાંથી ઝડપી લેવાની સફળતા પણ પીએસઆઇ એમ.જે.હુણને જ મળી હતી. આમ વધુ એક વખત ક્રાઇમ બાન્‍ચની આ ટુકડીની મહેનત ઉગી નિકળી હતી.

(3:36 pm IST)