Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

ગ્રેટ ગોલ્ડન સરકસ : ગુજરાતનું ગૌરવ

ભારતમાં સરકસનું સંચાલન ખૂબ કઠીનઃ ર૩ સરકસ કંપનીઓ હતી, હાલ સાત રહી... : સરકસ સંચાલક અનવરભાઇ 'અકિલા'ની મુલાકાતેઃ ગ્રેટ ગોલ્ડનની સ્થાપના અનવરભાઇના પિતાશ્રીએ કરી હતીઃ અમદાવાદનો આ પરિવાર : ૬પ વર્ષથી સરકસની દુનિયામાં ધબકે છેઃ અનવરભાઇના માતુશ્રી યશોદાબેન સરકસમાં ભારત માતા બનીને હાથી પર એન્ટ્રી કરતા હતા

 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ગ્રેટ ગોલ્ડન સરકસના ઓનર અનવરભાઇ તથા મેનેજર બશીરભાઇ  અને ચારૂ પબ્લિીસીટીના સંચાલક મૌલિક હરીશભાઇ પારેખ તથા શરદ પીઠડીયા નજરે પડે છે.(તસ્વીર સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૬ :  સ્વર્ગે યહાં, નર્ક  યહાં ઇસ કે સિવા જાના કહાં

દિલધડક મનોરંજનનું એક ક્ષેત્ર સરકસ ડિજિટલ યુગમાં મુશ્કેલ સ્થિતિમાં છે. એક સમયે ભારતમાં ર૭ સરકસ કંપનીઓ ધૂમ મચાવી રહી હતી. સમયના બદલાવ અને સરકારના નિયમોના કારણે સરકસ ચલાવવું ખૂબ કપરૃં કાર્ય બની ગયું છે. ર૭માંથી માત્ર પાંચ-છ સરકસ કંપનીઓ અસ્તિત્વ જાળવી શકી છે. રાજકોટના શાસ્ત્રી મેદાનમાં હાલ ગ્રેટ ગોલ્ડન સરકસ કંપનીના શો ચાલી રહ્યા છે. લોકડાઉન બાદ અતિ મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થયેલી આ સરકસ કંપનીને રાજકોટમાંથી જબ્બર રિસપોન્સ પ્રાપ્ત થયો છે. સરકસના કલાકારો રાજકોટવાસીઓના પ્રેમથી ખુશ છે.

સરકસમાં સ્ટેજ પરના ખેલ રોચક હોય જ છે, પણ પડદા પાછળની દુનિયા ગૌરવ અને કરૂણાથી છલકતી હોય છે. આ દુનિયાની ઝલક માણવા જેવી છે.

ગ્રેડ ગોલ્ડન સરકસે મુશ્કેલ સ્થિતિમાં પણ અડીખમ અસ્તિત્વ જાળી રાખ્યુંછે. આ સરકસ કંપની ગુજરાતનું ગૌરવ છે દાયકાઓ પૂર્વે ગ્રેટ ગોલ્ડન સરકસનો પ્રારંભ ગુજરાતમાં થયો હતો અમદાવાદનો એક વ્યકિતએ આ કંપનીનો પાયો નાખ્યો હતો. આ કંપનીએ દાયકાઓ સુધી દેશભરમાં ધૂમ મચાવી છે હજુ પણ સરકસનો ધબકાર ચાલે છે.

ગ્રેટ ગોલ્ડ સરકસના ઓનર અનવરભાઇ 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, હું મારા પિતાશ્રી અહમદભાઇ સાથે સરકસ જોવા જતો હતો. પિતાશ્રી ગ્રેટ ઓરિએન્ટલ સરકસમાં કામ કરતા હતા. પિતાશ્રીની ઇચ્છાના કારણે મેં પણ સરકસમાં કામ શરૂ કર્યું હતું. આ રીતે હું  સરકસમાં એન્ટર થયો. ૬પ વર્ષથી અમારો પરિવાર સરકસની દુનિયામાં઼ જોડાયેલા છે.

અનવરભાઇએ જણાવ્યું હતું કે, અમે અમદાવાદના છીએ. પિતાશ્રીએ સરકસમાં આઠ વર્ષ નોકરી કર્યા બાદ ખુદની સરકસ કંપની બનાવી, જે ગ્રેટ ગોલ્ડન સરકસ છે.

અનવરભાઇ કહે છે કે, ૧૯૭૯માં પિતાશ્રીના નિધન બાદ સરકસ કંપનીની સમગ્ર જવાબદારી મારા પર આવી ગઇ. જો કે, આ સમયે માતુશ્રીનો પુર્ણ સહયોગ રહ્યો હતો.

અનવરભાઇના માતુશ્રીનું નામ યશોદાબેન પટેલ છે.માતુશ્રી પણ સરકસમાં કામ કરતા સાઇકિલંગ, જીપ જમ્પ,વગેરે જેવા ૧૦ ખેલ ઉપરાંત હાથી પર બેસીને ભારત માતા બનીને દર્શકોને દર્શન આપતા. માતુશ્રી સરકસની દુનિયામાં યશોદાબેબી નામથી મશહુર હતા.

અનવરભાઇ કહે છે કે, એક સમયે સરકસની દુનિયાનો અનોખો ઝગમગાટ હતો. વિવિધ પશુ-પક્ષી અને પ્રાણીઓ સાથે આત્મિયતા-લાગણીના સંબંધો સ્થાપીને સરકસમાં અકલ્પનીય ખેલ કરાવાતા હતા. બાળકોથી માંડીને વડીલો સુધીના દર્શકો આ ખેલ જોવા પડાપડી કરતા હતા. સરકસમાં પશુ-પક્ષી-પ્રાણીઓ પર પ્રતિબંધ મૂકાયા બાદ ચામ ઘટ્યો છે. ઉપરાંત સોશ્યલ મીડિયા અને મનોરંજનના માધ્યમો વધી ગયા. આ તમામ કારણોસર સરકસનું મેનેજમેન્ટ ખૂબ મુશ્કેલ બન્યું છે.

અનવરભાઇએ કહ્યું હતું કે, રાજકોટમાં અમે ૧૧૦ નામી કલાકારોનો કાફલો લઇને આવ્યા છીએ. સરકસ ચાલે કે ન ચાલે દરરોજનો સ્થિર ખર્ચ ગંજાવર હોય છે. જો કે ગ્રેટ ગોલ્ડન સરકસને રાજકોટ-સૌરાષ્ટ્રમાંથી કાયમ ભરપુર પ્રેમ મળ્યો છે. આ વખતે પણ રાજકોટવાસીઓ અમારા પર અનરાધાર પ્રેમ વરસાવે છે. લોકડાઉનની લાંબા ગાળાની અતિ કપરી સ્થિતિ બાદ રાજકોટે અમને આનંદ આપ્યો છે.

મોટા ભાગે સરકસના માલિક જે તે શહેરમાં હોટલમાં રહેતા હોય છે. અનવરભાઇ સરકસના અન્ય સ્ટાફ સાથે ટેન્ટમાં જ રહે છે અને સરકસમાં બધાં માટે સામુહિક ભોજન બને છે, જે અનવરભાઇ પણ લે છે. તેઓ કહે છે કે, અમે બધાં પરિવારની જેમ રહીએ છીએ. મારે માલિકની નહિ પરિવારના વડીલની ભૂમિકા ભજવવાની હોય છે. અનવરભાઇ કહે છે કે, સરકસ ચલાવવું મુશ્કેલ છ.ે, પણ ભગવાનની કૃપાથી ચાલે છે.

તેઓ આગળ કહે છે કે, ઘરેલું જાનવર ઘોડા-શ્વાન તથા પક્ષીમાં પોપટ વગેરેને મંજુરી આપવી જોઇએ અમે દરરોજ કંઇક નવું આપવા પ્રયાસ કરીએ છીએ. રાજકોટમાં પણ તાન્ઝાનિયાથી સાત કલાકારો આવવાના છે.

અનવરભાઇના નાના બહેન ફરીદાબેન પણ સરકસમાં કામ કરતા હતા. જીપ જમ્પ જેવા જોખમી ખેલ તેમણે કર્યા હતા. અનવરભાઇ કહે છે કે, ગુજરાતનું એક માત્ર સરકસ ગ્રેટ ગોલ્ડન છે. ૬પ વર્ષથી આ કંપની ચાલે છે. આ સરકસ ગુજરાતમાં જનમ્યું છે, ગુજરાતમાં મોટું થયું છે. અમે દેશભરમાં શો કર્યા છે. ગર્વ એ છે કે, ગુજરાતના ગામે-ગામ અમે ફર્યા છીએ અને લોકોનું મનોરંજન કર્યું છે. આ સરકસ કંપનીથી ર૦૦ પરિવારોની રોજગારી ચાલે છે. ગ્રેટ ગોલ્ડન સરકસને ગોલ્ડ મેડલ મળ્યોં છે.

આ સરકસ કંપનીમાં ટેન્ટ વોટરપ્રુફ-ફાયરપ્રુફ છે કુલર સતત ચાલુ રહે છે. ડિસ્પ્લે અને લાઇટિંગ તથા સાઉન્ડ સિસ્ટમમાં નંબર વન છે. સરકસ કંપની કલાકારોને ભ્જ્ પણ આપે છે. છ-સાત કલાકારો એવા છે, જે સરકસના સ્થાપના કાળથી સાથે છે.

અંતમાં અનવરભાઇએ કહ્યું હતું કે, રાજકોટનાં લોકોનો અમે ઋણી છીએ. કપરા સમયે અમને પ્રેમથી ભીંજવી દીધાં છે.

અનવરભાઇએ પુત્રના લગ્ન પણ રાજકોટ કર્યા હતા

રાજકોટ, તા., ૧૬: અનવરભાઇ કહે છે કે અમને રાજકોટે ખુબ પ્રેમ આપ્યો છે. અનવરભાઇના પુત્રવધુ મારવાડી છે. પરંતુ પુત્ર ઝોયેફના લગ્ન અને રિસેપ્શન રાજકોટમાં રાખ્યું હતું. તેઓ કહે છે કે, રાજકોટનુ ઋણ અમારા પર ખુબ છે.  સરકસમાં ઘણા કલાકારોને દિલ મળી જતા હોય છે. અનવરભાઇ કહે છે કે, આવા યુગલોનો પિતા બનીને હું બંન્નેના પરિવારોનો સંપર્ક કરીને સહમતીથી લગ્ન કરાવું છું.

મોદીજી સરકસ  જોવા પધારે તેવી  ઇચ્છા : અનવરભાઇ

સરકસમાં ઘરેલુ પ્રાણી-પક્ષીઓની મંજુરી જરૂરીઃ ઉપરાંત પરમીશન

પ્રક્રિયા સરળ બનાવવી જરૂરી

રાજકોટ, તા., ૧૬: અનવરભાઇએ જણાવ્યું હતું કે સરકસ એ રીલય અને લાઇવ શો છે. કલાની દ્રષ્ટિએ તેની વેલયુ અનેકગણી વધારે ગણાય. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજી સરકસ માણવા પધારે તેવી અમારી ઇચ્છા છે. સરકસમાં ઘરેલુ પ્રાણી-પક્ષીઓને મંજુરી આપવામાં આવે તો સરકસ વધારે રોમાંચક બને. ઉપરાંત રાજકોટમાં સરકસની મંજુરીની પ્રક્રિયા પણ સરળ અને ઝડપી બનવી જોઇએ.

રાજકોટમાં બે સરકસ વચ્ચે સ્પર્ધા થઇ હતી

રાજકોટ તા.૧પ : ગ્રેટ ગોલ્ડ સરકસના અનવરભાઇએ જણાવ્યું હતું કે, રાજકોટમાં ૧૯૯૭ની સાલમાં બે સરકસ કંપની સાથે આવી ગઇ હતી.

ગ્રેટ ગોલ્ડન સરકસ અને મુનલાઇટ સરકસ કંપનીઓ સામસામે મંડાઇ હતી. સ્પર્ધાત્મક માહોલમાં મુનલાઇટ સરકસે ફ્રી એન્ટ્રી જાહેર કરી દીધી હતી, છતા ર૯ દિવસ જ તે ચાલ્યું હતું. ગ્રેટ ગોલ્ડન સરકસ ૬૩ દિવસ ચાલ્યું હતું.

ગ્રેટ ગોલ્ડનનું પ્રચાર-પ્રસાર કાર્ય ચારૂ પબ્લિસીટીના સ્વ. હરીશભાઇ પારેખ પાસે હતું આજે પણ ગ્રેટ ગોલ્ડન પરિવાર ચારૂ પબ્લિસીટીની ત્રીજી પેઢી સાથે કામ કરે છે. અનવરભાઇ કહે છેકે, અમે હરીશભાઇ સાથે કામ શરૂ કરતા પૂર્વે તેઓના પિતાશ્રી સાથે કામ કરતા હતા. હાલ હરીશભાઇના પુત્ર મૌલિક પારેખ સાથે સક્રિય છીએ.

ર૦૦ પરિવારોને રોજગારી

સરકસના પડદા પાછળની કહાની  : દરરોજ ૧રપ વ્યકિતની રસોઇ બને છેઃ સામાન્ય કર્મચારીથી માંડીને માલિક એક રસોડે ભોજન લે છે

રાજકોટ : ગ્રેટ ગોલ્ડન સરકસ મોટા પરિવાર સમાન છે આ સરકસમાં ૧૦૦ કલાકારોનો કાફલો છે સરકસ જયા પડાવ નાખે છે. ત્યાં ર૦૦ પરિવારોને રોજગારી આપે છે.

અનવરભાઇ કહે છે કે, સરકસમાં કામ કરનાર દરેકની જવાબદારી કંપની પર હોય છે. ગ્રેટ ગોલ્ડન સરકસમાં રાજકોટમાં  દરરોજ બે સમય ૧રપ લોકોનું સામુહિક ભોજન બને છે. ઉપરાંત ચા-પાણી, નાસ્તા ચાલુ જ હોય છે રસોઇ ઘરમાં પાંચ નિષ્ણાત રસોઇયા કામ કરે છે. જે વિવિધ પોષ્ટિક વાનગીઓના નિષ્ણાત છે. સામાન્ય કર્મચારીથી માંડીને અનવરભાઇ સુધીના એક રસોડે ભોજન લે છે અને સરકસ સ્થાને બનેલા ટેન્ટમાં જ રહે છે. દરેક માટે સમાન નિયમો છે. સરકસના જોકર કહે છેકે, અહીં મને નવો પરિવાર મળ્યો છે.

 

  અનવરભાઇના માતુશ્રી માતાજીના ઉપાસક

યશોદાબેન  વર્ષોથી નવરાત્રીમાં

ઉપવાસ કરીને સાધના કરતા રહે છેઃ સરકસમાં ગણેશોત્સવ-નવરાત્રી-દિવાળી-ઇદ વગેરે

તહેવારો ધામધુમથી ઉજવાય છેઃ અનવરભાઇનો વિશિષ્ટ પરિવાર-માતુશ્રી ગુજરાતી પટેલ,

કાકી પંજાબી,  પુત્રવધુ મારવાડી

રાજકોટ તા. ૧૪: ગ્રેટ ગોલ્ડન સરકસના માલિક પરિવારની સ્ટોરી વિશિષ્ટ છે. અનવરભાઇના માતુશ્રીનું નામ યશોદાબેન પટેલ છે. હાલ ૭પ વર્ષની વયે યશોદાબેન ચૂસ્તી અને સ્ફૂર્તિ ધરાવે છે. યશોદાબેન સરકસની દુનિયામાં યશોદાબેબી નામથી પ્રચલિત હતા.

યશોદાબેન સરકસમાં વિવિધ પ્રકારના ખેલ કરતા હતા. છેલ્લે હાથી પર સવારી કરીને ભારતમાતા બનીને આવતા અને દર્શકોનો દર્શન આપતા. યશોદાબેન દિવ્ય શકિતના ઉપાસક છે. માતાજીમાં અપાર શ્રધ્ધા ધરાવે છે. અને નવરાત્રીમાં ઉપવાસ કરીને માતાજીની ભકિત કરતા રહે છે.

અનવરભાઇ કહે છે કે, સરકસમાં પણ વિવિધ ઉત્સવો ધામધુમથી ઉજવાય છે. ગણેશોત્સવમાં ૧૦ દિવસ ગણપતિ દાદાની સ્થાપના થાય છે ઉપરાંત નવરાત્રી, દીવાળી, જન્માષ્ટમી, ઇદ, નાતાલ વગેરેની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે.

અનવરભાઇના પરિવારમાં વિસિષ્ટ સંયોગ સર્જાયો છે તેમના માતુશ્રી ગુજરાતી પટેલ છે કાકી પંજાબી છે. પુત્રવધુ મારવાડીછે અને પત્ની પંજાબી છે.

રમુજ સાથે અનવરભાઇ કહે છેકે, મારા પિતાએ પ્રેમલગ્ન કર્યા હતા. મેં કર્યા તો મને ન સ્વીકાર્યો...લગ્ન બાદ મે સરકસ છોડી દીધું અને ટ્રક ડ્રાઇવર બની ગયો.... પિતાશ્રીએ ત્રણ વર્ષ બાદ સ્વીકાર્યો પછી પાછો સરકસમાં જોડાઇ ગયો હતો પિતાશ્રી ખૂબ ભલા હતા. સરકસમાં દરેક માટે સમાન નિયમો રાખતા મારા માટે પણ નિયમમાં બાંધછોડ કરતા નહિ.

'શાન' ફિલ્મનું શૂટિંગ સરકસમાં થયું હતું

ગ્રેડ ગોલ્ડન સરકસનું ગૌરવઃ 'નાસ્તિક' ફિલ્મનું શૂટિંગ પણ સરકસમાં થયેલું

રાજકોટ : ગ્રેટ ગોલ્ડન સામાન્ય સરકસ કંપની નથી વિવિધ મહાનુભાવો આ સરકસ માણી ચુકયા છે.ગ્રેટ ગોલ્ડન સરકસ ફિલ્મ પડદે પણ ચમકી ચુકયું છે. શાન અને નાસ્તિક ફિલ્મના શુટિંગ આ સરકસમાં થયા હતા લતાજી ઉપરાંત રાજકુમાર, સુનીલ દત્ત, સંજય દત્ત, નરગીસ, જોની વોકર વગેરે ગ્રેટ ગોલ્ડન સરકસના મહેમાન બન્યા હતા.

શાસ્ત્રી મેદાનમાં આવેલું ગ્રેટ ગોલ્ડન  સરકસ સપરિવાર અચુક માણવા જેવું છે.

બપોરે ૩.૩૦ તથા સાંજે ૬.૩૦ અને  રાત્રે ૯.૩૦ વાગ્યે ત્રણ શો થાય છે.

ટિકિટના દર રૂા. ૧પ૦ / રૂા. રપ૦ / રૂા.૪૦૦ 

છે. પરિવાર સાથે અચૂક માણજો.

(3:43 pm IST)